ડો. મનસુખ માંડવિયાએ 33 એમ્બ્યુલન્સને લોકસેવામાં સામેલ કરી

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતાના પ્રધાન ડો. મનસુખ માંડવિયા અને રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન ડો. ભારતી પવારે 4 એપ્રિલ, સોમવારે નવી દિલ્હીમાં નિર્માણ ભવન ખાતેથી 33 એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવીને લોકસેવામાં સામેલ કરાવી હતી. આમાંની 13 એમ્બ્યુલન્સ એડવાન્સ્ડ લાઈફ સપોર્ટ (ALS) સિસ્ટમથી સજ્જ છે જ્યારે 20 એમ્બ્યુલન્સ બેઝિક લાઈફ સપોર્ટ (BLS) સિસ્ટમથી સજ્જ છે.

આ એમ્બ્યુલન્સનું ભારતને ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ અને રેડ ક્રેસેન્ટ સોસાયટીઝ (IFRC) સંસ્થા તરફથી કોવિડ-19 પ્રતિસાદ યોજના અંતર્ગત વિતરણ કરવામાં આવ્યું છે. આ 33 એમ્બ્યુલન્સ IFRC તરફથી ભારતીય રેડક્રોસ સોસાયટી (IRCS)ને આપવામાં આવી છે, જેથી ભારતમાં આરોગ્ય સંભાળ અને આપત્તિના સમયમાં સંસ્થાની પ્રતિસાદ ક્ષમતા વધી શકે.