થાઇરોઇડથી પરેશાન સ્ત્રીઓ અજમાવી જુઓ આ ઉપચાર

જકાલ વ્યસ્તતા ભરી લાઇફને કારણે કેટલાક લોકો અનેક બીમારીઓથી પીડાય છે. વ્યસ્ત શિડ્યુલના કારણે વ્યક્તિ પોતાની નાની-નાની સમસ્યાઓ પર ધ્યાન નથી આપી શકતી અને ધીમે-ધીમે તે સમસ્યા મોટુ સ્વરૂપ ધારણ કરે છે. જેના કારણે લોકો મોટી બીમારીઓનો ભોગ બની રહ્યા છે. એમાની એક મોટી બીમારી છે થાઇરોઇડ કે જેના કારણે માણસને જીંદગીભર પીડાતા રહેવુ પડે છે.

આ સમસ્યાનો સૌથી વધુ ભોગ મહિલાઓ બનતી હોય છે. થાઇરોઇડની ગ્રંથિ ગળામાં હોય છે જે થાઇરાક્સિન નામના હોર્મોનથી બને છે. એવુ નથી કે આ સમસ્યા માત્ર ખરાબ ખાણી-પીણીથી જ થાય છે પરંતુ તમારી કેટલીક ખરાબ આદતના કારણે પણ થાય છે. તમારી રોજબરોજની લાઇફની કેટલીક એવી ખરાબ આદતો હોય છે જે થાઇરોઇડની સમસ્યાને વધારી દે છે. થાઇરોઇડ ગ્રંથિઓની ગતિવિધિને નિયંત્રિત કરવા માટે અને તેેને સુધારવા માટે અનેક ઘરેલુ ઉપચાર પણ છે.

થાઇરોઇડના ઉપચાર જાણીએ એ પહેલા સમજીએ કે થાઇરોઇડ રોગ શું છે અને એ કોને થાય છે.

થાઇરોઇડ એક નાની એવી ગ્રંથિ હોય છે જે ડોકના નીચેના ભાગે વચ્ચે આવેલી હોય છે અને તેનો આકાર પતંગિયા જેવો હોય છે. સૌથી પહેલા તો થાઇરોઇડની ગ્રંથિ શરીરના ચયાપચય દરને અંકુશિત કરે છે. જો કે થાઇરોઇડની ગ્રંથિ ડાયરેક્ટ આ નથી કરતી પરંતુ ગ્રંથિ થાઇરોઇડના હોર્મોન્સ પેદા કરે છે જે શરીરમાં રહેલા કોષને કેટલી શક્તિ વાપરવી તે અંગે જણાવે છે. જ્યારે થાઇરોઇડ વધારે હોર્મોન્સ ઉત્પન્ન કરે છે ત્યારે શરીર રોજબરોજ નોર્મલ રીતે જે શક્તિનો ઉપયોગ કરે છે એના કરતા વધારે શક્તિનો ઉપયોગ કરે છે.

આવી સ્થિતિને હાઇપોથાઇરોઇડિઝમ કહેવાય છે. જ્યારે થાઇરોઇડ પૂરતા પ્રમાણ હોર્મોન ઉત્પન્ન નથી કરતી અને આવા સમયે શરીરે કરવી જોઇએ તેનાથી ઓછી શક્તિનો ઉપયોગ કરે છે. ત્યારે આ સ્થિતિને હાઇપોથાઇરોઇડિઝમ કહે છે. નાનેથી લઇને મોટે સુધી તમામ લોકોને થાઇરોઇડ થઇ શકે છે. પરંતુ પુરુષો કરતા સ્ત્રીઓને થાઇરોઇડ થવાની સંભાવના પાંચથી આઠ ગણી વધુ હોય છે.

હવે જાણીએ કે આ રોગ શેના કારણે થાય છે. વિશ્વમાં લગભગ 10 કરોડ લોકોને અસર કરતી સમસ્યા છે. આયોડિનની ઊણપને કારણે થાઇરોઇડ થઇ શકે છે. એટલા માટે આયોડિનનો ઉપયોગ થાઇરોઇડ ગ્રંથિ હોર્મોન ઉત્પન્ન કરવા માટે કરવામાં આવે છે. બાળકને જન્મ આપ્યા બાદ પાંચથી નવ ટકા સ્ત્રીઓને આ રોગ થવાની સંભાવના રહેલી છે. તો શિશુમાં પણ આ રોગ જોવા મળે છે. જો કે 4000 નવજાત શિશુએ એકમાં જોવા મળતો રોગ છે. પરંતુ જો સમય રહેતા આ બીમારીનો ઇલાજ કરવામાં ન આવે તો બાળક શારીરિક અને માનસિક રીતે વિકલાંગ થાય છે. બાળકના જન્મ પછી મહિલાઓને જો આ રોગ થાય તો મહિલાઓને હાઇપરથાઇરોઇડિઝમ થઇ શકે છે. બાળકના જન્મ બાદ સ્ત્રીઓને આ મોટા પ્રમાણમાં થાય છે.

થાઇરોઇડમાં હાઇપરથાઇરોઇડિઝમ અને હાઇપોથાઇરોઇડિઝમની જે પરિસ્થિતિ સર્જાય છે તેના કેટલાક લક્ષણો હોય છે જેનાથી તમે રોગની જાણકારી મેળવી શકો છો. હાઇપોથાઇરોઇડિઝમમાં વ્યક્તિ ચીડીયો થઇ જાય છે. સ્નાયુઓમાં નબળાઇ આવતા સ્ત્રીઓ કામ કરતા થાકી જાય છે અને ધ્રુજારી પણ થવા લાગે છે. માસિક સ્ત્રાવ ઓછુ આવે છે અને સમયગાળો પણ બદલાય જાય છે. તો હાઇપોથાઇરોઇડિઝમમાં વજનમાં ઘટડો થાય છે. આના કારણે તમારી ઉંઘમાં પણ વિક્ષેપ પડે છે તમે પૂરતી ઉંઘ નથી કરી શકતા. આ પરિસ્થિતિમાં ધીમે-ધીમે થાઇરોઇડ ગ્રંથિ મોટી થાય છે. ધીમે-ધીમે તમને આંખમાં બળતરા થાય છે અને જોવામાં પણ તકલીફ પડે છે.

હવે હાઇપોથાઇરોઇડિઝમના લક્ષણોની વાત કરીએ તો એમાં વ્યક્તિને ખૂબ થાક લાગે છે. આ પરિસ્થિતિમાં સ્ત્રીઓને માસિક સ્ત્રાવ ખૂબ વધુ આવે છે અને કોઇવાર સમયગાળો વધી જાય છે તો કોઇવાર સમયગાળો ઓછો થઇ જાય છે. આવામાં વ્યક્તિઓ ઘણી બાબતો ભૂલી પણ જાય છે. ભૂલકણાપણુથી વ્યક્તિ ખૂબ પરેશાન થઇ જાય છે. અને એમાં પણ ખાસ કરીને મહિલા જ્યારે ઘર, ઓફીસ દરેક વસ્તુ સંભાળતી હોય છે ત્યારે આ તકલીફ ખૂબ નુક્સાન પણ કરે છે. બીમારીના કારણે વ્યક્તિની ત્વચા સૂકી, ખરબચડી થઇ જાય છે. તો વાળ પણ એકદમ સૂકા થઇ જાય છે. હાઇપોથાઇરોઇડિઝમથી પીડાતી વ્યક્તિ જરા પણ ઠંડી સહન નથી કરી શકતી. સમય જતા તેનો અવાજ પણ ઘોઘરો થતો જાય છે.

થાઇરોઇડ એક એવો રોગ છે કે જે ભલે લોકોને બહાર ન દેખાતો હોય પરંતુ જે વ્યક્તિને થાય છે એ અંદર અને બહારથી ખૂબ પીડાય છે. થાઇરોઇડની સમસ્યાથી મહિલાઓ ખૂબ પીડાય છે. આ સમસ્યાને કંટ્રોલ કરવા માટે રોજ દવા તો લેવામાં આવે જ છે. પરંતુ કેટલાક ઘરેલુ ઉપચાર અને યોગાસનના કારણે તમે આ રોગને જડમૂળથી દૂર કરી શકો છો. સર્વાંગાસન, ઉજ્જાયી પ્રાણાયમ અને કપાલભાતિથી આ બીમારીમાં ખૂબ રાહત મળે છે. જો એકદમ મન લગાવીને રોજ આ આસનો કરવામાં આવે તો થાઇરોઇડ ગ્રંથિ યોગ્ય રીતે કામ કરે છે. પ્રાણાયમ કરવાથી થાઇરોઇડ ગ્રંથિ પર દબાણ વધારે પડે છે જેથી હોર્મોનનું અસંતુલન સારુ રહે છે. તેથી જ ઉજ્જાયી પ્રાણાયમને થાઇરોઇડ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કપાલભાતિ આસનથી પણ થાઇરોઇડમાં રાહત મળે છે.

અન્ય ઘરેલુ ઉપચારની વાત કરીએ તો લીંબુના પાન ખાવાથી થાઇરોઇડ નિયમિત થાય છે. તેના પાન ખાવાથી થાઇરોઇડ આગળ વધતુ અટકે છે. લીંબુના પાનની ચા પીવાથી આ રોગમાં ખૂબ રાહત મળે છે. સમુદ્રી ઘાસ આવે તે ખાવાથી પણ થાઇરોઇડ ગ્રંથિ નિયમિત થાય છે. રોજના ભોજનમાં 200થી 1200 મીલી અશ્વગંધા ચૂર્ણ ખાવાથી પણ થાઇરોઇડનો ઇલાજ થાય છે. બે થી ત્રણ મહિના સુધી અશ્વગંધા ચૂર્ણ લેવાથી પરિણામ સારુ પ્રાપ્ત થાય છે. પરંતુ આશ્વગંધા ચૂર્ણ લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે કારણ કે કોઇને માફક આવે છે તો એવુ પણ બને છે કે કોઇને માફક નથી આવતુ.