બ્રિટનમાં આફતરૂપ હિમવર્ષા; ક્રિકેટ સ્ટેડિયમો પર છવાઈ બરફની ચાદર

બ્રિટનમાં 12-13 ડિસેમ્બરના રોજ અતિ ભારે સ્નોફોલ થયો છે. એને કારણે દેશના ઘણાખરા વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. પાટનગર લંડનમાં હવાઈમથકો ખાતે વિમાનસેવા ખોરવાઈ ગઈ છે, અનેક ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરવી પડી છે, રેલવેના પાટાઓ બરફમાં ઢંકાઈ જતાં ટ્રેન નેટવર્કને માઠી અસર પહોંચી છે, બરફના ઢગલા થતાં અનેક માર્ગોને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. લોર્ડ્સ અને ઓવલ ક્રિકેટ સ્ટેડિયમો પર બરફ છવાઈ ગયો છે. અનેક ઠેકાણે 15-20 સે.મી. જેટલો બરફ પડ્યો હોવાનું કહેવાય છે. મોટરકારોની છત અને કાચની બારીઓ બરફથી ઢંકાઈ ગઈ છે. શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. ઉત્તરીય સ્કોટલેન્ડમાં તાપમાન માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. આખા બ્રિટનમાં કાતિલ ઠંડી ફરી વળી છે. (તસવીર સૌજન્યઃ ટ્વિટર, @HomeOfCricket, @Ldn_Ambulance)