ગુજરાતમાં પહેલીવાર રૂ.2600 કરોડ પાક વીમામાં ચૂકવાયાં છે: વિજય રૂપાણી

0
820

ગાંધીનગર-  પ્રધાનમંત્રી ફસલ પાક વીમા યોજના ખેડૂતોને સુરક્ષિત કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવી છે ત્યારે આ દેશના ઇતિહાસમાં ગુજરાતમાં ૨૬૦૦ કરોડ રૂપિયા જેટલી રકમ ખેડૂતોને તેમના પાક વીમા પેટે તેમના ખાતામાં જમા કરી છે.

પાક વીમાની રકમનો વીમા કંપનીના બદલે ખેડૂતોને સીધો જ લાભ મળે તે માટે કોપર્સ  ફંડ ઉભુ કરવા રાજ્ય સરકારે દરખાસ્ત કરી છે જેનાથી સમયસર ખેડૂતોને પાક વીમા પેટે તેમના નુકસાનની રકમ આપી શકાય. મગફળી માટે રૂપિયા ૧૮૦૦ કરોડ જેટલી રકમ પાક વીમા પેટે ચૂકવાઈ હતી તેમ કૃષિ પ્રધાને જણાવ્યું હતું.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, પાક વીમાની ગણતરી ક્રોપ કટિંગને આધારે નિયત કરવામાં આવી છે અને તે ક્રોપ કટિંગને આધારે પાક વીમાની ગણતરી કરી રકમ ચૂકવવામાં આવે છે. સરકારે ૧૪ ઇંચ વરસાદ થયો હોય તેવા વિસ્તારને વાસ્તવિક સ્થિતિ અને જે તે વિસ્તારના ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઇ તેને પણ અછતગ્રસ્ત જાહેર કરી રાજ્ય સરકારે ઇનપુટ સબસીડીના લાભ અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને આપ્યો છે.  આવા ૧૫ થી ૧૭ લાખ ખેડૂતોને પાક વીમા સિવાય ઈનપુટ સબસીડી ચૂકવી લાભ આપવામાં આવ્યો છે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, વિમાની રકમ નુકસાનીના આધારે ચૂકવવામાં આવે છે, પરંતુ ખેડૂતોના હિતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રીમિયમની રકમો શરતોને આધીન ચૂકવવામાં આવે છે અને ક્રોપ કટિંગની નિયત પદ્ધતિને આધારે જે-તે ખેડુતોના દાવાઓની રકમ ચૂકવવામાં આવે છે.

કૃષિ પ્રધાન આર.સી. ફળદુએ જણાવ્યું કે, પાક વીમાના પ્રીમિયમ પેટે ટેન્ડરથી મળેલ કંપનીના પ્રીમિયમ દરમાંથી ખેડૂતો તરફથી ભરવામાં આવેલ પ્રીમિયમ દર બાદ કરી બાકી રહેલ પ્રીમિયમ દરમાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો ૫૦-૫૦ ટકા હિસ્સો રહેલો છે.

૩૧-૦૫-૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૨૦૧૭માં ખરીફ પાક માટે રાજ્ય સરકાર દ્વારા વીમા કંપનીને રૂ.૧૩,૯૨,૭૦,૦૫,૮૯૬ રવિ ઉનાળુ પાક માટે રૂ.૩૮,૩૬,૯૮,૭૬૩,  ૨૦૧૮માં ખરીફ પાક પેટે રૂ.૧૩,૩૫,૩૦,૦૨,૪૯૩ તથા રવિ ઉનાળો પાક માટે રૂ.૩૩,૬૫,૭૬,૦૭૨ અને આટલી જ રકમ કેન્દ્ર સરકાર તરફથી પ્રીમિયમ સહાય પેટે ચૂકવવામાં આવી છે.

કૃષિપ્રધાને ચુકવાયેલા દાવાઓની વિગતો આપતા જણાવ્યું કે ૨૦૧૭માં ખરીફ પાક માટે  એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની, ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની, ઈફ્કો ટોકયો જનરલ ઇન્શ્યોરન્સ કંપની તથા એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ કંપની એમ મળી કુલ રૂ.૧૦,૫૪,૭૫,૮૭,૪૬૩  ચૂકવવામાં આવ્યા છે એ જ રીતે ૨૦૧૭માં રવિ ઉનાળુ પાક માટે ઈફ્કો ટોકયો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ રૂ.૧૪,૫૬,૭૨,૩૬૫ ચૂકવવામાં આવ્યા છે. તેવી જ રીતે ૨૦૧૮ના ખરીફ પાક માટે એગ્રીકલ્ચર ઈન્સ્યુરન્સ કંપની, રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપની, યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્શ્યોરન્સ કંપની તથા ભારતી એક્ષા જનરલ ઇન્શ્યોરન્સ કંપનીએ કુલ મળી રૂ.૨૦,૫૦,૧૯,૨૦,૮૦૯ ચૂકવવામાં આવ્યા છે.