GalleryEvents મુંબઈ: રાજભવનમાં નવા દરબાર હોલનું ઉદઘાટન February 11, 2022 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 11 ફેબ્રુઆરી, શુક્રવારે મુંબઈમાં રાજભવન ખાતે નવા દરબાર હોલનું ઉદઘાટન કર્યું હતું. એ પ્રસંગે શ્રીમતી સવિતા કોવિંદ, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. રાજભવન ખાતે કોવિંદ સાથે ભૂતપૂર્વ ક્રિકેટર ભારત રત્ન સચીન તેંડુલકરે પણ મુલાકાત કરી હતી. મહારાષ્ટ્રના પ્રધાનોનો શપથવિધિ સમારોહ, રાજ્યના સાંસ્કૃતિક તથા અન્ય શાસકીય કાર્યક્રમો આ દરબાર હોલમાં યોજાતા હોય છે. નવા દરબાર હોલમાં બેઠકોની ક્ષમતા વધારવામાં આવી છે. જૂના હોલમાં 225 સીટની વ્યવસ્થા હતી, તે હવે વધારીને 750 કરવામાં આવી છે. નવા હોલમાં બાલ્કની અને અરબી સમુદ્ર દર્શન ગેલરીનો ઉમેરો કરવામાં આવ્યો છે. 1911માં ઈંગ્લેન્ડના રાજા જ્યોર્જ પાંચમા અને રાણી મેરીની ભારત મુલાકાત વખતે આ દરબાર હોલ બાંધવામાં આવ્યો હતો. હોલની વાસ્તુરચના હેરિટેજ ઘોષિત કરવામાં આવી છે. 100થી પણ વધારે વર્ષો થવાથી હોલની દીવાલો અને છત જીર્ણ અવસ્થામાં આવી ગઈ હતી. 2016 બાદ તેનો ઉપયોગ અટકાવી દેવાયો હતો અને તેને નવો ઓપ આપવાનો નિર્ણય લેવાયો હતો. (તસવીર સૌજન્યઃ @rashtrapatibhvn, @CMOMaharashtra)