ધન ક્યારેય સલામતી આપી શકતું નથી

મૂઢ જહીહિ ધનાગમતૃષ્ણા

કુરુ સદબુદ્ધિં મનસિ વિતૃષ્ણામ્ ।।1।।

યલ્લભસે નિજકર્મોપાત્તં

વિત્તં તેન વિનોદય ચિત્તમ્ ।।2।।

અર્થાત્ “હે મૂઢ વ્યક્તિ, સંપત્તિ એકઠી કરવાની તારી તૃષ્ણા છોડીને સત્યની ખોજ (આત્મખોજ) કરવા માટે તારા મગજનો ઉપયોગ કર. પોતાનાં કર્મોનાં ફળથી જે મળે છે તેનાથી સંતુષ્ટ રહે.”

અત્યાર સુધી આપણે ભગવદ્ ગીતા, યજુર્વેદ તથા સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીમાંથી મંત્રો, શ્લોક અને સંહિતામાં લખાયેલા ધન-સંપત્તિ વિશેનાં બોધવચનોનો અભ્યાસ કર્યો છે. હવે આપણે જગદ્ ગુરુ આદિ શંકરાચાર્ય રચિત ‘ભજ ગોવિંદમ્’ તરફ વળીએ.

આદિ શંકરાચાર્ય કાશી (આજનું વારાણસી)માં હતા એ વખતે તેમણે આ શાસ્ત્રની રચના કરી હતી. એક દિવસ તેમણે જોયું કે એક વૃદ્ધ માણસ જાણીતા વ્યાકરણી પાણિની પાસે વ્યાકરણ શીખવા જહેમત કરી રહ્યો હતો. શીખવા માટે તેણે ઘણી મહેનત લેવી પડે છે એ જોઈને આદિ શંકરાચાર્યને તેના પર દયા આવી. તેમણે એ વખતે કહ્યું કે વૃદ્ધાવસ્થામાં માણસે ધન, ભૌતિક સુખ, કામ, અન્ય ઇન્દ્રીયસુખ એ બધી એષણાઓનો ત્યાગ કરી દેવો જોઈએ. મનુષ્યની અંદર રહેલા સુષુપ્ત અહમને શાંત કરવા માટે આ બધી ઈચ્છાઓ જાગે છે અને તેને લીધે છેવટે મનુષ્ય દુખી થાય છે.

તેમનું કહેવું છે કે માણસ જ્યારે પોતાના ઘમંડ, એષણાઓ, કામવાસનાનો ત્યાગ કરીને આત્મકલ્યાણ પર ધ્યાન કેન્દ્રીત કરી ત્યારે જ તેને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.

‘ભજ ગોવિંદમ્’ના એક મંત્રમાં ધન એકઠું કરવા બાબતે બોધ અપાયો છે. આદિ શંકરાચાર્યના મતે પુષ્કળ ધનનો સંચય કરવાથી માનસિક શાંતિ મળતી નથી. તેમની આ વાત પરથી મને મારી પ્રેક્ટિસ દરમિયાનનો એક કિસ્સો યાદ આવે છે. થોડાં વર્ષો પહેલાં એક વયસ્ક દંપતી મારી પાસે આવ્યું હતું. તેમની એકની એક 19 વર્ષીય દીકરી પેરિસમાં શિક્ષણ લઈ રહી હતી. તેમની સાથેની વાતચીતમાં જાણવા મળ્યં કે તેમની પુત્રી 13 વર્ષની હતી ત્યારે તેમણે તેને ભણવા ઈંગ્લૅન્ડ મોકલી હતી.

તેમની પાસે પુષ્કળ ધન હોવાથી સંતાનને વિશ્વવિખ્યાત શૈક્ષણિક સંસ્થામાં ઉચ્ચાભ્યાસ માટે મોકલવાનું તેમને પરવડતું હતું. પેરિસમાં અભ્યાસ પૂરો થયા પછી દીકરીને ન્યૂ યોર્ક મોકલવાની તેમની ઈચ્છા હતી.

આ દંપતીની કુલ સંપત્તિ આશરે 75 કરોડ રૂપિયા હતી. તેમને એ જ ચિંતા સતાવતી હતી કે એકની એક દીકરીને આટલી બંધી સંપત્તિ સાચવવાની કેળવણી મળી ન હતી.

આથી તેમણે મને કહ્યું કે એવું એક ટ્રસ્ટ બનાવવામાં હું એમની મદદ કરું, જેમાં તેમની બધી સંપત્તિ ટ્રાન્સફર કરવામાં આવે અને દીકરીને નિયમિત સમયાંતરે તથા જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી નાણાં મળતાં રહે. એ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ કોઈ વિશ્વાસુ માણસની તેમને જરૂર હતી.

તેમની મિલકતમાં રિયલ એસ્ટેટ, ડાઇરેક્ટ ઈક્વિટી પોર્ટફોલિયો, સરકારી સિક્યોરિટીઝ, વગેરે સામેલ હતાં. તેમની સંપત્તિની એક ખાસિયત એ હતી કે તેમાં જીવન વીમાની સંખ્યાબંધ એન્ડોવમેન્ટ પોલિસીઓ સામેલ હતી. દરેકની પાકતી તારીખ અલગ અલગ હતી.

મેં જોયું કે તેમની દીકરી 25 વર્ષની થયા બાદ દર છ મહિને એન્ડોવમેન્ટ પોલિસી પાકવાની હતી અને તેની 40 વર્ષની ઉંમર સુધી તેમાંથી પૈસા મળવાના હતા. આમ, તેને નિયમિતપણે આવક મળવાની હતી. વડીલોને એ વાતની પણ ખબર હતી કે મોંઘવારીની અસરને લીધે પાકતી રકમ પૂરતી નહીં હોય. આથી તેમણે પછીની દરેક પોલિસી અગાઉની પોલિસી કરતાં 5 ટકા વધારે રિસ્ક કવર ધરાવતી લીધી હતી. આ બધું હોવા છતાં તેમને ચિંતા સતાવતી હતી કે દીકરી સંપત્તિને કેવી રીતે સંભાળશે.

આ તો ફક્ત એક કિસ્સો થયો. આવા તો સંખ્યાબંધ કિસ્સા મેં જોયા છે, જેમાં અલગ અલગ ઉંમર, સંપત્તિનું પ્રમાણ અને શિક્ષણ ધરાવતી વ્યક્તિઓ ચિંતિત હોય.

સંપત્તિ ખતમ થઈ જશે તો સંતાનો પર નિર્ભર રહેવું પડશે કે કેમ, ઘર વેચવાની નોબત આવશે કે કેમ, જીવનધોરણ ટકાવી શકાશે કે નહીં, એવી બધી ચિંતાઓ હોય છે.

જે માણસ 2-3 કરોડના ફ્લેટમાં રહેતો હોય, 2-3 કાર ધરાવતો હોય, નિયમિતપણે વિદેશમાં ફરવા જતો હોય, જીવનનાં બીજા મોજશોખ કરતો હોય અને છતાં પૈસા બાબતે ચિંતિત હોય ત્યારે તેને જોઈને મને દુઃખ થાય છે. તેમના આ વર્તન પરથી સ્પષ્ટ થાય છે કે પૈસા ક્યારેય સલામતી આપી શકતા નથી.

બીજા મંત્રમાં આદિ શંકરાચાર્ય કહે છે કે એક તબક્કા બાદ પૈસાની પાછળ દોડવાને બદલે સત્ય એટલે કે આત્માની શોધ કરવી જોઈએ. એ કામ ચિંતન દ્વારા થઈ શકે છે.

બૅન્ક અકાઉન્ટમાં, શેરમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં, સોનામાં કે રિયલ એસ્ટેટમાં નાણાં રોકવામાત્રથી મનની શાંતિ મળતી નથી. મન તો એકથી બીજી અને બીજીથી ત્રીજી એષણા પૂરી કરવા માટે ઠેકડા માર્યા કરતું હોય છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)