BAPS કાર્યકરોના અભિવાદન સમારોહની તસવીરી ઝલક..

સન ૧૯૦૭માં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના થયા બાદ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં આ સત્સંગ-કાર્યકરો દ્વારા સેવાની પ્રવૃત્તિઓ અહોરાત્ર ગતિમાન હતી જ. પરંતુ પ્રમુખસ્વામી મહારાજે દીર્ઘદૃષ્ટિથી ૧૯૭૨માં આયોજન કરીને કાર્યકરોનું એક વિધિવત્ માળખું સ્થાપિત કર્યું હતું.એ વાતને આજે ૫૦ વર્ષનો સમય વીતી ગયો છે. પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના પુરુષાર્થથી બી.એ.પી.એસ. સંસ્થાના લાખો સ્વયંસેવકો અને એક લાખથી વધુ રજિસ્ટર્ડ કાર્યકરોનું એક વૈશ્વિક વૃંદ તૈયાર થયું છે.આ કાર્યકરોની નિઃસ્વાર્થ સેવાઓને બિરદાવવા માટે મહંત સ્વામી મહારાજની નિશ્રામાં જાન્યુઆરી ૨૦૨૪માં સુરત ખાતે ‘બી.એ.પી.એસ. કાર્યકર સુવર્ણ મહોત્સવ’ પર્વનો આરંભ કરવામાં આવ્યો હતો.

આ મહોત્સવના ઉપક્રમે સંસ્થાના અનેકવિધ કેન્દ્રોમાં મે તથા જૂન મહિના દરમિયાન સંયુક્ત-યુવા-બાળ- મહિલા-યુવતી-બાલિકા પ્રવૃત્તિના કાર્યકરોને નવાજતા અનેક કાર્યકર અભિવાદન સમારોહ દબદબાભેર યોજાયા હતા. જયારે આગામી 7 ડિસેમ્બર શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ની ભવ્ય ઉજવણી થશે.