ખરા અર્થમાં કર્મયોગિની

સતત સાત દાયકા સુધી ‘ચિત્રલેખા’ પરિવારને વિરાટ વડલા જેવી શીતળ છાયા આપતાં રહેલાં મધુરી કોટક એટલે અપાર સંઘર્ષથી તપેલા સોના જેવું તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતાં પુરુષાર્થી પત્રકાર તથા પારખુ નજર ધરાવતાં ઉમદા તસવીરકાર…

મધુરીબહેન સાથે પ્રથમ પરિચય થયેલો ૧૯૮૦ના દાયકાના અંતભાગમાં. તે વખતે હું દૈનિક ‘સમકાલીન’માં ફિલ્મસમીક્ષા લખતો એ ક્રમે દર અઠવાડિયે નવી ફિલ્મના પ્રિવ્યૂ શોમાં જવાનું થતું. મધુરીબહેન ત્યારે ‘ચિત્રલેખા’ ગ્રુપના ફિલ્મ સામયિક ‘જી’નાં એડિટર હતાં. કોઈ મોટી, ગાજેલી ફિલ્મ હોય તો એ પ્રિવ્યૂમાં આવતાં. મનમોહન દેસાઈની ડિરેક્ટર તરીકેની છેલ્લી ફિલ્મ ‘તૂફાન’નો પ્રિવ્યૂ મને યાદ છે. કોલાબા વિસ્તારમાં અભિનેતા શશી કપૂરની માલિકના બ્લેઝ  મિની થિયેટરમાં મધુબહેન આવેલાં. સાથે હતા ‘જી’માં હોલીવૂડની ફિલ્મો વિશે લખતા વ્રજ શાહ. વ્રજભાઈએ અમારી ઓળખાણ કરાવી. મારા આશ્ચર્ય વચ્ચે મધુબહેને કહ્યું: ‘હું તમારા રિવ્યૂ વાંચું છું, જરા અલગ હોય છે. બને તો ક્યારેક લખો ‘જી’  માટે… થોડાં ડિફરન્ટ લખાણ અમને મળશે.’

એ પછી ૧૯૯૮માં હું ‘ચિત્રલેખા’માં જોડાયો અને એમને નિયમિત મળવાનું થતું. ફિલ્મવિષયક લેખ લખું તો અચૂક બોલાવે ને એ વિશે ચર્ચા કરે.

મને હંમેશાં એવું ફીલ થાય કે કોટક-દંપતી અલ્પમૂલ્યાંકિત રહ્યાં. એમની લેવાવી જોઈએ એવી નોંધ લેવાઈ નહીં. જરા વિચાર કરો: વજુ કોટક ૧૯૩૭માં મુંબઈ આવે છે, ૧૯૪૧માં પહેલું સર્જન ઈસાડોરા ડંકનની આત્મકથાનું રૂપાંતર રૂપરાણી  આપે છે. ૧૯૫૯માં એમનો દેહાંત થાય છે. ૧૭-૧૮ વર્ષના ટૂંકા સમયગાળામાં એમણે ફિલ્મો માટે કથા-પટકથા-સંવાદ લખ્યાં, નવ જેટલી નવલકથા, અઢળક ટૂંકી વાર્તા-નિબંધ-લેખ લખ્યાં, ‘પ્રભાતનાં પુષ્પો’  જેવું ચિંતનાત્મક સાહિત્ય સર્જ્યું, ‘ચિત્રપટ’, ‘ચિત્રલેખા’ જેવાં સામયિક ચલાવ્યાં…

બીજી બાજુ મધુબહેન. ભાવનગરથી આવતાં એક સાદાં ગૃહિણી. ઓછું ભણેલાં, પણ લાઈફ યુનિવર્સિટીમાં ઝાઝું ગણેલાં મધુબહેને અપાર સંઘર્ષ વેઠીને દેશનાં બીજાં ગુજરાતી મહિલા તસવીરકાર (પહેલા હોમાઈ વ્યારાવાલા) બનવાનું બહુમાન મેળવ્યું. પછી ‘ચિત્રલેખા’ સહિતનાં સામયિકોનાં સંપાદક થયાં.

આમ જોઈએ તો વજુભાઈ સાથે મધુબહેનનો ૧૦ વર્ષનો સહવાસ.

૧૦ વર્ષનું લગ્નજીવન, પણ આ એક જીવનમાં મધુબહેન કેટકેટલાં જીવન જીવી ગયાં? ‘ચિત્રલેખા’, ‘બીજ’, ‘જી’  એવાં ત્રણ માતબર સામયિકના જન્મ, ત્રણ સંતાન મૌલિકભાઈ, બિપિનભાઈ, રોનકબહેનના જન્મ, પતિની આકસ્મિક વિદાય, ત્રણ સંતાનની સાથે ત્રણ સામયિકોને ઉછેરવાની, એમનાં ઘડતરની જવાબદારી, માંધાતા લેખકો-પત્રકારોના અહં સાચવીને નિયમિત અંક કાઢવાના… ક્યારેક છત તો ક્યારેક અછત. એ કયું બળ હશે, જેણે મધુબહેનને સતત સાત દાયકા કરતાં વધુ સમય સુધી ગતિશીલ રાખ્યું હશે?

નવાઈની વાત એ કે ‘ચિત્રલેખા’માં મારા પ્રવેશ બાદ જેટલો વાર્તાલાપ થયો એના કરતાં વધારે કોરોના કાળનાં બેએક વર્ષ દરમિયાન થયો. મધુબહેનના નિયમિત ફોન આવતા રહેતા. આ જ કાળમાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના નેજા હેઠળ હિતેન આનંદપરા સાથે અમે એક ઑનલાઈન કાર્યક્રમ કરેલો: પુસ્તકથી પરદા સુધી.  પુસ્તકો પરથી બનેલી ફિલ્મોની એમાં ચર્ચા હતી. મેં એ કાર્યક્રમનું સંચાલન કરેલું. બીજા દિવસે સવારના પહોરમાં મધુબહેનનો ફોન. કહે: ‘મારે તમને જરા જુદી વાત કરવી છે. તમને તો ખબર છે કે (વજુભાઈ) કોટક હિંદી-ગુજરાતી ફિલ્મનાં કથા-પટકથા-સંવાદ લખતા. એમણે એ વખતે પોતાની પટકથા પરથી નવલકથાઓ લખેલી, જે ભારતમાં કદાચ પ્રથમ વાર બન્યું હતું. પહેલી નવલકથા હતી: ‘ખિલોના’ ફિલ્મની પટકથા પરથી ‘રમકડા વહુ’. એ વખતના વાચકોને સ્ક્રિપ્ટ જેવી લેખનશૈલી ખૂબ ગમી જતાં પછી તો અનેક પટકથા પરથી નવલકથા કોટકે લખી.’

‘એકલાં જ આવ્યાં, મનવા…’ કોઈ પણ વ્યક્તિ માટે માતાને અગ્નિદાહ આપવો એ અગનદાહ જગાડી જતી ક્રિયા બની રહે.

આવી વાતોનો ખજાનો હતો મધુબહેન વિશે, જેમ કે કેવી રીતે વાચકની એક ટપાલ પરથી વજુભાઈએ ધારાવાહિક નવલકથા ‘ડૉ. રોશનલાલ’  શરૂ કરી. કોલકાતાથી ‘ચિત્રલેખા’ના એક વાચકે સ્થાનિક અખબારમાં છપાયેલા ખૂનકેસના સમાચારનું કટિંગ મોકલી ચૅલેન્જ આપી કે આ ઘટના પરથી નવલકથા લખો તો માનું… અને વજુભાઈએ ચૅલેન્જ સ્વીકારી નવલકથા ચાલુ કરી! અલબત્ત, નવલકથા ચાલુ હતી એ વચ્ચે જ એમનું અકાળ અવસાન થયું. એ પછી હરકિસન મહેતાએ વાર્તા આગળ ચલાવીને પૂર્ણ કરી.

૨૦૨૨ના સપ્ટેમ્બર મહિનામાં થયેલી છેલ્લી મુલાકાતમાં પણ એમણે આવી સોનેરી સ્મૃતિઓની છોળ ઉડાડેલી. મધુબહેનની કૅબિનમાં એમના ડેસ્ક પર પત્રોનો ઢગલો હતો. એક પછી એક પત્ર એ વાંચતાં જતાં હતાં. અમને કહે: ‘‘ચિત્રલેખા’ની સિલ્વર જ્યુબિલી વખતે મળેલા આ પત્રો છે: પ્રવીણ જોશી, અરવિંદ જોશી, સરિતા જોશી, આશા પારેખ, વગેરે વગેરે.’ જરા વિચાર કરો-આજથી લગભગ ૪૬-૪૭ વર્ષ પહેલાંની ઘટના, છતાં એ વિશે બોલતાં, પત્રો બતાવતાં એમની આંખોમાં શું ચમક હતી, શું ઉત્સાહ હતો!

– અને યોગાનુયોગ, ૧૦ જાન્યુઆરીએ એટલે કે મધુબહેનની પ્રાર્થનાસભાના બીજા દિવસે આ લખાઈ રહ્યું છે ત્યારે જાજરમાન અભિનેત્રી આશા પારેખનો ફોન આવે છે: ‘સૉરી, થકાવટને લીધે પહેલાં ફોન કરી શકી નહોતી. મધુબહેન વિશે જાણીને ખેદ થયો. કોટકપરિવારને મારી સાંત્વના…’

‘મંગલ મંદિર ખોલો દયામય…’ ઉદય મઝુમદાર અને ભક્તિ આસાનીએ પ્રાર્થનાસભામાં રેલાવ્યા ભક્તિસંગીતના સૂર.

એ પછી આશાબહેન ઉમેરે છે કે ૧૯૬૫માં યુદ્ધના સમયગાળામાં હું નિરૂપા રૉય તથા અન્ય અભિનેત્રીઓ સાથે ઈજાગ્રસ્ત સિપાઈઓને મળવા કોલાબાની હૉસ્પિટલમાં ગયેલી. આના સમાચાર પ્રસારિત થતાં પરિવાર સાથે માથેરાન દિવાળી વૅકેશન વિતાવવા ગયેલાં મધુબહેને મને ફોન કરી સૈનિકોની મુલાકાતનો સ્વાનુભવ લખવા કહ્યું. મેં એ સહર્ષ સ્વીકાર્યું અને લેખ સતસવીર ‘ચિત્રલેખા’માં છપાયો.

ફરી અમારી ઑફિસ-મુલાકાત પર પાછા ફરીએ તો, મધુબહેન કહે: ‘રજતજયંતી અવસરે ‘ડૉ. રોશનલાલ’ પુસ્તક પરથી નાટ્યકાર શૈલેશ દવેએ નાટક રચેલું. કલાગુરુ એમએસ સથ્યૂએ ટ્રૅક પર દોડતી આગગાડીના કમ્પાર્ટમેન્ટનું વાતાવરણ સર્જીને પ્રેક્ષકને સ્તબ્ધ કરી દીધેલા. ૧૦૦થી વધુ શો ‘ડૉ. રોશનલાલ’ના થયેલા…’ બોલતાં બોલતાં મધુબહેન થોડા સમય માટે જાણે એ કાળમાં જતાં રહ્યાં.

આ મુલાકાતના બીજા જ મહિને એટલે કે ૨૦૨૨ના ઑક્ટોબરમાં ‘હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક’ એનાયત સમારંભમાં મેં મંચ પરથી મધુબહેન સાથેની એ મુલાકાતનો ઉલ્લેખ કર્યો. બીજી જ સવારે કાર્યક્રમનો વિડિયો જોઈને એમનો ફોન: ‘તમે તો મને છાપે ચડાવી દીધી.’ બોલીને એમનું હસવું, હૂંફાળા આશીર્વાદ-શુભેચ્છા. આ અમારો છેલ્લો સંવાદ.

શુક્રવાર, ૬ જાન્યુઆરી, ૨૦૨૩ની વહેલી સવારે મુંબઈમાં જૂહુ સાગરકાંઠે આવેલા કોટકપરિવારના નિવાસસ્થાનમાં મધુબહેનનાં અંતિમ દર્શન કર્યાં ત્યારે એમના મોં પર અકબંધ તેજ જોઈ મન માનવા તૈયાર નહોતું કે મધુરી કોટકનું અસ્તિત્વ નજરથી હંમેશ માટે ઓઝલ થયું છે. અને આ સ્થિતિ મારી એકલાની જ નહોતી, પરંતુ એમના સંપર્કમાં આવેલા હજારોની હતી.

એ જ દિવસે એટલે કે શુક્રવાર, ૬ જાન્યુઆરીની સવારે સાડા નવ વાગ્યાના સુમારે એમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળી. મુંબઈના પરા વિલે પાર્લેસ્થિત પવનહંસ નજીકના સ્મશાનમાં મધુબહેનના જ્યેષ્ઠ પુત્ર, ‘ચિત્રલેખા’ના ચૅરમૅન મૌલિકભાઈએ એમને અગ્નિદાહ આપ્યો અને એમનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો.

આવાં એક ખરા અર્થમાં કર્મયોગિની એવાં મધુરીબહેનને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત અનેક લોકોએ આદરાંજલિ આપી. એ પછી, ૯ જાન્યુઆરી ને સોમવારના રોજ મુંબઈના પરા વિલે પાર્લેના જલારામ હૉલમાં રાખવામાં આવેલી પ્રાર્થનાસભામાં જાણે માનવમહેરામણ ઊમટ્યો. સ્વરકાર ઉદય મઝુમદાર અને ભક્તિ આસાનીએ ભક્તિસંગીતની સરવાણી વહાવી તો એ સભાના વાહક બન્યા કવિ મુકેશ જોશી, જેમણે ભક્તિવાણીની વચ્ચે વચ્ચે પોતાની રસાળ વાણી-શૈલીમાં મધુબહેનના જીવનની વણકથી વાતો વહેતી કરી. એમાંય જ્યેષ્ઠ પુત્ર મૌલિકભાઈનાં માતા મધુબહેનનાં સંભારણાં તો ઉપસ્થિત મેદનીની આંખોના ખૂણા ભીંજવી ગયા, જેમ કે:

ઈરાનમાં મધુબહેનનો જન્મ થયો ત્યારે જન્મ બાદ કુદરતના ક્રમ પ્રમાણે એમણે રુદન કર્યું નહીં. ડૉક્ટર સહિત સૌ ટેન્શનમાં આવી ગયા. ડૉક્ટરે તો કહી દીધું કે હવે આ બાળકીનું કંઈ થઈ શકે એમ નથી.  ત્યારે મધુબહેનના પિતા જીવરાજ રૂપારેલે ‘ગાયત્રી મંત્ર’ બોલવા શરૂ કર્યા, સાથે સાથે એ ફૂલ શી કોમળ બાળકી પર હળવો જળઅભિષેક કરતા જાય. આખો મંત્ર પૂરો થયો ને મધુબહેનનું રુદન શરૂ થયું!

જેમ કે: મધુબહેન જ્યારે ૧૨-૧૩ વર્ષનાં હતાં ત્યારે એમનાં માતા દિવાળીબહેનને કૅન્સર હોવાનું નિદાન થયું. કુલ છ બહેન-ત્રણ ભાઈના પરિવારમાં મોટાં બહેનનાં લગ્ન થઈ ગયેલાં એટલે ૧૦ જણના રૂપારેલપરિવારની જવાબદારી એ વખતે ૧૨ વર્ષનાં મધુબહેન પર આવી ગયેલી. એમણે ઘરની, રસોડાની, ભાઈ-બહેનોની જવાબદારી લઈ લીધેલી. પોતાનું ભણતર બાજુએ મૂકી એ ભાઈ-બહેનોને તૈયાર કરી સ્કૂલે મોકલતાં. ઘરમાં સૌનો ખોરાક સારો. જમવા બેસે ત્યારે ખૂબ બધી રોટલી બનાવવી પડે. મધુબહેન સૌને જમાડતાં ત્યારે માતા ખૂબ રિબાતાં હોવા છતાં ઘસડાતાં ઘસડાતાં રસોડામાં આવતાં અને જેના નાજુક ખભા પર અચાનક આવી પડેલી જવાબદારીવાળી પુત્રીને, મધુબહેનને કહેતાં કે ‘લાવ, તને મદદ કરું. તું થાકી ગઈ હોઈશ…’ પણ મધુબહેન એમને પથારીમાં સુવડાવી કામે લાગી જતાં. એટલે આમ જોવા જઈએ તો, બહુ નાની વયથી એમને જવાબદારી ઉપાડવાની આવી ગયેલી.

જેમ કે: ૧૯૪૯માં ૧૮-૧૯ વર્ષનાં મધુબહેનને કહેવામાં આવ્યું કે વજુ કોટક નામના એક છોકરાનું માગું આવ્યું છે. એ ‘ચિત્રપટ’ના એડિટર છે. હવે એડિટર એટલે શું એની મધુબહેનને કે ઘરમાં કોઈને ખબર નહીં! ભાવનગરથી મધુબહેન મુંબઈ આવ્યાં. ચોપાટી પર આવેલી એક રેસ્ટોરાંમાં એમની મુલાકાત વજુભાઈ સાથે થઈ અને… ૧૯ મે, ૧૯૪૯ના મંગળ દિવસે કુમારી મધુરી જીવરાજ રૂપારેલ અને વજુ લખમશી કોટક વિવાહબદ્ધ થયાં.

આવી તો કંઈકેટલી મધુર સ્મૃતિ એ દિવસે વાગોળવામાં આવી. અને કેવાં કેવાં નામ પ્રાર્થનાસભામાં હાજર હતાં? મહાનની કક્ષામાં આવે એવાં નાટ્યકર્મીઓ સરિતા જોશી, દીપક ઘીવાલા-રાગિણીબહેન, સનત વ્યાસ, રાજુલ દીવાન, પ્રમથેેશ મહેતા, વગેરે. આ ઉપરાંત, સાહિત્યકાર વર્ષા અડાલજા, ઈલા આરબ મહેતા, લેખક સૌરભ શાહ, ફિલ્મનિર્માતા તથા મરાઠા મંદિર અને ‘જી-સેવન’ મલ્ટિપ્લેક્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનોજ દેસાઈ, લેખક-દિગ્દર્શક સંજય છેલ, ‘મહાભારત’નો અવાજ એવા હરીશ ભીમાણી, ‘જન્મભૂમિ’ અખબારોના તંત્રી-સીઈઓ કુંદન વ્યાસ, સ્ટેજ સંયોજક લાલુભાઈ-ગાયિકા રૂપા બાવરી, પિડિલાઈટના નરેન્દ્રભાઈ પારેખ, ૬૩ મૂન્સ ટેક્નોલોજીસના જિજ્ઞેશ શાહ, અગ્રણી શૅર બ્રોકર દેવેન ચોક્સી, ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા, ઍડ્વોકેટ સુધીર શાહ-અભિનેત્રી સંગીતા જોશી, સમગ્ર કોટક તેમ જ ‘ચિત્રલેખા’ પરિવાર.

સદેહે પ્રાર્થનાસભામાં હાજર ન રહી શકનારાએ પોતાના શોકસંદેશ પાઠવ્યા, જેમાં ગુજરાત સંસદસભ્ય તથા ભાજપ ગુજરાત પ્રદેશના પ્રમુખ સીઆર પાટીલ, કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી, મુકેશ તથા નીતા અંબાણી, સુપ્રસિદ્ધ ઈન્વેસ્ટમેન્ટ બૅન્કર તથા વક્તા વલ્લભ ભણસાલી, સાહિત્યકાર દિનકર જોશી, સંસદસભ્ય પરિમલ નથવાણી, પત્રકાર શીલા ભટ્ટ, વગેરે.

અંતે, મધુરીબહેન જેવી વિરલ વિભૂતિને અંજલિ અર્પતા આ લેખનું સમાપન કરવા એમના જીવનસાથીના શબ્દો પાસે, વજુ કોટકનાં ‘પ્રભાતનાં પુષ્પો’ પાસે જઈએ:

‘જીવન એ જન્મ અને મૃત્યુ વચ્ચેની એક તેજરેખા છે. આ તેજરેખા કેવડી છે એ જોવું જરૂરી નથી, પરંતુ કેટલી તેજસ્વી છે એ જાણવું જરૂરી છે. જન્મને અજવાળીને મૃત્યુ સમીપે ઝંખવાઈ જતી આ તેજરેખા એ જીવનનો અંત નથી. એ માનવીની આખરી નીંદર પણ નથી, પરંતુ અંતની પેલે પાર રહેલા સત્યને નીરખવા માટેની પ્રથમ જાગૃતિ છે.’

સાકરનો ટુકડો, આઈસક્રીમ અને એ ગોઝારી પાંચ જાન્યુઆરી…

આમ તો છેલ્લા થોડા સમયથી મધુબહેનની તબિયત નરમગરમ રહ્યા કરતી, પણ બીજી બધી રીતે એ સજાગ હતાં. વાતો કરતાં, નાની નાની વાત, પ્રસંગથી ખુશમિજાજ રહેતાં, જેમ કે અવસાનના થોડા દિવસ પહેલાં પૌત્ર મનન સાથે એમણે મોડી રાત સુધી ગપ્પાં માર્યાં. મધરાતનો લગભગ એક વાગી ગયો એટલે મનનભાઈ ઊભા થયા. ‘દાદી, હવે સૂઈ જાઓ.’ આટલું કહીને એ રૂમની બહાર નીકળતા હતા ત્યાં મધુબહેન કહે: ‘ચાલ, આઈસક્રીમ ખાઈએ.’ મનનભાઈને આશ્ર્ચર્ય થયું: ‘આટલી મોડી રાતે આઈસક્રીમ?’ તો મીઠું મલકતાં મધુબહેન કહે: ‘આઈસક્રીમ ખાવાનો તે કાંઈ ટાઈમ હોતો હશે?’ અને મધરાતે દાદી-પૌત્રએ સાથે બેસીને આઈસક્રીમ ખાધો.

આગલા દિવસે, ચાર જાન્યુઆરીએ એ સૌ પરિવારજનોને પ્રેમથી મળ્યાં. સિંગાપોર વસી ગયેલા પુત્ર બિપિનભાઈ કોટક, એમનાં પત્ની રેખાબહેન, પૌત્ર યશ, એનાં પત્ની ક્વિની, વગેરે મુંબઈમાં હોઈને મળી ગયાં. પાંચ જાન્યુઆરીએ મૌલિકભાઈ નમતી સાંજે ‘ચિત્રલેખા’ કાર્યાલય પરથી ઘરે ગયા ત્યારે મધુબહેન એમના રૂમમાં ખુરસી પર બેઠાં હતાં. એ દિવસે મનનભાઈનું એક કાર્યક્રમમાં વક્તવ્ય હતું. મૌલિકભાઈને જોતાં જ મધુબહેને પૃચ્છા કરી કે મનનની સ્પીચ કેવી ગઈ? મૌલિકભાઈએ કહ્યું કે બહુ સારી ગઈ… ખુશ થઈને જાણે આશીર્વાદ આપતાં હોય એમ જમણો હાથ ઊંચો કર્યો. પછી હળવેકથી મૌલિકભાઈએ કહ્યું: ‘પેલો આઈસક્રીમવાળો પ્રસંગ કાર્યક્રમને બંધબેસતો હોવાથી મનને એ ટાંક્યો તો બધાને બહુ જ ગમ્યો.’

આ સાંભળીને મધુબહેન બહુ રાજી થયાં. એ વખતે રૂમમાં હતાં મધુબહેનના લઘુ બંધુ સ્વર્ગસ્થ મનુભાઈનાં પત્ની જ્યોતિબહેન, એમનાં પુત્રી મનીષાબહેન, અમેરિકાથી આવેલાં મૌલિકભાઈનાં માસીનાં દીકરી આભાબહેન… સાંજના સાતેક વાગ્યાનો સમય હશે. નર્સ-આયાએ સૌને બહાર જવા વિનંતી કરી, કેમ કે મધુબહેનને કપડાં બદલાવવાનાં હતાં. થોડી વારમાં નર્સે મૌલિકભાઈને કહ્યું: ‘આપણે ડૉક્ટરને બોલાવવા પડશે, મને સિરિયસ જેવું લાગે છે.’ મૌલિકભાઈએ એ જ બિલ્ડિંગમાં રહેતાં જાણીતાં ઑન્કોલૉજિસ્ટ તથા પરિવારજન એવાં ડૉ. આશા કાપડિયાને બોલાવ્યાં, જેમણે પલ્સ જોઈને કહ્યું: ‘મધુબહેન હવે આપણી વચ્ચે નથી.’ તે વખતે ઘડિયાળ રાતના પોણા આઠનો સમય બતાવતી હતી. ત્યાર બાદ મધુબહેનના ફૅમિલી ડૉક્ટરે પણ આવીને કન્ફર્મ કર્યું અને કારણ આપ્યું: ‘ફેફસાં બરાબર કામ કરતાં ન હોવાને લીધે હાર્ટની સમસ્યા થઈ, એના લીધે શ્વાસ ખૂટ્યા.’

૯ જાન્યુઆરીની સમી સાંજે પ્રાર્થનાસભા બાદ મૌલિકભાઈ સાથે વાત થતી હતી ત્યારે એમણે મધુબહેનના નામ પાછળની એક સ્વીટ સ્ટોરી કહી. મધુબહેનનાં માવતર, જીવરાજભાઈ-દિવાળીબહેને પોતાનાં બધાં સંતાનોનાં નામ બે અક્ષરનાં જ પાડેલાં: મનુ, ટીકુ, હંસા, ઉષા, વગેરે. ઈરાનમાં મધુબહેનનો જન્મ થયો ત્યારે રૂપાળી મુખાકૃતિ ધરાવતી ને પરાણે વહાલી લાગે એવી એ બાલિકાને જોઈને અડોશીપડોશી કહેતા: ‘શીરીની પાપ્પા… શીરીની પાપ્પા.’ એક દિવસ પિતા જીવરાજભાઈએ કોઈને પૂછ્યું કે શીરીની પાપ્પાનો મીનિંગ શું થાય? તો એ કહે: ‘શીરીની પાપ્પા એટલે સાકરનો ટુકડો.’ અને એ પરથી નામ પડ્યું મધુ. ત્યાર બાદ ‘ચિત્રલેખા’માં તસવીરકાર તરીકે એમનું નામ છાપવાનું આવ્યું ત્યારે વજુભાઈને મધુ કોટક  ટૂંકું લાગતાં એમણે મધુરી કોટક  કર્યું.

કેતન મિસ્ત્રી (મુંબઈ)

(તસવીરઃ દીપક ધુરી)