આર્જેન્ટિનાને ત્રીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મેસ્સી રહ્યો સફળ

કતરના લુસૈલ શહેરના લુસૈલ સ્ટેડિયમમાં 18 ડિસેમ્બર રવિવારે રમાઈ ગયેલી ફિફા વર્લ્ડ કપ-2022ની ફાઈનલ અત્યંત રોમાંચક બની રહી. બંને ટીમ રેગ્યૂલર ટાઈમમાં 2-2થી સમાન રહ્યા બાદ એકસ્ટ્રા ટાઈમમાં વધુ એક-એક ગોલ કરીને 3-3 સ્કોરથી સમાન રહી હતી. એને પરિણામે મેચને પેનલ્ટી શૂટઆઉટ તબક્કામાં લઈ જવી પડી જ્યાં આર્જેન્ટિનાએ 4-2 સ્કોરથી ગઈ વેળાના ચેમ્પિયન ફ્રાન્સને પરાજય આપ્યો હતો. આર્જેન્ટિના 1978 અને 1986 બાદ આ ત્રીજી વાર વર્લ્ડ કપ વિજેતા બન્યું છે. ટીમના 35 વર્ષીય કેપ્ટન લિયોનેલ મેસ્સીએ બે ગોલ કર્યા હતા. પહેલો ગોલ રેગ્યૂલર ટાઈમમાં 23મી મિનિટે (પેનલ્ટી કોર્નરથી) અને બીજો એક્સ્ટ્રા ટાઈમ વખતે (108મી મિનિટે).

આર્જેન્ટિનાના એન્જેલ ડી મારીયાએ 36મી મિનિટે ગોલ કર્યો હતો. સામે છેડે, ફ્રાન્સના સુપરસ્ટાર ખેલાડી કાઈલીયન એમ્બાપ્પેએ ગોલની હેટ-ટ્રિક કરી હતી – 80 (પેનલ્ટી કોર્નર), 81 (એક્રોબેટિક વોલી) અને 118મી મિનિટે. સ્પર્ધામાં કુલ સાત ગોલ કરનાર મેસ્સીને બેસ્ટ ખેલાડી તરીકેનો ‘ગોલ્ડન બોલ’ એવોર્ડ આપવામાં આવ્યો હતો જ્યારે સૌથી વધારે – આઠ ગોલ કરવા બદલ એમ્બાપ્પેને ‘ગોલ્ડન બૂટ’ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આર્જેન્ટિનાના ગોલકીપર એમિલીયાનો માર્ટિનેઝને ‘ગોલ્ડન ગ્લોવ’ એવોર્ડ આપવામાં આવ્યો હતો જ્યારે આર્જેન્ટિનાના એન્ઝો ફર્નાન્ડિઝને ‘બેસ્ટ યન્ગ પ્લેયર’ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ફ્રાન્સની ટીમ આ ચોથી વાર વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી. 1998માં એણે ફાઈનલમાં પહોંચીને વિજેતા ટ્રોફી હાંસલ કરી હતી. 2006માં એ ફાઈનલમાં હારી ગઈ હતી અને 2018માં તે ફરી ચેમ્પિયન બન્યું હતું. સામે છેડે, આર્જેન્ટિના છઠ્ઠી વાર ફાઈનલમાં પહોંચી હતી.

આર્જેન્ટિના ટીમના કોચ લિયોનેલ સ્કેલોની ટ્રોફી સાથે

મેચ બાદ મેસ્સી તેની પત્ની એન્ટોનેલા અને ત્રણ પુત્રો સાથે. થિયેગો, મેટીઓ અને સીરો સાથે.

ફ્રાન્સનો કાઈલીયન એમ્બાપ્પે. ફાઈનલમાં ગોલની હેટ-ટ્રિક નોંધાવી. સમગ્ર સ્પર્ધામાં સૌથી વધારે – આઠ ગોલ કરીને ‘ગોલ્ડન બૂટ’ એવોર્ડ જીત્યો