મનોરંજન…

૬૩મા ‘જિયો ફિલ્મફેર એવોર્ડ્સ’: ઈરફાન, વિદ્યા બેસ્ટ…

વર્ષની શરૂઆતમાં જ મુંબઈમાં યોજાયો હતો ૬૩મો ફિલ્મફેર એવોર્ડ સમારંભ. એમાં ઈરફાન ખાનને ‘હિંદી મિડિયમ’ ફિલ્મમાં કરેલી ભૂમિકા બદલ બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો જ્યારે વિદ્યા બાલનને ‘તુમ્હારી સુલુ’ ફિલ્મમાં કરેલા રોલ માટે બેસ્ટ એક્ટ્રેસ ઘોષિત કરવામાં આવી હતી. ‘હિંદી મિડિયમ’ને બેસ્ટ ફિલ્મ તરીકે પંસદ કરવામાં આવી હતી તો બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ જીત્યો હતો અશ્વિની ઐયર તિવારીએ – ‘બરેલી કી બર્ફી’ ફિલ્મ માટે.


પ્રિયા વારિયરે આંખ મિંચકારી ને રાતોરાત બની ગઈ સ્ટાર…

સગીર વયની મલયાલી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર ફેબ્રુઆરીમાં, એનાં ખુદનાં અને સહુનાં આશ્ચર્ય વચ્ચે ભારતમાં રાતોરાત સોશિયલ મિડિયા પર પ્રસિદ્ધ થઈ ગઈ હતી. એનું કારણ એ છે એક મલયાલમ ફિલ્મનાં 26 સેકંડનાં લવ સોંગની ક્લિપ. આ વિડિયોની વચમાં એ લગભગ 10 સેકંડ માટે દેખાઈ છે જેમાં સ્કૂલ વિદ્યાર્થિનીનાં રોલમાં પ્રિયા એક સાથી વિદ્યાર્થી સાથે ફ્લર્ટ કરી રહી છે. બંને જણ એકબીજાં સામે આંખોની શરારત કરે છે, ભમ્મરને નચાવે છે અને પછી પ્રિયા પેલા છોકરા સામે આંખ મારે છે, સ્માઈલ કરે છે. આ એક જ ક્લિપને કારણે પ્રિયા કરોડો લોકોની ચાહક બની ગઈ હતી.

httpss://www.instagram.com/p/Be-0hR9jBqT/

 


‘પદ્માવત’ની રિલીઝ…

સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત હિન્દી ફિલ્મ ‘પદ્માવત’ ઘણા વિવાદ અને કાનૂની જંગ બાદ રિલીઝ થઈ હતી. સેન્સર બોર્ડના આદેશ બાદ ફિલ્મનું ટાઈટલ ‘પદ્માવતી’માંથી બદલીને ‘પદ્માવત’ કરાયું હતું. રણવીર સિંહ, દીપિકા પદુકોણ, શાહિદ કપૂરનાં ચાહકોને આ ફિલ્મ બહુ ગમી હતી. જોકે ફિલ્મની ટીકા પણ ઘણી થઈ હતી.


શ્રીદેવીનું અવસાન…

હિન્દી તેમજ દક્ષિણ ભારતની ફિલ્મોનાં મહાન, લોકપ્રિય અભિનેત્રીનું ફેબ્રુઆરીની 24મી તારીખે દુબઈની હોટેલમાં એમનાં રૂમમાં અકસ્માતપણે બાથટબમાં પડી જવાથી ડૂબી જવાને કારણે મૃત્યુ થયું હતું. એમનાં અવસાને માત્ર એમનાં પરિવારમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય સિનેમાને ઘેરો આઘાત પહોંચાડ્યો હતો. શ્રીદેવી 54 વર્ષનાં હતાં.


ઓસ્કર એવોર્ડ્સ-2018…

90મા વાર્ષિક એકેડેમી (અથવા ઓસ્કર) એવોર્ડ્સ કાર્યક્રમનું માર્ચમાં લોસ એન્જેલીસના હોલીવૂડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ધ શેપ ઓફ વોટર ફિલ્મે બેસ્ટ ફિલ્મ સહિત ચાર એવોર્ડ જીત્યા હતા. બેસ્ટ એક્ટરનો એવોર્ડ ગેરી ઓલ્ડમેન (ડાર્કેસ્ટ અવર)એ જીત્યો હતો. બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ ફ્રાન્સિસ મેકડોરમન્ડ (થ્રી બિલબોર્ડ્સ આઉટસાઈડ ઈબિંગ, મિસુરી)એ જીત્યો હતો.


કરીના કપૂરનું કમબેક…

સહ-કલાકાર અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા બાદ અને પુત્ર (તૈમુર અલી)ને જન્મ આપ્યાં બાદ લગભગ એક વર્ષ સુધી રૂપેરી પડદા પર દૂર રહેલી અભિનેત્રી કરીના કપૂર-ખાને ‘વીરે દી વેડિંગ’ ફિલ્મ સાથે મોટા સ્ક્રીન પર પુનરાગમન કર્યું હતું. ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી, પણ કરીનાનાં અભિનય અને પ્રોફેશનલ અભિગમની પ્રશંસા થઈ.


ઈરફાન, સોનાલી બન્યાં કેન્સરનાં શિકાર…

પહેલાં અભિનેતા ઈરફાન અને પછી અભિનેત્રી સોનાલી બેન્દ્રેને કેન્સર થયું હોવાનાં સમાચારે એમનાં પ્રશંસકોને આંચકો આપ્યો. ‘મદારી’ એક્ટર ઈરફાને જાહેરાત કરી કે પોતાને ન્યુરોએન્ડોક્રાઈન (આંતરડાનું) કેન્સર છે, તો ‘હમ સાથ સાથ હૈં’માં ચમકેલાં સોનાલી બેન્દ્રે-બહલને મેટાસ્ટેટિક કેન્સરનું નિદાન થયું. બંનેએ વિદેશમાં સારવાર કરાવી છે. સોનાલી ન્યુયોર્કથી સાજાં થઈને મુંબઈ પાછાં ફર્યાં છે. ઈરફાન હજી લંડનમાં છે.


રીટા ભાદુરીનું અવસાન…

હિન્દી અને ગુજરાતી ફિલ્મો તેમજ ટીવી સિરિયલોનાં મશહૂર અદાકાર રીટા ભાદૂરીનું જુલાઈમાં મુંબઈમાં અવસાન થયું. તેઓ કિડનીની બીમારીથી પીડાતાં હતાં. એ 62 વર્ષનાં હતાં. પાંચ દાયકાની કારકિર્દીમાં રીટા ભાદૂરીએ ‘રાજા’, ‘જુલી’, ‘બેટા’, ‘કભી હાં કભી ના’, ‘ક્યા કેહના’, ‘દિલ વિલ પ્યાર વ્યાર’, ‘મૈં માધુરી બનના ચાહતી હૂં’, ‘નાગીન ઔર સુહાગન’ જેવી હિન્દી ફિલ્મો, ‘ઘેર ઘેર માટીના ચુલા’, ‘કાશીનો દીકરો’, ‘અખંડ ચુડલો’, ‘પ્રીત ઘેલા માનવી’, ‘સંસાર ચક્ર’, ‘પીઠી પીળી ને રંગ રાતો’ જેવી ગુજરાતી ફિલ્મો અને ‘હસરતેં’, ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’, ‘ખીચડી’, ‘એક નયી પેહચાન’, ‘અમાનત’, ‘એક મહલ હો સપનોં કા’, ‘નીમકી મુખિયા’ સહિત 30થી વધુ હિન્દી ટીવી સિરિયલોમાં પણ ચમક્યાં હતાં.


બોલીવૂડમાં બે બ્યુટીનો ઉમેરો થયો…

હિન્દી ફિલ્મરસિયાઓને વર્ષ 2018માં બે નવી યુવા અને સુંદર અભિનેત્રી મળી. એક, જ્હાન્વી કપૂર અને બીજી સારા અલી ખાન. સ્વ. શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની મોટી પુત્રી જ્હાન્વીએ ધડક ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી તો સૈફ અલી ખાન અને અમ્રિતા સિંઘની પુત્રી સારાએ કેદારનાથ ફિલ્મ સાથે એની અભિનયક્ષમતાનાં શ્રીગણેશ કર્યાં છે.


તનુશ્રીની હિંમત અને ભારતમાં શરૂ થઈ ‘મી ટૂ’ ઝુંબેશ…

અભિનેત્રી તનુશ્રી દત્તા 10 વર્ષે ફરી મુંબઈમાં આવી. ના, ફિલ્મમાં કામ કરવા નહીં, પણ 10 વર્ષ પહેલાં એની સાથે થયેલાં અન્યાયનો બદલો લેવા. 2008માં ‘હોર્ન ઓકે પ્લીઝ’ ફિલ્મનાં શૂટિંગ વખતે સહ-કલાકાર નાના પાટેકર દ્વારા પોતાનાં થયેલા જાતીય શોષણનો એણે મિડિયા મારફત ઘટસ્ફોટ કર્યો. એને પગલે ભારતભરમાં ઉહાપોહ મચી ગયો, પોલીસે ફરિયાદ નોંધી અને #MeToo ઝુુંબેશ હેઠળ ભારતમાં બીજાં અનેક કેસો પણ બહાર આવ્યાં.


હોલીવૂડઃ બર્ટ રેનોલ્ડ, સ્ટેન લીનું અવસાન…

વર્ષ 2018માં હોલીવૂડે બે ખ્યાતનામ હસ્તીને કાયમને માટે ગુમાવી દીધી. એક, ‘સ્મોકી એન્ડ ધ બેન્ડિટ’ અને ‘બુગી નાઈટ્સ’ જેવી ફિલ્મોના અભિનેતા બર્ટ રેનોલ્ડ્સ અને બીજા, સ્પાઈડરમેન સહિત અનેક પાત્રોની કોમિક બુક્સના દંતકથાસમા સર્જક સ્ટેન લી. રેનોલ્ડ્સ 82 વર્ષની વયે સપ્ટેંબરમાં અવસાન પામ્યા હતા જ્યારે સ્ટેન લી 95 વર્ષની વયે નવેંબરમાં અવસાન પામ્યા હતા.


અમિતાભ બચ્ચન સંચાલિત ‘કેબીસી’નું સમાપન…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને જેના દ્વારા ટીવીના પડદા પર પદાર્પણ કર્યું હતું તે ગેમશો પર આધારિત કૌન બનેગા કરોડપતિ શોનો 10 સીઝન બાદ અંત આવી ગયો છે. અમિતાભ બચ્ચને 10મી આવૃત્તિનું સંચાલન કર્યા બાદ આ ક્વિઝ-બેઝ્ડ શોને ગુડબાય કરી દીધી. અમિતાભ 18 વર્ષ સુધી આ શો સાથે 9 આવૃત્તિમાં સંકળાયેલા રહ્યા જે દરમિયાન એમણે 855 કલાક સુધી કામ કર્યું હતું.


‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ફ્લોપ ગઈ, આમિરને આંચકો…

ફિલ્મ સફળ થાય કે નિષ્ફળ એ તો રમતના એક હિસ્સા જેવું છે, પણ આમિર ખાન અભિનીત ફિલ્મ ફ્લોપ ન જાય એવી માન્યતા ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મે ખોટી પાડી. અમિતાભ બચ્ચન જેવા મહાનાયક હોવા છતાં આ બહુગાજેલી અને બહુચર્ચિત ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ પહેલા જ અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર જમીનદોસ્ત થઈ ગઈ. આમિરની કારકિર્દીમાં આ પહેલી જ ફ્લોપ ફિલ્મ છે. ટીકા થતાં એણે ચાહકોની માફી માગી.


બાજીરાવને મસ્તાની સે શાદી કી હૈ…

દીપિકા-રણવીર પતિ-પત્ની બન્યાં… બોલીવૂડનાં કલાકારો પરણી જાય એવું તો દરેક વર્ષે બને, પણ 2018માં તો બે અવ્વલ દરજ્જાનાં કલાકારો એકબીજાંને પરણી ગયાં. રણવીર સિંહ અને દીપિકા પદુકોણે નવેંબરમાં ઈટાલીમાં જઈ લેક કોમો સ્થળે જઈને ભવ્ય બંગલામાં કોંકણી અને સિંધી રિવાજો અનુસાર લગ્ન કર્યાં. ત્યાંથી પાછાં ફર્યાં બાદ રણવીર-દીપિકાએ બેંગલુરુ અને મુંબઈમાં એમનાં સગાંસંબંધીઓ અને મિત્રો માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું.


પ્રિયંકા બની શ્રીમતી નિક જોનાસ…

અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ પરણી ગઈ. પોતાનાથી ઉંમરમાં 11 વર્ષ નાનાં, અમેરિકન ગાયક નિકોલસ (નિક) જોનાસ સાથેના રોમાન્સને એણે સગાઈમાં બાંધ્યો અને ડિસેંબરમાં બંનેએ જોધપુરમાં ભવ્ય રીતે, દેશી અને વિદેશી સ્ટાઈલમાં, ખ્રિસ્તી અને હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યાં.


httpss://youtu.be/p3U55AYSlU4

httpss://youtu.be/3qVTCZV1mOM