મટકા-બિઝનેસના ‘ધર્માત્મા’ આવે છે…

ફિલ્મ હતી ફિરોઝ ખાનની ‘ધર્માત્મા.’ 1972માં આવેલી ફ્રાન્સીસ ફૉર્ડ કપોલાની ‘ધ ગૉડફાધર’થી પ્રેરિત પહેલી હિંદી ફિલ્મ. ફિલ્મમાં ધરમદાસ અથવા ધર્માત્મા (પ્રેમનાથ) મટકા-કિંગ હોય છે, જુગાર અને એવા બધા અનેક કાળા ધંધાના પથારા હતા. રોજ રાતે એ પોતાના હેડ ક્વાર્ટર પરથી આંકડો કાઢતા અને એ આંક પર જે રમ્યા હોય એ ન્યાલ થઈ જતા…આડા ધંધામાંથી આવેલાં અઢળક નાણાં વડે ધરમદાસ દાનધરમ કરતા એટલે ધર્માત્માના નામે ઓળખાતા.

 

પ્રેમનાથ

-અને ધર્માત્માનું એ કૅરેક્ટર આધારિત હતું તત્કાલીન મટકા-કિંગ રતન ખત્રી પર. બે દિવસ પહેલાં સમાચાર આવે છે કે મરાઠી ફિલ્મ ‘સૈરાટ માટે નૅશનલ એવૉર્ડથી સમ્માનિત થયેલા નાગરાજ મંજુળે મટકા-કિંગ રતન ખત્રી પર વેબસિરીઝ બનાવી રહ્યા છે. 1960-1990ના સમયકાળમાં વિસ્તરેલી આ વેબ સિરીઝનું નિર્માણ કરશેઃ સિદ્ધાર્થ રૉય કપૂર.

આ જાણીને મેં નાગરાજભાઉનો કોન્ટેક્ટ કર્યો તો એ કહેઃ “દોસ્ત,  વેબ સિરીઝ માટે હું બહુ એક્સાઈટેડ છું. એમાં વળી માધ્યમ ઓટીટી અને વાર્તા પણ દિલચસ્પ. આશા છે કે અમને આ સિરીઝ બનાવવાની પ્રોસેસમાં જેટલી મજા આવશે એટલી જ મજા દર્શકોને મટકા-કિંગની દુનિયા જોવાની આવશે. બસ, આ તબક્કે આનાથી વધારે વિગત આપી શકતો નથી.”

સિદ્ધાર્થ રૉય કપૂર-નાગરાજ મંજુળે

ભાગલા બાદ કરાચીથી નિરાશ્રિત તરીકે આવેલા કિશોરવયના રતન ખત્રી ગુજરાન ચલાવવા નાનુંમોટું મટકું રમતા. 1960ના દાયકામાં ‘ન્યૂ યૉર્ક કૉટન એક્સચેન્જ’થી રૂની ગાંસડીના ઓપન અને ક્લોઝ ભાવ આવતા, જેની પર જબ્બર સટ્ટો ખેલાતો. પણ સટ્ટાબજાર બંધ થઈ જાય પછી શું? અઠંગ જુગારીઓ યોગ્ય વિકલ્પની શોધમાં હતા. એ સમયે ‘ન્યૂ યૉર્ક કૉટન એક્સચેન્જ’ના સટ્ટા પરથી પ્રેરણા લઈને કલ્યાણજી ભગતે મટકા જુગારની શરૂઆત કરેલી, જે ‘કલ્યાણ મટકા’ તરીકે ફેમસ થયેલો. મુંબઈના વરલી વિસ્તારમાંથી પોતાનું કામ ચલાવતા કલ્યાણજી ભગત માટે કામ કરતા રતન ખત્રીએ ભગત સાથે છેડા ફાડી પોતાની સિન્ડિકેટ સ્થાપી. તરત ‘રતન મટકા’નું નામ પ્રસરવા માંડ્યું. જુગારીઓની સામે એક મટકામાંથી નંબર કાઢવામાં આવતો એટલે લોકોને એમાં વિશ્વાસ બેસી ગયો. થોડા વખતમાં ધંધો જામી ગયો.

રતન ખત્રી રોજ રાતે આઠ વાગ્યે પોતે અથવા જુગારીઓ પાસે આંકડા કઢાવતા. જો એ હેડ ક્વાર્ટર પર હાજર ન હોય તો ફોન પર આંકડા જાહેર કરતા, જે દેશભરમાં જાહેર કરવામાં આવતા. એક વાર એ દુબઈથી મુંબઈ આવી રહ્યા હતા. એમણે પાઈલટને કહ્યું કે “આજનો આંક પ્લેનની કૉકપીટમાંથી જાહેર કરો.” પાઈલટ ડઘાઈ ગયો. ત્યારે વાત સમજાવતાં રતન ખત્રીએ કહ્યું કે “આંક બહાર નહીં પડે મુંબઈમાં અને બીજાં શહેરોમાં તોફાન ફાટી નીકળશે, કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી જશે.” પાઈલટ સમજી ગયો. એણે ઍર ટ્રાફિક કન્ટ્રોલરને મેસેજ મોકલ્યો અને ઍર ટ્રાફિક કન્ટ્રોલરે એ દિવસનો આંક જાહેર કર્યો.

રતન ખત્રી

તે વખતે મિલમજૂરોથી લઈને શ્રમિકોમાં મટકાનું એવું આકર્ષણ હતું અમુક છાપાંમાં દરરોજ લકી નંબર છાપવામાં આવતા, જેની પર લોકો આંકડા લગાડતા. અનેક લોકો સાધુબાવા પાસે આશીર્વાદ સાથે શુભ નંબર માગતા.

રતન ખત્રીએ 1970-1980ના દાયકામાં અમુક હિંદી ફિલ્મમાં ફાઈનાન્સિંગ પણ કરેલું. ખાસ તો 1976માં આવેલી ‘રંગીલા રતન.’ રિશી કપૂર-પરવીન બાબીને ચમકાવતી ‘રંગીલા રતન’ અમુક અંશે રતન ખત્રીની જીવનકથા પર આધારિત હતી. ફિલ્મના એક દશ્યમાં એ પોતે ચમકેલા.

મને બરાબર યાદ છેઃ ઘાટકોપરના ઑડિયન થિએટરમાં અમે સ્કૂલી મિત્રો રંગીલા રતન જોવા ગયેલા. એક સીનમાં શેરીનો ગુંડો રિશી કપૂરને મારતો હોય છે ત્યારે રતન ખત્રીની ત્યાં એન્ટ્રી થાય છે. એ ગુંડાનો કાંઠલો ઝાલે છે. ‘અબે, કાયકો મારતા હૈ?’ એ એમનો ડાયલૉગ. અને થિએટરમાં ગણગણાટ શરૂ થઈ ગયેલોઃ રતન ખત્રી… રતન ખત્રી… તે વખતે કંઈ ખબર પડી નહોતી કે આ શેનો ગણગણાટ હતો.

ઈમરજન્સી વખતે એમણે થોડો સમય જેલમાં પણ જવું પડેલું. 1990ના દાયકા સુધી રતન ખત્રીનું મટકા-બિઝનેસ પર એકચક્રી શાસન રહેલું. 1990ના દાયકાના અંતભાગમાં મુંબઈ પોલીસ મટકા સિન્ડિકેટ પર ત્રાટકવા માંડી ત્યારે સુરેશ ભગત અને પપ્પુ સાવલાએ એમનો બિઝનેસ લઈ લીધો. 2020માં મુંબઈમાં એમના નિવસાસ્થાને બ્રેન હેમરેજથી રતન ખત્રીનું અવસાન થયું.