GallerySports બીજી T20I મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાન હરાવ્યું… August 31, 2020 માન્ચેસ્ટરના એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર 30 ઓગસ્ટ, રવિવારે રમાઈ ગયેલી બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને પાંચ-વિકેટથી પરાજય આપ્યો હતો. 3-મેચની સિરીઝની પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ત્રીજી અને આખરી મેચ 1 સપ્ટેંબરે આ જ મેદાન પર રમાશે. રવિવારની મેચમાં પાકિસ્તાને તેના હિસ્સાની 20 ઓવરમાં 4 વિકેટે 195 રન કર્યા હતા. તેના જવાબમાં ઈંગ્લેન્ડે 19.1 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 199 રન કરીને મેચ જીતી લીધી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન ઓઈન મોર્ગને 66 રન કર્યા હતા (33 બોલ, 6 ચોગ્ગા, 4 છગ્ગા) અને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો. ડેવિડ માલન 54 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ટોમ બેન્ટન (20) અને જોની બેરસ્ટો (44)એ પહેલી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી હતી. પાકિસ્તાનના દાવમાં, મોહમ્મદ હફીઝે સૌથી વધુ 69 રન કર્યા હતા (36 બોલમાં, 5 ચોગ્ગા, 4 છગ્ગા). કેપ્ટન બાબર આઝમ (56) અને ફખર ઝમાન (36)ની જોડીએ પહેલી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી. ઈંગ્લેન્ડે આ પહેલાં 3-મેચની ટેસ્ટ સિરીઝમાં પાકિસ્તાનને 1-0થી પરાજય આપ્યો હતો. બે ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી.