મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…

અતિ ભારે વરસાદે મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હાહાકાર મચાવ્યો છે. મુંબઈની પડોશના થાણે જિલ્લામાં બે જળાશય – તાનસા અને મોડકસાગર છલકાતાં એમના ત્રણ દરવાજા ખોલી દેવાતા આસપાસના વિસ્તારોમાં પૂર આવ્યું હતું. નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના જવાનોએ રબરની હોડીઓ દ્વારા થાણે જિલ્લાના ભિવંડી, કલ્યાણ, બદલાપુરમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને ઉગારવાની કામગીરી હાથ ધરી છે. બદલાપુરમાં છેલ્લાં પાંચ દિવસમાં 1000 મિ.મી. વરસાદ ખાબક્યો છે. રત્નાગિરી જિલ્લામાં ત્રણ તાલુકા – ચિપલૂણ, ખેડ અને રાજાપુરમાં અનેક નાની-મોટી નદીઓમાં પૂર આવ્યું છે. ભારતીય નૌકાદળે રત્નાગિરી તથા કોંકણ વિસ્તારમાં પૂરમાં ફસાયેલા લોકોને ઉગારવા માટે કામગીરી હાથ ધરી છે.