ઉફ…બ્લેકહેડ્સથી છો પરેશાન?

બ્લેકહેડ્સ..એક એવી જટિલ સમસ્યા કે સ્ત્રી હોય કે પુરુષ બંને આનાથી પરેશાન હોય છે. બ્લેકહેડ્સમાં એવું પણ નથી કે એકવાર હટાવી દીધા એટલે બીજીવાર નહી થાય. બ્લેકહેડ્સ માટે તમારે સમયાંતરે ટ્રીટમેન્ટ કરાવવી જ પડતી હોય છે. જો ટ્રીટમેન્ટ ન કરાવો અથવા તો બ્લેકહેડ્સ ન કઢાવો તો મુશ્કેલી વધતી જ જાય છે. સ્ત્રી હોય કે પુરુષ દરેક વ્યક્તિ પોતાના ચહેરાની સુંદરતાનો વધુ ખ્યાલ રાખતા હોય છે. પરંતુ બ્લેકહેડ્સ સુંદરતામાં કાળા ડાઘ જેવુ કાર્ય કરે છે.સામાન્ય રીતે નાના દાણા જેવા કાળા ડાઘ એટલે કે બ્લેકહેડ્સ નાક પર વધુ જોવા મળે છે. પરંતુ ઘણા લોકોને કપાળ, ગાલ, દાઢી, પગ, પીઠ, ખભા પર પણ થતા હોય છે. આ અંગે જો યોગ્ય ધ્યાન આપવામાં ન આવે તો બ્લેકહેડ્સ વધી પણ શકે છે અને એના કારણે અનેક ઇન્ફેક્શન પણ થઇ શકે છે. તો આ બાબતને ગંભીરતાથી લઇ પહેલેથી જ જો ઇલાજ કરાવવામાં આવે તો તમે સુંદરતા યથાવત રાખી શકો છો.

સૌથી પહેલાં તો એ જાણીએ કે બ્લેકહેડ્સ શું છે અને કેવી રીતે થાય છે? ચહેરાની ત્વચા પરથી તેલ બહાર નીકળી જાય છે. પરંતુ કેટલીકવાર એવુ બને છે કે ધૂળ, માટી, ગંદકી, બેક્ટેરિયા કે ત્વચાના જે મૃત કોષો હોય છે તેના રોમ છીદ્રો બંધ થઇ જાય છે. જેના કારણે તેલ બહાર નીકળી શકતું નથી. અને જ્યારે પણ ત્વચાની અંદર ભરાય રહેલુ તેલ હવાના સંપર્કમાં આવે છે ત્યારે ઑક્સિડાઇઝ થઇને કાળુ થઇ જાય છે અને બ્લેકહેડ્સ બની જાય છે. યંગસ્ટર્સને આ સમસ્યા સૌથી વધુ થતી હોય છે. આ ઉપરાંત ત્વચાનું સરખુ ધ્યાન ન રાખો, વધુ પડતો કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ, સ્ટ્રેસ, હોર્મોન્સમાં થતા ફેરફારનાં કારણે આ પ્રોબ્લેમ થાય છે. આ સમસ્યામાંથી હંમેશા માટે છૂટકારો મેળવવો અશક્ય છે. ત્વચામાંથી નીકળતુ તેલ અને હોર્મોન્સને સીધો સંબંધ છે. હોર્મોન્સની દવાથી બ્લેકહેડ્સથી મુક્તિ મળી શકે છે. પરંતુ આવી દવાઓથી શરીરને નુક્સાન થઇ શકે છે. જેથી બ્લેકહેડ્સમાંથી છૂટકારો મેળવવો એના કરતા તેની ટ્રીટમેન્ટ કરાવવી વધુ સારુ રહેશે.

બ્લેકહેડ્સ ન થાય એના માટે ત્વચાની યોગ્ય સાફ સફાઇ કરવી ખૂબ જરૂરી છે. રાતે સૂતી વખતે ચહેરો ધોવાનું અવશ્ય રાખો. આખા દિવસની ધૂળ, માટીથી લઇને મેકઅપ સાફ કરવો જરૂરી છે. કારણ કે આવા તત્વોના લીધે ત્વચાના રોમછિદ્રો બંધ થઇ જતા હોય છે. આવા તત્વો દૂર થઇ જશે તો ત્વચામાંથી તેલ સહેલાઇથી બહાર નીકળી જશે. તમે ચહેરો સાફ કરવા માટે તમારી ત્વચાને અનુરૂપ ફેસવોશ અથવા તો સાદુ દૂધ, મેકઅપ રિમૂવરનો ઉપયોગ કરી શકો છો.

ત્વચાને સાફ કરવાની સાથે-સાથે ત્વચાના મૃતકોષોને ઘસીને દૂર કરવા પણ એટલુ જ જરૂરી છે. મૃતકોષોને દૂર કરવા માટે બજારમાં અનેક જાતના સ્ક્રબ્સ અને એકસફોલિએટર્સ મળી રહે છે. જો બજારની વસ્તુઓનો ઉપયોગ ન કરવો હોય તો ઘરે મૂળા અને કાકડી જેવા શાકનો ગર, ઓટ્સની પેસ્ટ લગાવી શકો છો. આ સિવાય ચણાના લોટમાં દૂધ અને લીંબુનો રસ નાખી પેસ્ટ બનાવી ત્વચા પર લગાવવુ. એક્સફોલિએશનની પ્રક્રિયા એવી છે કે જે તમે વધુ સમય પણ ન કરી શકો. જ્યાં પ્રદૂષણ વધુ હોય એવા શહેરમાં તમે રહેતા હોવ તો અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરવુ અને જો ઓછુ પ્રદૂષણ હોય એવા શહેરમાં રહેતા હોવ તો અઠવાડિયામાં એકવાર કરવુ. યંગસ્ટર્સને એક્સફોલિએશનની વધુ જરૂર પડે છે. કારણ કે ટીનેજમાં હોર્મોન્સમાં પરિવર્તન થતુ રહે છે જેના કારણે તેની સીધી અસર ત્વચા પર થાય છે. જો કે મોટા થયા બાદ હોર્મોન્સ સ્થાઇ થઇ જવાના કારણે એક્સફોલિએશનની વધુ જરૂર પડતી નથી. તમારી ત્વચા પર એક્સફોલિએશનનું પ્રમાણ બરાબર હશે તો ત્વચા સોફ્ટ લાગશે અને ઓછું હશે તો ત્વચા ખરબચડી લાગશે. આંખની આજુબાજુની ત્વચા પર બળતરા જેવુ પણ થોડુ થશે.

ત્વચાને મોઇશ્ચર કરવી પણ એટલી જ જરૂરી છે. એ માન્યતા પણ ખોટી છે કે જેની તૈલીય ત્વચા છે તેમને મોઇશ્ચરાઇઝર કરવાની જરૂર નથી પડતી. મોઇશ્ચરાઇઝરની જરૂર દરેક પ્રકારની ત્વચાને પડતી હોય છે. એ ત્વચાને હાઇડ્રેટ કરી પોષણ પૂંરુ પાડે છે. તેથી સવાર-સાંજ મોઢું ધોયા બાદ અને સ્ક્રબર કર્યાં બાદ મોઇશ્ચરાઇઝર લગાડવું જોઇએ. પરંતુ મોઇશ્ચરાઇઝરની પસંદગી ત્વચા પ્રમાણે કરવી જોઇએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]