રાજકોટ: આજે સમગ્ર રાજ્યમાં વિશ્વ ચકલી દિવસ ઉજવાઈ રહ્યો છે. એક સમયે આંગણે ચકલીઓ ઊડતી જોવા મળતી એ દૃશ્યો હવે ભૂતકાળ બની રહ્યા છે. કોંક્રિટના જંગલોમાં ફરી ચકલીઓ દેખાતી થાય તે માટે રાજકોટ સહિત ગુજરાતમાં અનેક સેવાભાવી સંસ્થાઓ ચકલીના માળા વિતરણની કામગીરી કરે છે. લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને ખાસ કરીને ચકલીની વસ્તી ફરી જોવા મળે તે દિશામાં થતાં પ્રયત્નોને સહયોગ આપવા જૈન મુનિઓએ અપીલ કરી છે.
વિશ્વ ચકલી દિવસ’ નીમિતે રાજકોટના કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન તથા અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ સક્રિય થયું છે. આ માટે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા તથા સાંસદ રામભાઈ મોકરીયાએ કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટના મિતલ ખેતાણી અને તેમની ટીમને શુભેચ્છા પાઠવી હતી.
કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે, પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડીનું બારે મહિના નિઃશુલ્ક વિતરણ થઈ રહ્યું છે.
ચકલીની વસ્તી વધારવા માટે માળો ગોઠવવા સાથે ચકલીને ખોરાક, પાણી અને સલામતી મળી રહે તે પણ જરૂરી છે. આવો સાથે મળી ચકલીની જરૂરીયાત સંતોષી ચકલીની વસ્તી વધારવાના પ્રયત્નોમાં સહભાગી થઇએ. રાજકોટમાં ચકલીના માળા, પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ એનીમલ હેલ્પલાઈન, ‘જનપથ’, તપોવન સોસાયટી–૨ ખાતે થાય છે.
દેવેન્દ્ર જાની (રાજકોટ)
