SCના કડક વલણ બાદ કેન્દ્રનો ‘યુ-ટર્ન’, સોશિયલ મીડિયા મોનિટર કરવામાં નહીં આવે

નવી દિલ્હી- સોશિયલ મીડિયાની દેખરેખ માટે સોશિયલ મીડિયા હબ બનાવવાના નિર્ણય અંગે હવે કેન્દ્ર સરકાર બેકફૂટ પર જણાઈ રહી છે. સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ કેન્દ્ર સરકારે આ દિશામાં તેના પગલાં પાછી ખેંચી લીધાં છે. 13 જુલાઈના રોજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આ ‘સર્વેલન્સ’ નિયમ બનાવવા સમાન ગણાશે. વડી અદાલતે જણાવ્યું હતું કે, સરકાર નાગરિકોના વ્હોટ્સએપ સંદેશાઓ ટેપ કરવા માગે છે. આપને જણાવી દઈએ કે, માહિતી અને પ્રસારણ મંત્રાલયે સોશિયલ મીડિયા હબ બનાવવાનો નિર્ણય કર્યો હતો.સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ કેન્દ્ર સરકારે વડી અદાલતને જણાવ્યું કે, તે સોશિયલ મીડિયા પર દેખરેખ રાખશે નહીં. મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રા, ન્યાયાધિશ એ.એમ. ખાનવિલકર અને ન્યાયાધિશ ડી.વાઈ. ચંદ્રચુડની બેન્ચની સામે સરકારના નિવેદન બાદ આ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આપને જણાવી દઈએ કે, તૃણમૂલ કોંગ્રેસના સદસ્ય મહુઆ મોઈત્રા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ઈશ્યૂ કરી હતી. વધુમાં આ મામલે અટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલનો પણ સહયોગ માગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મહુઆ મોઈત્રાએ તેમની અરજીમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાને મોનિટર કરવા કેન્દ્ર પગલા લઈ રહ્યું છે. આ પછી ટ્વીટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ઈમેલમાં રહેલો બધો જ ડેટા કેન્દ્ર સરકારની પહોંચમાં આવી જશે. જે ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે.