GalleryEvents 1971ના યુદ્ધની ‘કિલર સ્ક્વોડ્રન’ ‘પ્રેસિડેન્ટ્સ સ્ટાન્ડર્ડ’થી સમ્માનિત December 8, 2021 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 8 ડિસેમ્બર, બુધવારે મુંબઈમાં નેવલ ડોક્યાર્ડ ખાતે આયોજિત પરંપરાગત પરેડ સમારોહમાં ભારતીય નૌકાદળની મુંબઈસ્થિત 22મી મિસાઈલ વેસલ સ્ક્વોડ્રન (કિલર સ્ક્વોડ્રન નામથી પ્રખ્યાત)ને ‘પ્રેસિડેન્ટ્સ સ્ટાન્ડર્ડ’ (રાષ્ટ્રપતિ માનાંકન)થી ગૌરવાન્વિત કરી હતી. રાષ્ટ્રપતિ દેશના સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર ગણાય છે. આ પ્રસંગે ટપાલ વિભાગે તૈયાર કરેલી એક સ્મૃતિ ટપાલટિકિટનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિકુમાર, પશ્ચિમી નૌકા કમાન્ડના ફ્લેગ ઓફિસર-કમાન્ડિંગ-ઈન-ચીફ વાઈસ એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંહ તથા અનેક મુલ્કી અને લશ્કરી મહાનુભાવ ઉપસ્થિત રહ્યાં હતાં. 22મી મિસાઈલ વેસલ સ્ક્વોડ્રનમાં મિસાઈલ-સુસજ્જ પ્રબલ, પ્રલય, નાશક, નિશંક, વિપુલ, વિભૂતિ, વિનાશ, વિદ્યુત જેવા યુદ્ધજહાજો, સબમરીન સામેલ છે. 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતે મેળવેલા ઝળહળતા વિજયમાં ભારતીય નૌકાદળ તરફથી કિલર સ્ક્વોડ્રને અરબી સમુદ્રમાં અસરકારક ભૂમિકા ભજવી હતી અને પાકિસ્તાની નૌકાદળ સ્થાનો તથા કરાચી બંદર પર જોરદાર બોમ્બમારો કરીને દુશ્મનોની સબમરીનને ડૂબાડી દીધી હતી. 2021નું વર્ષ ભારતના તે વિજય અને કિલર સ્ક્વોડ્રનની સફળતાનું 50મું વર્ષ છે. તેની ઉજવણી રૂપે તેને ‘પ્રેસિડેન્ટ્સ સ્ટાન્ડર્ડ’ ખિતાબથી સમ્માનિત કરવામાં આવી હતી. (તસવીરોઃ દીપક ધુરી)