ધારો કે તું ન ગયો હોત…

આલાપ,

જિંદગીના સરોવરમાં ભૂતકાળનો એકા’દ પથ્થર પડે છે ત્યારે યાદોનાં વમળ રચાય છે. માંડ માંડ સ્થિરતા તરફ ગતિ કરતાં આયખામાં ફરી ખુશી, દુઃખ, ઈચ્છા, અધૂરપ અને મધુરપના કુંડાળા રચાય છે.

આજે આવીજ એક ભૂતકાળની ઘટનાએ કાંકરીચાળો કર્યો. ફરી યાદોનું વમળ રચાયું. આશા-નિરાશાના કુંડાળા મનમાં ચિતરાવા લાગ્યા. આજે સવારે અસ્તવ્યસ્ત થઈ ગયેલી મારી લાયબ્રેરીને સરખી કરવાના ઈરાદા સાથે મેં થોડાં પુસ્તકો શેલ્ફ પરથી નીચે ઉતાર્યા તો એમાંથી એક ડાયરી સરી પડી. ડાયરી ઉચકતાં ઉચકતાં જાણેકે હાંફી જવાયું. સુંદર ચિત્રવાળી એ ડાયરી ખોલતાં જ પહેલાં પાનાં પર લખાયેલી એક પંક્તિ પર નજર ચોંટી ગઈ. કવિ સુરેશ દલાલના અતિ લોકપ્રિય અને મારા મનગમતા ગીતની આ પંક્તિઃ

“રાત દિવસનો રસ્તો વ્હાલમ નહીતો ખૂટશે કેમ?

તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ.” 

પછી તો આ પંક્તિ મને એ દિવસોમાં ખેંચી ગઈ જ્યારે તેં કોલેજમાં યોજાયેલા ‘સાહિત્ય વૈભવ પ્રસ્તુતિ’ કાર્યક્રમની ગાયન સ્પર્ધામાં આ ગીત રજૂ કરેલું. તારો ઘેરો ચુંબકીય અવાજ એ દિવસથી મારા મનમાં ઘર કરી ગયેલો. એ દિવસે રાત્રે પ્રથમ વખત મેં ડાયરી લખવાનું શરૂ કર્યું. મનમાં રમતા તારા અવાજને-એમ કહે કે તને જ આલેખવાનું શરૂ કર્યું. પ્રથમ પાનાં પર આ પંક્તિથી એ ડાયરીની શરૂઆત થઈ. એ પછી તો બનતી દરેક ઘટના, અવારનવાર તને ચોર નજરથી જોઈ લીધાની ખુશી, આપણી નજરો ટકરાય ત્યારે હૈયામાં ટહુકતા મોરલના અવાજ… આ બધુંજ રોજેરોજ લખતી થઈ.

ધીમે ધીમે આપણે પરિચયમાં આવ્યા અને એ પછી ક્યારે એકમેકના હૃદય પર કબ્જો કરી લીધો એ જ ન સમજાયું. આપણી મુલાકાતો, નોંક-ઝોંક, રિસામણાં-મનામણાં-દરેક પ્રસંગો શબ્દ બનીને ડાયરી પર રમતા રહ્યા. હસતાં રમતાં કોલેજના ત્રણ વર્ષ પૂરા થયા અને તેં આગળ અભ્યાસ માટે વિદેશ જવાનું નક્કી કર્યું. તારી વિદેશગમનની વાતથી મારા પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી, પણ પ્રિય પાત્રની પ્રગતિ રૂંધે એ પ્રેમ હોઇ જ ન શકે એ હું સમજતી હતી. તું ગયો અને મારી દુનિયા બદલાઈ ગઈ.

આજે આટલાં વર્ષો પછી પણ હું જાણે કે ત્યાં જ ઉભી છું તારી પ્રતીક્ષાએ. ધારો કે તું ન ગયો હોત…હા, આ વિચાર મારા સ્વભાવ મુજબ મને આવે છે ખરો. હું જાણું છું કે તારી જીવન વિશેની વ્યાખ્યા અલગ છે. તારી એ વ્યાખ્યામાં હું ક્યાંય ફિટ નથી બેસતી એ પણ હું જાણું છું, પણ પ્રેમ ક્યાં એમ જોઈ વિચારીને થાય છે? ધારો કે આપણે આપણાં પ્રેમને લગ્ન બંધનમાં બાંધ્યો હોત…તો કદાચ તારા સપનાં મારી ઈચ્છા સાથે ટક્કર લઈને ચૂર ચૂર થઈ ગયા હોત અને તૂટેલા એ શમણાંની કરચ બન્નેના હૈયાને લોહીલુહાણ કરતી હોત.

હા, એ ખરું કે ઈશ્વર આપણાં માટે જે વિચારે છે એ આપણે વિચારીએ એના કરતાં વધુ સારું હોય છે. પરંતુ અળવીતરું મન એમ ક્યાં સમજે છે? ડાયરી લખવાની એ આદત પણ તું છૂટ્યો ત્યારથી છૂટી ગઈ. પરંતુ આજે તેં પહેલીવાર આપેલા એ ગુલાબના ફૂલને ડાયરીમાં જોતાં જ ખૂણામાં પડેલી પેન થકી મનમાં ધરબાયેલી ઊર્મિઓ આજે કાગળ પર એમ જ અવતરી રહી છે….

વર્ષો પહેલાં તેં આપેલું એ ગુલાબ સાચવીને રાખ્યું છે,

વરસું વરસું થતું આંખોનું આ આભ સાચવીને રાખ્યું છે.

– સારંગી.

(નીતા સોજીત્રા)