બ્રુસ લી: તમારી મર્યાદાને જાણો

દંતકથા સમા માર્શલ આર્ટ્સ નિષ્ણાત બ્રુસ લી એક સવારે લોસ એન્જલિસની એક રેસ્ટોરાંમાં એમના મિત્રની સાથે નાસ્તો કરતા હતા.

મિત્રએ કહ્યું કે પોતે બહુ હતાશા અનુભવી રહ્યો છે, કારણ કે 45 વર્ષની ઉંમરે એ ઘરડો થઈ ગયો હોય એવું એને પોતાને લાગે છે. જી-કૂન-ડોની પ્રેક્ટિસમાં એનું શરીર હવે અક્કડ થઈ જાય છે. જી-કૂન-ડો (JKD) માર્શલ આર્ટ બ્રુસ લીનું સર્જન હતી.

બ્રુસ લીએ એમના મિત્રને જે કહ્યું એનાથી એની હતાશા દૂર થઈ અને દુનિયાભરના લોકો માટે એક શિખામણ બની ગઈ.

બ્રુસે આમ કહ્યું: ‘તમારી મર્યાદાનો તમે જ્યાં સુધી સ્વીકાર નહીં કરો ત્યાં સુધી તમે જિંદગીમાં નવું કંઈ શીખી નહીં શકો. તમારે એ હકીકતને સ્વીકારવી પડશે કે તમે અમુક બાબતમાં સક્ષમ છો અને અમુકમાં તમારી ક્ષમતા મર્યાદિત છે.

10 વર્ષ પહેલાં હું કિક આસાનીથી મારા માથાની ઉપર સુધી લઈ જઈ શકતો હતો, પણ હવે મને એમ કરવામાં સમય લાગે છે. દરેક વ્યક્તિ એની શારીરિક મર્યાદાને માત કરી શકે છે. હું મારા વિશે એક ખાનગી વાત કહું. શારીરિક મર્યાદા હોવા છતાં હું માર્શલ આર્ટિસ્ટ બની શક્યો.

મારો જમણો પગ ડાબા કરતાં એક ઈંચ ટૂંકો છે. પણ એ ખામીને કારણે હું મારો સ્ટાન્સ શ્રેષ્ઠ રીતે રાખી શકું છું. હું મારો ડાબો પગ આગળ રાખતો હોઉં છું. એને કારણે મને ચોક્કસ પ્રકારની કિક મારવામાં સારું પડે છે.-

વળી, હું કોન્ટેક્ટ લેન્સ પહેરું છું. નાનપણથી મારી આંખોનું તેજ નબળું હતું. દૂરનું જોવામાં મને તકલીફ પડતી. મારો હરીફ એકદમ નજીક આવે તો જ મને દેખાતો. એટલે હું પહેલાં વિંગ-ચન શીખ્યો જે ક્લોઝ-ઈન ફાઈટિંગ માટે આદર્શ ટેક્નિક છે.

બધું જ સારું કરવાનો પ્રયત્ન કરવાને બદલે તમે જેમાં સક્ષમ હો એ કામ પરફેક્ટ રીતે કરવું જોઈએ. 45 વર્ષની ઉંમરની વ્યક્તિએ 20-30 વર્ષની વ્યક્તિ સાથે પોતાની સરખામણી કરવી નહીં. વર્તમાનમાં જીવવાનું અને જ્ઞાન તથા સતત પ્રેક્ટિસ દ્વારા શરીરને સક્ષમ બનાવવું.

કદ ટૂંકું અને ચાઈનીઝ હોવાથી અંગ્રેજી બોલવામાં તકલીફ પડતી હોવા છતાં મેં ત્રણ વર્ષ સુધી ફિલ્મો વિશે અભ્યાસ કર્યો. હવે સરસ માર્શલ આર્ટ્સ ફિલ્મ બનાવવાનો સમય આવી ગયો છે. મારી ક્ષમતા મારી મર્યાદાને પાર કરી ગઈ છે.’