ગડકરીએ મુંબઈમાં લોન્ચ કરી દેશની પ્રથમ ઈલેક્ટ્રિક ડબલ-ડેકર AC બસ
ભારતની પહેલી ઈલેક્ટ્રિક એરકન્ડિશન્ડ ડબલ-ડેકર બસનું કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ 18 ઓગસ્ટ, ગુરુવારે મુંંબઈમાં યશવંતરાવ ચવાણ સેન્ટર ખાતે અનાવરણ કર્યું હતું. એ પ્રસંગે હિન્દુજા ગ્રુપની કંપનીઓના ચેરમેન અશોક હિન્દુજા, અશોક લેલેન્ડ કંપનીના ડાયરેક્ટર શોમ હિન્દુજા અને સ્વિચ મોબિલિટી કંપનીના સીઈઓ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈમાં આ બસ જાહેર જનતા માટે આવતા સપ્ટેમ્બરમાં સેવામાં ઉતારવામાં આવશે. મુંબઈમાં સ્વિચને 200 ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસોનો ઓર્ડર મળ્યો હોવાનું કહેવાય છે. આ બસ મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત બેસ્ટ કંપનીના કાફલામાં સામેલ કરવામાં આવશે.
સ્વિચ મોબિલિટી હિન્દુ ગ્રુપની અશોક લેલેન્ડ કંપનીનું ઈલેક્ટ્રિક વેહિકલ ડિવિઝન છે. આ કંપની બ્રિટનમાં ટ્વિન-ફ્લોર ઈલેક્ટ્રિક એસી બસનું સંચાલન કરે છે.
ઈલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ એક વાર ચાર્જ કરાયા બાદ 250 કિ.મી.નું અંતર પસાર કરે છે.
આ બસમાં 65 પ્રવાસીઓને બેસવાની ક્ષમતા છે. બસોનું બુકિંગ એપ્લિકેશન મારફત કરવામાં આવશે.
ગડકરી હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે દેશમાં પરંપરાગત ઈંધણને બદલે વધુ ને વધુ ઈલેક્ટ્રિક વાહનોના વપરાશના હિમાયતી રહ્યા છે.