આજે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ છે. આ દિવસ દર વર્ષે 29 એપ્રિલે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. નૃત્ય એક કળા છે, જેનો બોલિવૂડ સાથે ગાઢ સંબંધ છે. ફિલ્મોમાં દર્શકોને આકર્ષવા માટે અદભૂત ગીતો અને નૃત્યો ઉમેરવામાં આવે છે. ફિલ્મોમાં પણ સ્ટાર્સ પોતાની એક્ટિંગની સાથે ડાન્સિંગ કૌશલ્યથી દર્શકોના દિલ જીતી રહ્યા છે. આવો મળીએ એવા બોલિવૂડ સ્ટાર્સને જેમના ડાન્સના ચાહકો દિવાના છે.
મિથુન ચક્રવર્તી
પોતાના સમયના પ્રખ્યાત અભિનેતા મિથુન ચક્રવર્તીને દેશના ‘ડિસ્કો ડાન્સર’ કહેવામાં આવે છે. તેમણે તેના ડિસ્કો ડાન્સને કારણે ઘણી લોકપ્રિયતા મેળવી છે. તેની પોતાની એક અલગ નૃત્ય શૈલી છે. ફિલ્મોમાં પોતાના ડાન્સનો જાદુ છોડનાર મિથુન ઘણા ડાન્સિંગ રિયાલિટી શોમાં જજની ભૂમિકા પણ ભજવી ચૂક્યા છે.
ગોવિંદા
પોતાની એક્ટિંગ અને કોમિક સ્ટાઈલ માટે પ્રખ્યાત ગોવિંદાએ પણ પોતાના ડાન્સથી દર્શકોને દિવાના બનાવી દીધા હતા. દરેક પ્રકારની એક્ટિંગમાં પોતાની ક્ષમતા સાબિત કરનાર ગોવિંદા એક ઉત્તમ ડાન્સર છે. ખાસ વાત એ છે કે ડાન્સ દરમિયાન તેમના એક્સપ્રેશન જોઈ લોકો તેના દિવાના બનાવી જાય છે. સૌથી ખાસ વાત એ છે કે ગોવિંદાની ડાન્સિંગની એક અનોખી શૈલી છે, જે તે ખૂબ જ આનંદથી કરે છે. વેડિંગ સીઝનમા ગોવિંદાના ગીત પર તેમના સ્ટેપ્સને લોકો ખૂબ ફોલો કરતા હોય છે.
પ્રભુ દેવા
પ્રભુ દેવા દેશના શ્રેષ્ઠ ડાન્સરમાંના એક છે. ડાન્સિંગ સેન્સેશન પ્રભુ દેવા તેમના લવચીક અને આકર્ષક ડાન્સ મૂવ્સ માટે જાણીતા છે. સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવ્યા બાદ પ્રભુદેવાએ બૉલિવૂડમાં ધમાકેદાર પ્રવેશ કર્યો. દુનિયાભરના લોકો તેના ડાન્સની પ્રશંસા કરે છે.
હૃતિક રોશન
બોલિવૂડના ‘ગ્રીક ગોડ’ તરીકે ઓળખાતા રિતિક રોશન પોતાની એક્ટિંગની સાથે સાથે ડાન્સિંગ માટે પણ ફેમસ છે. તેની પહેલી જ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’માં તેણે તેના ચાહકોને પોતાની આ સ્કિલથી ઈમ્પ્રેસ કરી દીધા હતાં. આ ફિલ્મના ગીતો તો હિટ થયા જ, સાથે સાથે લોકો હૃતિકના ડાન્સના પણ દિવાના બની ગયા. હૃતિકના ડાન્સિંગ મૂવ્સના ફેન્સ દુનિયાભરમાં છે. તેમની લગભગ દરેક ફિલ્મમાં એક ડાન્સ ગીત હોય જ છે, જે લોકોને ખૂબ પસંદ પડે છે.
શાહિદ કપૂર
શાહિદ કપૂર તેના અદભૂત ડાન્સ માટે પણ જાણીતા છે. શાહિદ પ્રખ્યાત કોરિયોગ્રાફર શિયામક દાવરના પ્રિય વિદ્યાર્થીઓમાંથી એક છે. શાહીદે કરિયરની શરૂઆતમાં ફિલ્મ ‘તાલ’માં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી. આ પછી તેમણે ખૂબ જ મહેનત કરી આગળ આવ્યા અને આજે બૉલિવૂડના ટૉપ એક્ટરમાંના એક છે એક્ટર છે અને ડાન્સર પણ.
રણવીર સિંહ
આજની પેઢીના કલાકારોમાં રણવીર સિંહનું નામ પણ બેસ્ટ ડાન્સર્સમાં લેવામાં આવે છે. ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકો પર મંત્રમુગ્ધ કરનાર રણવીર સિંહે પણ પોતાની ડાન્સિંગ કૌશલ્ય ખૂબ જ સારી રીતે બતાવી છે. ડાન્સ દરમિયાન તેની એનર્જી અને એક્સપ્રેશન જોવા લાયક હોય છે.
ટાઇગર શ્રોફ
ટાઈગર શ્રોફ તેના એક્શન માટે જાણીતા છે. પરંતુ આ સિવાય તેણે પોતાના ડાન્સથી પણ ફેન્સને દિવાના બનાવી દીધા છે. બોલિવૂડ સેલેબ્સ પણ તેમના વખાણ કરતા થાકતા નથી. આટલું જ નહીં ઘણા લોકો તેની તુલના હૃતિક રોશન સાથે પણ કરે છે, જેનું તે પોતે ખૂબ સન્માન કરે છે.