GallerySports મીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ July 25, 2021 ટોક્યોમાં રમાતી ઓલિમ્પિક ગેમ્સ-2020માં ભારતને સૌપ્રથમ મેડલ અપાવ્યો મણિપુરનિવાસી 26-વર્ષીય વેઈટલિફ્ટર સૈખોમ મીરાબાઈ ચાનૂએ. એણે મહિલોની વેઈટલિફ્ટિંગ હરીફાઈમાં 49 કિ.ગ્રા. વર્ગમાં વજન ઉંચકીને સિલ્વર મેડલ જીત્યો હતો. એણે કુલ 202 કિલો વજન ઉંચકી બતાવ્યું હતું – (સ્નેચમાં 87 કિ.ગ્રા. અને ક્લીન એન્ડ જર્કમાં 115 કિ.ગ્રા.). આ હરીફાઈનો ગોલ્ડ મેડલ ચીનની હો ઝીહૂઈએ (210 કિલો) જીત્યો હતો. ઈન્ડોનેશિયાની વેઈટલિફ્ટર અસિયા વિન્ડી કાન્તિકાએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ઓલિમ્પિક ગેમ્સમાં વેઈટલિફ્ટિંગની રમતમાં ભારતને આ બીજો મેડલ મળ્યો છે. 2000ની સિડની ઓલિમ્પિક્સમાં કર્ણમ મલ્લેશ્વરીએ મહિલાઓની હરીફાઈમાં 69 કિ.ગ્રા. વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. 2016ની રિયો ઓલિમ્પિક્સમાં મીરાબાઈ ક્લીન એન્ડ જર્કમાં ત્રણેય પ્રયાસમાં વજન ઉંચકવામાં નિષ્ફળ ગઈ હતી. પરંતુ આ વખતની ગેમ્સમાં એણે સફળતા હાંસલ કરી બતાવી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ફોન કરીને મીરાબાઈ ચાનૂને ઓલિમ્પિક્સમાં વેઈટલિફ્ટિંગ રમતમાં દેશનો પ્રથમ રજત ચંદ્રક જીતવા બદલ અભિનંદન આપ્યા હતા. મીરાબાઈએ કહ્યું, ‘સાચે જ, દેશ માટે મેડલ જીતવાનું મારું સપનું સાકાર થઈ ગયું છે. હું મારો આ મેડલ મારાં દેશને અર્પણ કરું છું.’ મીરાબાઈએ પોતાની આ સિદ્ધિ બદલ એનાં કોચ વિજય શર્માનો આભાર માન્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને અને ફોન કરીને મીરાબાઈને રજત ચંદ્રક જીતવા બદલ અભિનંદન આપ્યા હતા.