GalleryEvents રશિયાના વિદેશ પ્રધાન લાવરોવ ભારતની મુલાકાતે… April 1, 2022 ભારતની બે-દિવસની મુલાકાત માટે 31 માર્ચ, ગુરુવારે નવી દિલ્હી આવી પહોંચેલા રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ 1 એપ્રિલ, શુક્રવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એમના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે જઈને મળ્યા હતા. શુક્રવારે સવારે વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે હૈદરાબાદ હાઉસ ખાતે લાવરોવનું સ્વાગત કર્યું હતું. બંને નેતાએ રશિયા-યૂક્રેન યુદ્ધથી ઊભી થયેલી કટોકટી, ભારતને રશિયા તરફથી ક્રૂડ તેલની ઓફર, રૂપિયા-રૂબલ પેમેન્ટ, શસ્ત્રોના સોદાઓ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. લાવરોવે કહ્યું હતું કે રશિયા માટે જોખમ બની જાય એટલી હદે તાકાત પ્રાપ્ત કરતું રોકવા માટે એમના દેશે યૂક્રેન પર આક્રમણ કર્યું છે. હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને રશિયાની ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ બેઠક યોજવામાં આવી હતી. જયશંકરે કહ્યું હતું કે રશિયા-યૂક્રેન ઘર્ષણ, મતભેદનો અંત વાટાઘાટ અને રાજદ્વારી રીતે આવે એવી ભારત તરફેણ કરે છે. લાવરોવે કહ્યું કે, કહ્યું કે રશિયા માટે ભારત ખૂબ મહત્ત્વનો દેશ અને વફાદાર ભાગીદાર છે. ઘણા મુશ્કેલ સંજોગો આવ્યા તે છતાં બંને દેશની મિત્રતા મજબૂત રહી છે. અમેરિકાએ લાદેલા દબાણ છતાં ભારત-રશિયાની મિત્રતાને કોઈ અસર નહીં થાય. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થામાં યૂક્રેન સંબંધિત સાત ઠરાવોમાં અત્યાર સુધી તટસ્થ વલણ અપનાવ્યું છે.