વોક્હાર્ટ હોસ્પિટલે મુંબઈમાં ‘બેસ્ટ’ના ડ્રાઈવરો, કંડક્ટરોને આપી CPR તાલીમ

મુંબઈ સેન્ટ્રલ સ્થિત વોક્હાર્ટ હોસ્પિટલ દ્વારા મુંબઈની ‘હાર્ટલાઈન’ કહેવાતી ‘બેસ્ટ’ બસ સેવા કંપનીના ડ્રાઈવરો અને કંડક્ટરોને 28 સપ્ટેમ્બર, બુધવારે કાર્ડિયોપલ્મોનરી રીસસીટેશન (CPR)ની તાલીમ આપવામાં આવી હતી. CPR એવી તાકીદની પ્રક્રિયા કે સારવાર છે, જે કોઈ વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવે ત્યારે એના ઝડપી રક્ત પરિભ્રમણને તથા શ્વાસોચ્છવાસને પ્રસ્થાપિત કરવા માટે આગળનાં પગલાં લેવામાં આવે એ પૂર્વે કૃત્રિમ શ્વાસોચ્છવાસ વડે એનાં મગજની કામગીરીને જાળવી રાખવા માટેની છે. વ્યક્તિના લોહીના સહજ પરિભ્રમણને તથા શ્વાસોચ્છવાસને કૃત્રિમ રીતે બહાલ કરવાનો આ એક પ્રયાસ હોય છે.

વોક્હાર્ટ હોસ્પિટલે 28 સપ્ટેમ્બરે જાગતિક હૃદય દિવસ નિમિત્તે આ ઝુંબેશ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, મુંબઈની હૃદયવાહિની કહેવાતી બેસ્ટ બસોમાં દરરોજ 19 લાખ જેટલા લોકો પ્રવાસ કરે છે. તેથી ધારો કે ચાલુ બસે કોઈ પ્રવાસીને હૃદયરોગનો હુમલો આવે તો એને તબીબી સારવાર પ્રાપ્ત કરાય એ પહેલાં કંડક્ટર કે ડ્રાઈવર તાત્કાલિક રીતે CPR પ્રક્રિયા દ્વારા એને જીવંત રાખવાનો પ્રયાસ કરી શકે. એ માટે તેમને આ તાલીમ આપવામાં આવી હતી.

વોક્હાર્ટ હોસ્પિટલના કન્સલ્ટન્ટ હૃદયવિકાર નિષ્ણાત ડો. રવી ગુપ્તાએ કહ્યું કે પશ્ચિમી સંસ્કૃતિની નકલને કારણે આપણા દેશમાં અનેક તરુણો હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવે છે. બેસ્ટ કંપનીના સીઈઓ ડો. અનિલકુમાર સિંગલે કહ્યું કે અમારા કર્મચારીઓમાં હૃદયને લગતી બીમારીનું પ્રમાણ ઘટાડવા માટે અમે 2016ની સાલથી સ્વસ્થ ભારત અભિયાન શરૂ કર્યું છે. એનાં ઘણા સારા પરિણામ આવ્યા છે. એન્જિયોપ્લાસ્ટિ, બાયપાસ સર્જરીની આવશ્યક્તા ધરાવતા કર્મચારીઓની સંખ્યામાં ઘણો ઘટાડો નોંધાયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]