અમદાવાદ:147મી રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ ભવ્ય રથ પર સવાર થઇ નીકળ્યા છે. વહેલી સવારથી જ શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તોની ભીડ ઉમટી પડી છે અને ઠેર-ઠેર જય જગન્નાથનો નાદ સંભળાઈ રહ્યો છે. ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં ભક્તોની ભીડ ઉમટી છે. આ સાથે જ સરસપુરમાં રસોડા ધમધમવા લાગ્યા અને મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ લેવા ઉમટ્યા.
ભગવાન જગન્નાથની રથયાત્રા ધીમે-ધીમે આગળ વધે છે. રસ્તા પર ભારે ભીડ જોવા મળી રહી છે. રથયાત્રાની સાથે જોડાયેલા ગજરાજને જોવા માટે તેમના આર્શીવાદ લેવા માટે પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.
આજે રવિવારની રજા હોવાથી અમદાવાદની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. પ્રસાદી લેવા માટે પડાપડી થઈ.
ભગવાન જગન્નાથ નંદિઘોષ, બલભદ્રજી તલધ્વજ જ્યારે બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળ્યા. બે ભાઈની વચ્ચે બહેન સુભદ્રાનો રથ. ભગવાન જગન્નાથ રાજવી વેશમાં નગરચર્ચાએ નીકળ્યા. રસ્તા પર ઢોલ નગારા, તેમજ ડી.જેના તાલ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા. રથયાત્રામાં સામેલ ટ્રકના ટેબ્લોનું લોકોમાં આગવું આકર્ષક હોય છે. મગ, જાંબુ, કાકડી, સહિતની પ્રસાદીઓનું વિતરણ ટ્રકમાં રહેલા લોકો કરતા હોય છે. અલગ અલગ વેશભૂષા, વિવિધ શણગાર સાથે જયરણછોડના અપાર નાદ સાથેની ટ્રકોની હારમાળા રથયાત્રામાં જોવા મળે છે. રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. સેંકડો લોકો ભગવાનના દર્શન અને તેમની ભક્તિમાં લીન થાય છે. તો કેટલીય મહિલાઓ માથે માટીની ગરબીઓ મૂકીને જગન્નાથ મંદિરના પ્રાંગણમાં ગરબે ઘૂમતા જોવા મળે છે. તો પ્રભુ ભક્તિમાં લીન કેટલીંય ભજન મંડળીઓ પણ રથયાત્રામાં જોવા મળે છે. ભગવાનના જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે શહેરમાં અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તો ભક્તીમાં ડૂબીને જગન્નાથમય બની ગયા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)