દેશભરમાં રાજકીય પક્ષો ચૂંટણી મોડમાં આવી ગયા છે. આગામી 19 એપ્રિલથી શરૂ થનારી લોકસભાની ચૂંટણી માટે સંબંધિત બેઠકો માટે એમના ઉમેદવારોના નામની જાહેરાત પણ થી ગઈ છે. ત્યારે વાત કરીએ રાજકીય પક્ષ અથવા ઉમેદવારને ફાળવવામાં આવેલા ચૂંટણી પ્રતિકની. દરેક પક્ષ અને ઉમેદવાર માટે પોતાનું ચૂંટણી પ્રતિક બહુ મહત્વનું છે. પરંતુ શુ તમે જાણો છો કે ચૂંટણી ચિન્હ શું છે. ચૂંટણી પંચ તેનું વિતરણ કેવી રીતે કરે છે? ચાલો એના પર એક નજર કરીએ.
ચૂંટણી ચિન્હએ રાજકીય પક્ષ અથવા ઉમેદવારને ફાળવવામાં આવેલ પ્રમાણભૂત પ્રતીક છે. પક્ષો પોતાના પ્રચાર દરમિયાન એનો ઉપયોગ કરે છે. ચૂંટણી લડતા ઉમેદવારો માટે એમના નામ ઉપરાંત ચૂંટણી પ્રતીક પણ બહુ મહત્વનું છે.
ચૂંટણી પ્રતીક
ભારતનું ચૂંટણી પંચ દેશમાં તમામ ચૂંટણીઓનું સુચારુ સંચાલન કરવા માટે જવાબદાર છે. એ રાજકીય પક્ષ અથવા ઉમેદવારને ચૂંટણી પ્રતીકો ફાળવે છે જેનો ઉપયોગ પ્રચાર દરમિયાન કરવામાં આવે છે. મતદાન દરમિયાન ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર પણ ચૂંટણી ચિન્હ હાજર હોય છે, જ્યાં મતદારો તેમનો મત આપવા માટે એમના સંબંધિત પક્ષ અથવા ઉમેદવારને પસંદ કરે છે. ચૂંટણી પ્રતીકો ફાળવવા પાછળનું એક કારણ વાંચી ન શકતા લોકોને સરળતા પૂરી પાડવાનું છે. જેઓ ચૂંટણી ચિન્હ દ્વારા એમની પસંદગીના પક્ષને સરળતાથી ઓળખી શકે છે.
ઉમેદવારને પ્રતીક કેવી રીતે મળે છે?
ભારતના ચૂંટણી પંચ પાસે સંખ્યાબંધ ચૂંટણી ચિન્હ છે. રાજકીય પક્ષો તેમની પસંદગીના પ્રતીકો ECIને આપે છે અને જો તે ECI પાસે ઉપલબ્ધ હોય, તો તે પક્ષોને ફાળવવામાં આવે છે. કમિશન પાસે ભાજપનું કમળનું ફૂલ કે કોંગ્રેસના હાથ જેવા અનામત પ્રતીકો પણ છે. આ ઉપરાંત કમિશન પાસે અન્ય ઘણા બધા ચિન્હો પણ છે જે કોઈપણ નવા પક્ષ કે ઉમેદવારને આપવામાં આવે છે. અપક્ષ ઉમેદવારોને પંચ તરફથી પ્રતિક મળે છે.
ઉમેદવારને પાર્ટી સિમ્બોલ મળવાનો અર્થ શું છે?
જ્યારે કોઈ રાજકીય પક્ષ તેના કોઈપણ નેતાને ચૂંટણીમાં ઉતારે છે, ત્યારે એ ઉમેદવાર એના પક્ષને ચૂંટણી પંચ તરફથી મળેલ ચૂંટણી ચિન્હ પર જ ચૂંટણી લડે છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એના ઉમેદવારોના નામ પ્રદેશ અધ્યક્ષને આપે છે, જેને ફોર્મ-એ કહેવામાં આવે છે. ત્યારબાદ એ પક્ષના પ્રદેશ પ્રમુખ ઉમેદવારોને ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ-બી આપે છે. આને ઉમેદવારોને ‘પ્રતીક’ આપવાનું કહેવાય છે.
ચૂંટણી ચિન્હ આપવાનો નિયમ શું છે?
ભારતમાં ચૂંટણીઓ કરાવવાનું પક્ષોને ઓળખવાનું અને એમના ચૂંટણી ચિન્હો આપવાનું કામ ચૂંટણી પંચ કરે છે. ચૂંટણી પંચને આ સત્તા બંધારણની કલમ 324, લોકોનું પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 અને ચૂંટણીના આચાર નિયમો 1961 દ્ધારા મળે છે. ચૂંટણી પંચ ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર 1968 પ્રમાણે ચૂંટણી પ્રતિકો ફાળવે છે. ચૂંટણી પંચ રાજકીય પક્ષોની નોંધણી કરે છે અને તેમના ચૂંટણી પ્રદર્શનના આધારે તેમને રાષ્ટ્રીય અથવા રાજ્ય પક્ષો તરીકે માન્યતા આપે છે. પછી દરેક રાષ્ટ્રીય પક્ષ અને દરેક રાજ્ય પક્ષને એક પ્રતીક ફાળવવામાં આવે છે.
ચૂંટણી ચિન્હ આપવાની શરૂઆત ક્યારે થઈ?
કોંગ્રેસ અને મુસ્લિમ લીગ જેવા રાજકીય પક્ષો પાસે ભારતની આઝાદી પહેલા પણ પ્રતીકો હતા. જો કે, વર્ષ 1951-1952 ની વચ્ચે પ્રથમ સામાન્ય ચૂંટણી દરમિયાન પ્રતીકો આપવાનું શરૂ થયું. દેશમાં સાક્ષરતા દર ઘણો ઓછો હતો. ચૂંટણીમાં સામાન્ય જનતાની ભાગીદારી વધારવાના હેતુથી પક્ષો અને ઉમેદવારોને ચૂંટણી ચિન્હોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. 1952માં કુલ 14 પક્ષોએ ચૂંટણીમાં ભાગ લીધો હતો. જો કે વર્તમાન સમયની વાત કરીએ તો દેશમાં અઢી હજારથી પણ વધુ પાર્ટીઓ છે. જ્યારે લોકસભાની આ સામાન્ય ચૂંટણીમાં 190 ચૂંટણી પ્રતીકો જાહેર કરવામાં આવ્યા છે.