વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને ૧૦ જાન્યુઆરી, ૨૦૨૪એ ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થશે ત્યારે સૌને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે.
વડા પ્રધાન સહિતના મહેમાનોના સ્વાગત માટે ગુજરાતની રાજધાની ગાંધીનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે, જેમાં ગાંધીનગરના હાર્દસમા વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિસ્ટાને રાત્રે વાઈબ્રન્ટ-તિરંગા સહિતની વિવિધ થીમ આધારિત રોશની-લેઝર લાઈટથી શણગારવામાં આવ્યું છે, જેના પરિણામે સેન્ટ્રલ વિસ્ટા નગરજનો માટે સેલ્ફી પોઇન્ટ બન્યો છે.
વાઈબ્રન્ટ સમિટના ભાગરૂપે ગુજરાત વિધાનસભાને ગોલ્ડનરોશનીથી શણગારવામાં આવ્યું છે. જ્યારે સેન્ટ્રલ વિસ્ટામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, વિવિધ ફૂલ છોડ-વૃક્ષો પર અલગ અલગ કલરની સિરીઝ, કલરફૂલ સ્કલ્પચર, વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ને પ્રદર્શિત કરતા વિવિધ આકર્ષિત લોગો તેમ જ દાંડી કુટિરને લાઇટિંગ-લેઝર દ્વારા અદભુત રીતે સજાવવામાં આવ્યું છે. આ ‘સેન્ટ્રલ વિસ્ટા’નો રાત્રિનો અદભુત નજરો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
આ ઉપરાંત સ્વર્ણિમ સંકુલ-૧ અને ૨, ઉદ્યોગ ભવન, કલેકટર કચેરી, બેંક ઓફ બરોડા ભવન, સાયન્સ કોલેજ સહિતની સરકારી ઇમારતોને તિરંગા આધારિત વિવિધ રોશનીથી શણગારવામાં આવી છે.
રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાત 2024ની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. જે વિસ્તારમાંથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા આવનાર ડેલિગેશન પસાર થવાનું છે. એ તમામ વિસ્તારને સુંદર રીતે સજાવવામાં આવી રહ્યા છે.
વાઇબ્રન્ટ સમિટ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ-શો યોજાવવાનો છે. આ રોડ-શોમાં વડા પ્રધાન સાથે યુએઇના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન પણ જોડાશે. અમદાવાદ શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી રોડ-શો ગાંધી આશ્રમ તરફ જશે.
ગુજરાતમાં યોજાનારી ગ્લોબલ સમિટ અને વડા પ્રધાનના રોડ શો પહેલાં સમગ્ર રોડ પર જુદા-જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમ જ એક્ટિવિટી માટે સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. રોડના ડિવાઇડર, રેલિંગનું રંગરોગાન થઈ રહ્યું છે. આખાય માર્ગ પરના તૂટેલા ભાગોનું સમારકામ થઈ રહ્યું છે.
આ સાથે નવાં વૃક્ષો રોપાઈ રહ્યાં છે. ડિઝાઇનર થાંભલા ઊભા કરી એમાં લટકતાં છાબડાં અને રંગબેરંગી છોડ તૈયાર કરાઈ રહ્યાં છે. એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ તરફ જતા માર્ગ પર ખજૂરીના વિશાળ વૃક્ષને રોપવામાં આવી રહ્યાં છે.
અમદાવાદના એરપોર્ટ પરથી ગાંધી આશ્રમ તરફ જતા માર્ગને સ્વચ્છ અને સમારકામ કરવા માટે રાજ્ય સરકારના જુદા-જદા વિભાગ તેમ જ મ્યુનિસિપલ કોર્પોરેશન કામે લાગી ગયું છે. શહેરના માર્ગો પરનાં દબાણો હટાવી વીવીઆઇપી મુવમેન્ટને ધ્યાનમાં રાખી બેરિકેડ બનાવવામાં આવી રહ્યા છે.
વાઇબ્રન્ટ સમિટ પહેલાં રોશનીથી અમદાવાદ શહેર અને ગાંધીનગરના માર્ગોને સજાવવામાં આવી રહ્યા છે. આ સાથે ગ્રોથ એન્જિન ગુજરાત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, વાઇબ્રન્ટ ગુજરાત, ડેવલપમેન્ટને લગતાં વિશાળ હોર્ડિંગ્સ તમામ માર્ગો પર મૂકવામાં આવ્યાં છે.