સરહદે ઘર્ષણ છતાં ભારત-ચીન વચ્ચે વધતો વેપાર

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે અરુણાચલ પ્રદેશના તવાંગમાં સૈનિકોની વચ્ચે સંઘર્ષ થયો છે. આ ઘર્ષણમાં બંને દેશોના કેટલાક સૈનિકો ઘાયલ થયા છે. બંને દેશોએ નિવેદન જારી કર્યાં છે કે હવે સરહદે સ્થિતિ શાંતિપૂર્ણ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં બંને દેશોની વચ્ચે અડધો ડઝનથી વધુ વખત તણાવની સ્થિતિ બની છે. જોકે સરહદે ઘર્ષણ છતાં બંને દેશોની વચ્ચે વેપારમાં વધારો થઈ રહ્યો છે. એક વર્ષમાં બંને દેશોની વચ્ચે દ્વિપક્ષી વેપારમાં 43 ટકાનો વધારો થયો છે. ભારતના મેક ઇન ઇન્ડિયા જેવી ઝુંબેશ છતાં ચીન સાથે આયાત-નિકાસ થઈ રહી છે.

ભારતમાં 3560 કંપનીઓ એવી છે, જેના બોર્ડમાં ચીની ડિરેક્ટર છે. દેશમાં 174 ચીની કંપનીઓ પણ કામ કરી રહી છે. કોર્પોરેટ મામલાના રાજ્ય પ્રધાન ઇન્દ્રજિત સિંહે સંસદમાં જણાવ્યું હતું કે ભારત અને ચીનના વેપારી સંબંધો હજી પણ મજબૂત છે. ભારત હજી પણ ચીન પર બહુબધી ચીજવસ્તુઓ માટે નિર્ભર છે.

20 વર્ષોમાં 24 ગણો વેપાર વધ્યો

વર્ષ 2021-22માં ચીનથી 65.21 અબજ ડોલરના માલસામાનની આયાત થઈ હતી, જ્યારે વર્ષ 2020-21માં એ આયાત 95.57 અબજ ડોલરે પહોંચી હતી. હાલના સમયમાં ભારત પેટ્રોલિયમ, કાર્બનિક રસાયણ, મસાલા, વનસ્પતિ તેલ, રિફાઇન્ડ કોપર અને લોખંડ જેવી તમામ ચીજવસ્તુઓની આયાત કરે છે. જ્યારે ચીન ભારતથી દવાઓ, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ, ખાતર અને કેટલાંક ઉત્પાદનોના કાચા માલની આયાત કરે છે.