આહાર માટેની 10 મહત્ત્વની ટિપ્સ જાણી લો

આહાર માટે 10 મહત્ત્વની ટિપ્સ તમારે જાણવી જરૂરી છે. વધુમાં, તમારી આહારશૈલીને બદલી નાખે એવા અમુક આસાન સલાહ-સૂચનો અહીં પ્રસ્તુત છે.

ફૂડ સાધના

‘તમારો આહાર જ તમારો ઉપાય બનશે અને તમારા ઉપાયોમાંથી જ તમારો આહાર બનશે.’ : હિપ્પોક્રેટ્સ

સંપૂર્ણ સ્વાસ્થ્ય અને તેની સંકલનાત્મક કાળજીના ક્ષેત્રમાં 20 વર્ષ સુધી સેવા બજાવ્યા બાદ હું એ શીખી છું કે એકલા આહાર કે કસરતથી જ સર્વોત્તમ આરોગ્ય પ્રાપ્ત કરી શકાતું નથી. આજની કોલમમાં હું ફૂડ સાધના વિશેનો ઉત્તમ અભિગમ રજૂ કરી રહી છું. આપણે શું ખાઈએ છીએ અને આપણું શરીર એનું કેવી રીતે પાચન કરે છે માત્ર એટલું જ મહત્ત્વનું નથી હોતું, પરંતુ આપણે ખોરાક કેવી રીતે બનાવીએ છીએ અને ખાઈએ છીએ એ પણ એટલું જ મહત્ત્વ માગી લેનારી બાબત છે.

વધુમાં, આહાર સંબંધિત મારી શ્રેષ્ઠ દસ સલાહ ઉપરાંત હું પાચનશક્તિને મજબૂત બનાવે એવા ત્રણ શ્રેષ્ઠ યોગાસન પણ અહીં શેર કરું છું. વાંચશો…!


૧. ઓછું એ વધારે સારું: મિતાહારનો અર્થ જ થાય છે, ઓછું જમવું. મારી સરળ તરકીબ છે નાની પ્લેટનો ઉપયોગ કરવાની. એનાથી તમારા ખોરાકનું કદ ઘટી જશે અને તમે વધુપડતું ખાતા અટકી જશો. એક કહેવત છેઃ अति सर्वत्र वर्जयेत्. અર્થાત્, કોઈ પણ ચીજનો અતિરેક ટાળવો જોઈએ. આ વાત આપણે જે આહાર લઈએ છીએ તેને તથા બીજું જે કંઈ પણ આરોગીએ છીએ તેને પણ આ લાગુ પડે છે.


૨. સંપૂર્ણ આહાર અપનાવોઃ આખા ધાન્ય, વટાણા, કાજુ-બદામ, બીજ, સ્થાનિક રીતે ઉગાવેલા મોસમી ફળો અને શાકભાજી પણ ભરપૂર પોષણ પૂરુંપાડે છે. વનસ્પતિજન્ય આહાર પચવામાં સહેલા પડે છે. આમાં લીલા પાંદડાવાળા શાકભાજી, રીંગણા, ગાજર, બીટનો સમાવેશ કરીને તમારી થાળીને ઈન્દ્રધનુષી રંગ આપો. આજકાલ બજારમાં પાલકની ભાજી, સરગવાની શિંગ, મેથીની ભાજી, ચીકૂ અને દાડમ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે.


૩. રાંધણકળા અને આહારનું સંયોજનઃ તાજો સાત્ત્વિક આહાર ખાવો જોઈએ અને દરેક ભોજનમાં છ સ્વાદ કે રસ હોવા જોઈએ, જેમ કે, મધુર (ગળ્યો), ખાટો, તીખો, કડવો, ખારો અને તૂરો. વ્યક્તિની પ્રકૃતિ પાચન વિશે આયુર્વેદને લગતા નિયમો પર આધારિત હોય છે, તેથી એને ધ્યાનમાં રાખીને ભોજન રાંધવું જોઈએ. આ પ્રકારની આહાર પદ્ધતિ આદર્શ છે, પરંતુ આપણી વ્યસ્ત આધુનિક જીવનશૈલી સાથે કદાચ આ કાયમ સુસંગત ન પણ થાય. વ્યવહારિક રીતે, હું સંતુલિત આહારશૈલી અપનાવવાની તમને સલાહ આપીશ જેમાં પૂરક આહાર હોય. દાખલા તરીકે, સાઈટ્રસયુક્ત ખોરાકને ડેરી ઉત્પાદનો સાથે મિક્સ ન કરાય.

આપણા શરીરમાં જઠરાગ્નિને પ્રદીપ્ત કરતા અજમો, હળદર અને આદુ જેવા મસાલા, તેમજ પાચનક્રિયામાં મદદરૂપ થાય છે ધાણા તથા ફૂદીનો જેવી વનસ્પતિઓનું મિશ્રણ સારું કહેવયા. ભોજનને કાસ્ટ આયર્નના વાસણો અને પેન્સમાં બનાવવા જોઈએ અને સિરેમિક અને માટીના વાસણોનો પણ ઉપયોગ કરવો જોઈએ. માઈક્રોવેવિંગ પદ્ધતિ કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાથી અને એલ્યુમિનિયમનાં વાસણોમાં ભોજન રાંધવાથી ખાદ્યપદાર્થોમાં રહેલા પોષકતત્ત્વો બળી જાય છે અને આપણને એ તત્ત્વો પૂરા પ્રમાણમાં મળતા નથી.


૪. જથ્થા કરતાં ગુણવત્તાને મહત્ત્ત્વો આપોઃ તમારા પરિવારના આરોગ્યની કાળજી લેવાની શરૂઆતનો ઉત્તમ રસ્તો છે તાજી વસ્તુઓની ખરીદી કરવી. પેકેટ્સ પરના ન્યુટ્રિશન લેબલ્સ બરાબર વાંચવા અને પ્રીઝર્વેટિવ્સ તથા કૃત્રિમ રીતે ઉમેરવામાં આવતા તત્ત્વોના વપરાશને ટાળવો. બની શકે તો ઓર્ગેનિક ફૂડ જ ખરીદવું. સો વાતની એક વાત, શરીરને હાનિકારક હોય છે એવા ઝેરી ખાદ્યપદાર્થોને ખાવાનું ટાળવું અથવા એનો વપરાશ ઘટાડી દેવો. તેલમાં તળેલા હોય, વાસી થઈ ગયેલા હોય, વધારે પડતા નમક કે સાકરવાળા હોય, કેનમાં સંઘરેલા હોય, પ્રોસેસ કરેલા હોય કે થીજાવેલા હોય એવા ખાદ્યપદાર્થોનો વપરાશ પણ ઘટાડવો. સ્વાસ્થ્યપ્રદ તત્ત્વો પસંદ કરવા અને ઘરમાં જ રાંધવું. માતા અને દાદી-નાનીએ શીખવેલી વાનગીઓ બનાવતા શીખી જવું અને તમારી સંસ્કૃતિ તથા પરંપરાને વળગી રહેવું.


૫. હાઈડ્રેટેડ રહોઃ આરોગ્યને જાળવી રાખવા માટે પ્રવાહી પીતાં રહેવું જોઈએ. પીવાનું સ્વચ્છ પાણી સર્વોત્તમ છે. તાંબાના વાસણમાં ભરી રાખેલા પાણીમાં સૂક્ષ્મ પોષકતત્ત્વો વધે છે. જો તમને સાદું પાણી ભાવતું ન હોય તો તમે એમાં કાકડી કે સફરજનની એક કાતરી મૂકવી અથવા ફૂદીનાનાં અમુક પાન નાખવા જેથી પાણીમાં કુદરતી સ્વાદ આવે. સૌથી સરસ શક્તિવર્ધક રીત છે પાણીને ઉકાળવું, એમાં એક ચમચી ભરીને જીરું નાખવું અને પાણી ઠંડું થઈ જાય પછી એ પીવું. સોડા, આલ્કોહોલ, તેમજ કોફી, ચા જેવા કેફીનયુક્ત પીણા પીવા કરતાં છાશ, લીંબુ શરબત, કેરીનું પાણી, ફળના રસ, નાળિયેરનું પાણી વધારે સારા વિકલ્પો છે.


૬. સ્માર્ટ નાસ્તો કરોઆપણામાં મોટા ભાગનાં લોકો ભોજન વિશે જ વધારે જાગ્રત હોઈએ છીએ, પરંતુ દિવસ દરમિયાનના નાસ્તા વિશે બેદરકાર રહીએ છીએ. અંતે રાતના ટીવી પર કાર્યક્રમો જોતી વખતે ગમે તે આચરકૂચર ખાઈ નાખીએ છીએ. ઘરમાં હો ત્યારે અથવા ઓફિસમાં હો ત્યારે બેગમાં, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ વૈકલ્પિક ખાદ્યપદાર્થો રાખવા અને વાગોળતા રહેવા. ગાજરના ટૂકડા, ડ્રાયફ્રૂટ્સ, બાફેલી શીંગ, તાજાં ફળો અને ચિક્કી નાસ્તા માટે એકદમ સરસ વિકલ્પો બની રહેશે.


૭. સારા ઓડકાર પાછળનું વિજ્ઞાનઃ પ્રોબાયોટિક્સ અને આથેલી ખાદ્યચીજોઃ આપણા જઠરને બીજું મગજ કહેવાયું છે, કારણ કે આપણને સાજા-સારા રાખવા માટે તે પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. આજકાલ આરોગ્ય ક્ષેત્રમાં નવો ચર્ચાતો શબ્દ છે ‘હ્યુમન માઈક્રો બાયો-મી’. આનો સંબંધ આપણા જઠરની રચના અને એમાં રહેતા બેક્ટેરિયા સાથે છે. સારા બેક્ટેરિયાની વિવિધતા અને જથ્થો આપણી પાચનશક્તિની ક્ષમતા નક્કી કરે છે. પ્રોબાયોટિક્સ આથેલા ખાદ્યપદાર્થો સારા બેક્ટેરિયા જઠરમાં પાંગરી શકે એ માટેનું ઉત્તમ વાતાવરણ પેદા કરવામાં મદદરૂપ થાય છે. શ્રેષ્ઠ પ્રોબાયોટિક્સ છે – ઘરમાં જમાવેલું દહીં અને તેની છાશ, ઘરમાં બનાવેલા અથાણાં, ઈડલી અને ઢોસાનું ખીરું. દરરોજ જુદા જુદા પ્રકારના પ્રોબાયોટિકનો વપરાશ કરવાથી તંદુરસ્ત સારા બેક્ટેરિયાની સંખ્યા વધે છે. શરીરમાં સારા pH સંતુલનને જાળવવા માટે આપણે આલ્કલાઈન ફૂડ્સ પણ લેવા જોઈએ.


૮. વ્યક્તિગત પસંદ-નાપસંદઃ દરેક ઘરમાં જુદી જુદી વયનાં લોકો હોય અને એમની આહારને લગતી જરૂરિયાતો, ગણો તથા અણગમો પણ હોય. હું ડાયટિંગ વિશે વધારે ઝંઝટમાં પડવા માગતી નથી. જો તમારે બાળકો હોય તો એમને તમારા પરિવારની મનપસંદ વાનગીઓ રાંધવામાં સામેલ કરો. બાળકો સ્કૂલમાં જાય ત્યારે એમના લંચબોક્સમાં આરોગ્યપ્રદ અને એમને ભાવે એવી ચીજવસ્તુઓ લઈ જાય એવો પ્લાન ઘડવામાં અને લંચબોક્સ તૈયાર કરવામાં એમને મદદ કરો. નાના બાળકો અને પરિવારનાં ઘરડાં સભ્યોને ચાવવામાં તકલીફ થતી હોય તો એમને માટે સૂપ કે પ્યૂરી બનાવી આપવા જોઈએ. સગીર વયનાં, ગર્ભવતી સ્ત્રીઓ અને એથ્લીટ્સને વધારે વિશિષ્ટ આહારની જરૂર પડે. એટલે તમે જ જુઓને કે બધું બધા લોકોને સરખી રીતે માફક ન આવે. અમુક સુપરફૂડ્સ માટે પશ્ચિમી દેશોની આદત આપણને માફક ન આવે.


૯. આભાર વ્યક્ત કરવાની આદતઃ તમને જે ભોજન પ્રાપ્ત થાય એના માટે આભારની લાગણી વ્યક્ત કરવી જોઈએ. તમને જે મળી શક્યું છે એને ઉગાડવામાં, સંગ્રહ કરવામાં, રાંધવામાં અને પીરસવા માટે જે લોકોનું યોગદાન રહ્યું હોય એ તમામનો મનથી આભાર માનવો જોઈએ. ખાસ કરીને તો તમારું ભોજન આરોગવામાં આનંદ લો – મૌનથી કે પ્રિયજનોના સંગાથમાં.


૧૦. બોનસ! વહેંચણીમાં જ છે સ્નેહાળપણુંઃ વધારે સારું કેમ કરવું એવું વિચારવું જોઈએ. થોડુંક ધરતીમાતા માટે પણ કરવું જોઈએ. ખોરાકનો બગાડ કરવો ન જોઈએ. તમે જ્યારે કોઈ મોટી પાર્ટી રાખો ત્યારે મહેમાનોને આમંત્રિત કરવા સાથે એમને કહેવું કે તેઓ એમની સાથે બોક્સ પણ લેતા આવે જેથી ભોજન એમની સાથે પોતાને ઘેર પણ લઈ જઈ શકે. વધેલું જમવાનું એવા લોકોને દાનમાં આપી દો કે વહેંચી દો જેમને આવું પ્રાપ્ત થતું નથી.

પરિવર્તનની આ આજીવન સફર પર આગળ વધવા માટે આપણને શુભેચ્છા.

યાદ રાખજો, જો તમે ખોરાકમાં ભક્તિ ઉમેરો તો એ પ્રસાદ બની જાય છે, પાણીમાં પ્રેમ ઉમેરો તો એ અમૃત બની જાય છે. આ રીતે બનાવો ‘ફૂડ સાધના’.


યોગવિદ્યા સુધારે આરોગ્ય

યોગાસન કરવાથી એકંદર આરોગ્ય સુધરે છે અને તમારી પાચનશક્તિ વધે છે. તમે જે ખાવ એ આસાનીથી પચી જાય છે. અહીં મારા ત્રણ ઉત્તમ યોગાસન રજૂ કરું છું જે તમે કરી શકો છો. મારા વિદ્યાર્થીઓને આ બહુ જ ઉપચારાત્મક જણાયા છે, તેથી તમને પણ એ જણાશે.

વજ્રાસનઃભરપેટ જમ્યા પછી જે એકમાત્ર આસન કરવાની સલાહ અપાય છે તે છે આ વજ્રાસન. આનાથી પાચનશક્તિ વધે છે અને જેમને પેટમાં ગેસ કે એસિડિટીની તકલીફ રહેતી હોય એમને આનાથી ઘણો જ ફાયદો થાય છે. વજ્રાસન કરવું બહુ આસાન છે. ઘૂંટણભેર બેસો, તમારા બંને પગને ઘૂંટણેથી પાછળની તરફ વાળી દો અને સામાન્ય રીતે શ્વાસ લેતા રહો. આ રીતે ત્રણથી પાંચ મિનિટ સુધી બેસો.


ભૂજંગાસનઃ જો તમને કબજિયાતની તકલીફ રહેતી હોય તો જમી લો પછી ત્રણ કલાક પછી ગમે ત્યારે ભૂજંગાસન અથવા કોબ્રા પોઝ કરો. આ આસન કરવા માટે તમારા પેટના ભાગે ઊંધા સૂઈ જાવ. તમારા હાથની હથેળીઓને જમીન પર તમારા કાનને સમાંતર જમીનસરસા રાખો. ઊંડો શ્વાસ લો અને માથું, ખભા તથા છાતીને ધીમે ધીમે જમીનથી ઊંચે ઉઠાવો. 20 સેકંડ સુધી શ્વાસનો રોકી રાખો. પછી શ્વાસને ધીમે ધીમે બહાર કાઢો અને ફરી મૂળ સ્થિતિએ આવીને પોઝને રિલીઝ કરી દો. થોડીક સેકંડ સુધી રિલેક્સ સ્થિતિમાં રહો અને શ્વાસ લેતા રહો. આવું બે વાર કરો.


પવનમુક્તાસનઃ પેટમાં ગેસ ભરાઈ ગયો હોય કે પેટ ભારે થઈ ગયું હોય એવું અનેક વાર લાગે. આ આસન તેના નામ પ્રમાણે જ તમારા પેટમાંના વધારાના ગેસને છૂટો કરે છે અને તમને રાહત થાય છે. આ આસન કરવા માટે ચત્તા સૂઈ જાવ. તમારા પગને ઘૂંટણથી વાળો. શ્વાસને બહાર કાઢો અને તમારા ઘૂંટણને ઉપરની તરફ, તમારી છાતી સુધી ખેંચો. આ સ્થિતિમાં રહીને છ વાર શ્વાસ અંદર લો અને બહાર કાઢો. આવું બે વાર કરો.

સલાહઃ કોઈ સક્ષમ યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ જ કાયમ યોગાસન કરવા જોઈએ.

(સુજાતા કૌલગી)