ગુજરાતના 25માં ગવર્નરની શપથવિધિ સંસ્કૃતમાં…

ગુજરાતના 25માં રાજ્યપાલ પદે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યાં હતાં. આચાર્ય દેવવ્રતને ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસે રાજભવન ખાતે શપથ લેવડાવ્યા હતાં.

મુખ્ય સચિવ ડૉ.જે.એન. સિંહે રાષ્ટ્રપતિ દ્વારા જારી કરવામાં આવેલું રાજ્યપાલ નિમણૂંક પત્રનું વાંચન તેમજ શપથ વિધિનું સંચાલન કર્યું હતું.

આ શપથ સમારોહમાં વિદાય લઇ રહેલા રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન. નીતિન પટેલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને રાજ્ય પ્રધાનમંડળના પ્રધાનો, ધારાસભ્યો રાજ્યપાલના પરિવારજનો, વરિષ્ઠ સચિવો, આમંત્રિતો તેમજ ગણમાન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા .

આ પહેલા આચાર્ય દેવવ્રત ગઈકાલે સાંજે જ ગુજરાત આવી ગયા હતા. જ્યાં મુખ્યપ્રધાન સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ તેમનું ઓ.પી. કોહલી તથા લેડી ગવર્નર શ્રીમતી અવિનાશ કોહલીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું.

આચાર્ય દેવવ્રતનો જન્મ 18 જાન્યુઆરી 1959ના રોજ લહેરીસિંહના ઘરે હરિયાણામાં થયો હતો. તેમણે હિન્દી અને ઈતિહાસમાં માસ્ટર અને બી.એડની ડિગ્રીઓ મેળવેલી છે.

તેઓએ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર નેચરોપેથી(દિલ્હી)માંથી નેચરોપેથી અને યોગિક સાયન્સમાં ડિપ્લોમા કર્યું છે. તેઓ અધ્યાપન અને વહીવટી તંત્રનો 34 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.

ચારભાઈઓમાં સૌથી નાના આચાર્ય દેવવ્રતનું બાળપણનું નામ સુભાષ હતું. તેઓ સામાજિક જીવનની શરૂઆતમાં જ દયાનંદ સરસ્વતીના સિદ્ધાંતોથી પ્રભાવિત થયા અને આર્ય સમાજ સાથે જોડાયાં હતાં.