રાહુલ ગાંધીએ મહાવિષ્ણુ મંદિરમાં પૂજા કરી…

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ 17 એપ્રિલ, બુધવારે કેરળના વાયનાડ શહેરના થિરુનેલ્લી મંદિર (મહાવિષ્ણુ મંદિર)માં પૂજા કરી હતી. આ મંદિર રાહુલ માટે લાગણીથી જોડાયેલું છે, કારણ કે આ જ મંદિરની બાજુમાંથી પસાર થતી પાપનાશિની નદીમાં એમના પિતા સ્વ. રાજીવ ગાંધીનાં અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. 1991માં એક આત્મઘાતી બોમ્બ હુમલામાં રાજીવનું મૃત્યુ થયું હતું. રાહુલે થિરુનેલ્લી મંદિરના પથરાળ રસ્તાઓ પર ખુલ્લા પગે ચાલીને પૂજા-અર્ચના કરી હતી અને પાપનાશિની નદીની પવિત્ર ધારામાં 'બલી તર્પણ' કર્યું હતું. આ એક પરંપરા હોય છે જે દ્વારા એમણે એમના પિતાના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાહુલ વાયનાડમાંથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. થિરુનેલ્લીને 'દક્ષિણના કાશી' તરીકે ગણવામાં આવે છે. આ મંદિર બ્રહ્મગિરિ પર્વત પર આવેલું છે અને તે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. પાપનાશિની નદીને ગંગાની જેમ પવિત્ર માનવામાં આવે છે.