સચ્ચાઈના રનવે પર કલ્પનાની ઉડાન (ભાગ બીજો ને છેલ્લો)

થોડાં અઠવાડિયાં પહેલાં આપણે અહીં અજય દેવગનની ‘રનવે-34’ના ટ્રેલરની વાત કરેલી. ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, જોવાઈ ગઈ છે અને એ કેવી છે એની વાત આજે કરવી છે. ફિલ્મ બ્લાઈન્ડ લૅન્ડિંગની છે, એટલે કે ગગનગામી વિમાનને આંખો મીંચીને નીચે ઉતારવાના દુસ્સાહસની વાત છે. તો ચાલો, કુર્સીની પેટી કસીને બાંધી લો… આપણે કરીએ ટેકઓફ્ફઃ

ફિલ્મ જેનાથી પ્રેરિત છે એ ઘટના 2015ના ઑગસ્ટમાં ઘટેલી. દોહાથી કોચી આવતું ‘જૅટ ઍરવેઝ’નું વિમાન ખરાબ હવામાનમાં તિરુઅનંતપુરમ્ (ત્રિવેન્દ્રમ્) ઍરપૉર્ટ પર ક્રૅશ થયું હતું. વિમાનમાં 142 પેસેન્જર અને આઠ ક્રૂ મેમ્બર હતા. પછી ખબર પડી કે સમસ્યા ઈંધણની હતી. કેમ કે ત્રણ-ત્રણ વાર કોચીમાં ઊતરવાની નિષ્ફળ કોશિશમાં ખૂબ ફ્યુઅલ વપરાઈ ગયેલું. માત્ર પંદર મિનિટના અંતર પર આવેલા બેંગલુરુ ઍરપૉર્ટ પર ઊતરી શક્યું હોત, પણ પાઈલટે વિમાન તિરુઅંનતપુરમ્ લઈ જવાનું નક્કી કર્યું. કાળાડિબાંગ વાતાવરણ, ધોધમાર વરસાદ અને પવનના તોફાન વચ્ચે પ્લેન લૅન્ડ તો થયું, પણ બ્રેક લાગે એ પહેલાં બાઉન્ડરી વૉલ વિનાના રનવેની બહાર છેક ખીણની ટોચ સુધી પહોંચી ગયું. જો જરીક આગળ ગયું હોત તો ખાબક્યું હોત ખીણમાં. સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ થઈ નહોતી.

દિગ્દર્શક અજય દેવગન અને લેખકો સંદીપ કેવલાની-આમિલ કેયાને સાતેક વર્ષ પહેલાં બનેલી આ સત્યઘટના પર કલ્પનાના મરીમસાલા ભભરાવી એક થ્રિલર પેશ કર્યું છે. હજારો ફીટ આકાશમાં ફસાયેલું વિમાન, દિલધડક ક્રૅશ લૅન્ડિંગ અને એની ઈન્વાયરી. પાઈલટ કૅપ્ટન વિક્રાંત ખન્ના (અજય દેવગન) અને કો-પાઈલટ તાન્યા અલ્બૂકર્કી (રકુલપ્રીતસિંહ) સત્યઘટનાની જેમ ત્રિવેન્દ્રમના 34 નંબરના રનવે પર વિમાન ઉતારે છે અને…

કહેવું જોઈએ કે ભારતમાં બનેલી આ પ્રકારની આ પહેલી ફિલ્મ છે અને સર્જકો વિષયને ચુસ્તપણે વળગી રહ્યા છે. ઓકે, વિષય એવો છે કે ડિજિટાઈઝ્ડ વિઝ્યુલ્સ એમણે વાપરવા જ પડે, પણ એ કામ મોટે ભાગે સફાઈદાર થયું છે. સાઈક્લોનમાં ઝોલાં ખાતા પ્લેનનાં દશ્યો પ્રેક્ષકોને ચોંકાવી દે એવાં છે આ માટે ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી અસીમ બજાજ અને એડિટર ધર્મેન્દ્ર શર્માને તથા એમની વીએફએક્સ ટીમને ધન્યવાદ.

વાર્તાને સચ્ચાઈની નજીક લાવવા સર્જકોએ કેટલાક વિમાનપ્રવાસીની નાની નાની બૅકસ્ટોરી કહી છેઃ મોબાઈલ પર સતત શૂટ કર્યા કરતો યુટ્યૂબર કૅરી મિનાટી, એક એવિયેશન જર્નલિસ્ટ, શ્વાછોશ્વાસની સમસ્યાથી પીડાતી વૃદ્ધ પારસી સન્નારી, નવજાત શિશુ સાથે પહેલી વાર વિમાનપ્રવાસ કરી રહેલી મહિલા, પોતાને ઍરલાઈન કંપનીનો માલકિ સમજતો શૅરદલાલ, પેસેન્જરોને શાંત પાડતી ઍરહોસ્ટેસ, વગેરે. આનાથી એક વાતાવરણ નિર્માણ થાય છે.

ફિલ્મ ઈન્ટરવલ સુધી પ્રેક્ષકને સીટમાંથી ચસકવા દેતી નથી. ઈન્ટરવલ બાદ થોડો સમય સુધી ટરબ્યુલન્સમાં ફસાયેલા વિમાનની જેમ ઝોલાં ખાય છે. અહીં લેખન થોડું નબળું પડે છે. ‘ઍરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો’ તરફથી દુર્ઘટનાની બંધબારણે ઈન્કવાયરી કરી રહેલા, પાઈલટ તથા કોપાઈલટને આકરા સવાલ પૂછી રહેલા નારાયણ વેદાંતસિંહ (અમિતાભ બચ્ચન)ની ડાયલોગબાજી જરા અકળાવનારી છે. લૅન્ડિંગ દરમિયાન, એ પહેલાં અને પછી પાઈલટ-કોપાઈલટની લાઈફમાં શું બનેલું અને કેવી રીતે આ દુર્ઘટના થઈ એની એક તપાસનો તો મોટો ડ્રામો બનાવી દીધો. એમાંય નારાયણ વેદાંતસિંહ શુદ્ધ હિંદી બોલીને એ જ વાક્યને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરે છે એ ઈરિટેટ કરે છે. એકાદ વાર ઠીક છે, પણ આમ એ સતત કરતા રહે છે.

બીજી એક વાતઃ ત્રિવેન્દ્રમને બદલે વિમાનને પંદર મિનિટના અંતર પર આવેલા બેંગલુરુ ઍરપૉર્ટ પર સુરક્ષિત ઉતારી શકાયું હોત. પાઈલટે ત્યાં કેમ લૅન્ડ ન કર્યું? એવા મહત્વના મુદ્દા પર દુર્લક્ષ કરવામાં આવ્યું છે.

જો કે આવા થોડા ટરબ્યુલન્સ પછી ફિલ્મ પાછી સ્થિર થાય છે. ફિલ્મનો મને સ્પર્શી ગયેલો સીનઃ વરસાદ, વાવાઝોડામાં ધરાગામી થઈ રહેલું વિમાન. બેફિકરા, આત્મવિશ્વાસી, ફોટોજનિક મેમરી ધરાવતા કૅપ્ટન વિક્રાંતનું લૅન્ડિંગ વખતે થથરી જવું. કપાળ પરથી રેલાતો પરસેવો. ચહેરા પર ભય.

અજય દેવગનનો અભિનય કાબિલ-એ-દાદ છે. રકુલપ્રીતસિંહ, ઍરલાઈન કંપનીના માલિક સુરીની ભૂમિકામાં બોમન ઈરાની, કૅપ્ટનની પત્નીની ભૂમિકામાં અંગિરા ધીર, વગેરે પણ સરસ.

જો બીબાઢાળ બોલિવૂડ ફિલ્મોથી કશુંક વેગળું આપવાના અજય દેવગન અને એની ટીમના પ્રયાસને બિરદાવવો રહ્યો. ભલે સાતત્ય નથી જળવાયું, પણ હું ‘રનવે-34’ જોવાની ભલામણ કરું છું. જુઓ અને જણાવજો કે કેવી લાગી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]