માતૃવત્સલ મધુબહેન

સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’ પરિવારનાં મોભી અને માતાતુલ્ય ‘મધુબહેને’ (મધુરી કોટક) ગયા ગુરુવારે નિયમિત અંક પૂરો થયા બાદ જીવનલીલા સંકેલી લીધી. લગભગ સાત દાયકા સુધી આ માતબર સાપ્તાહિક સાથે એ સંકળાયેલાં રહ્યાં. આ પણ પત્રકારત્વનો એક વિક્રમ ગણાય. મધુબહેનના જીવન પર દૃષ્ટિપાત કરતાં વિસ્મય અનુભવાય. કોઈ મસાલેદાર ફિલ્મ જેવું સતત ચડાવ-ઉતારથી ભરપૂર એમનું જીવન હતું. એક પછી એક સ્વજન અને સાથીઓ બિછડે સભી બારી બારીની જેમ વિલીન થતાં ગયાં. તેમ છતાં અખૂટ ધીરજ અને ધરતી જેવી સહનશીલતાથી મધુબહેન બધું જીરવતાં રહ્યાં અને સંજોગોની સામે લડતાં રહ્યાં.

બહુ ટૂંકા દામ્પત્યજીવનમાં શીખેલા પત્રકારત્વ અને તસવીરકળાના પાઠ મધુબહેને વજુભાઈના નિધન પછી બરાબર આત્મસાત્ કર્યાં.

હિંદી ફિલ્મસૃષ્ટિમાં સૌથી ધૂની અને તરંગી ગણાતા પ્લેબૅક સિંગર કિશોર કુમારે બહુ ઓછા પત્રકારોને લાંબો ઈન્ટરવ્યૂ આપ્યો છે. એવો એક સાત-આઠ પાનાંનો ઈન્ટરવ્યૂ કિશોર કુમારે એક ગુજરાતી મહિલા પત્રકારને આપેલો એમ કહીએ તો કોઈને જરૂર વિસ્મય થાય. કહી શકાય કે પત્રકારત્વનો આ એક વિરલ દાખલો છે. કિશોર કુમારનો એ ઈન્ટરવ્યૂ ‘ચિત્રલેખા-જી’નાં સહસંસ્થાપક અને તંત્રી મધુરી કોટકે લીધો હતો!

એમની આ સિદ્ધિની નોંધ ક્યારેય કોઈએ લીધી નહોતી. જો કે મધુબહેન પોતે પણ અલિપ્ત રહીને કામ કરતાં હતાં. અંતર્મુખ સ્વભાવ અને લો પ્રોફાઈલ રહેલાં મધુબહેને ગયા સપ્તાહે ૯૨ વર્ષની વયે આપણી વચ્ચેથી વિદાય લીધી. યોગાનુયોગ કેવો કે ગુરુવારે ‘ચિત્રલેખા’નો રાબેતા મુજબનો અંક પૂરો થયો, બીજી બાજુ મધુબહેને વિદાય લીધી. ભલભલા પુરુષોને શરમાવે એવું કાર્ય કર્યું હોવા છતાં એ અંગત પ્રચાર-પ્રસિદ્ધિથી સ્વેચ્છાએે દૂર રહ્યાં.

૧૯૩૦ના ઑક્ટોબરની પહેલી તારીખે ઈરાનમાં જન્મેલાં મધુબહેનનું બાળપણ ભાવનગરમાં અને બાકીનું જીવન મુંબઈમાં વીત્યું. પિતા જીવરાજભાઈ રેલવેમાં ગાર્ડ હતા. પાંચ બહેનો અને ત્રણ ભાઈઓમાં મધુબહેનનો ચોથો નંબર. પિતાની જેમ પાછળથી બે ભાઈઓ પણ રેલવેમાં ગાર્ડ થયા હતા. બીમાર રહેતાં માતુશ્રી દિવાળીબાની સારવાર અને નાનાં ભાઈ-બહેનોના ઉછેરની જવાબદારી મધુબહેન પર. આમ બાળપણથી કોઈ ને કોઈ જવાબદારી સંભાળતાં થયેલાં.

નાના બાળક જેવું કુતૂહલ અને વાંચવાની તીવ્ર જિજ્ઞાસા. પત્રકારત્વમાં આ બન્ને ગુણો કામ લાગેલા. પારિવારિક જવાબદારીને કારણે માંડ માંડ સાત ધોરણ (એ સમયે ફાઈનલ કહેવાતું) શિક્ષણ મેળવેલું. ચિત્રકળામાં ઊંડો રસ. ગમે તેવા પોસ્ટ ગ્રૅજ્યુએટને શરમાવે એવી ધીંગી કોઠાસૂઝ ધરાવે. એમના આ ગુણોને વજુ કોટક પારખી શકેલા.

૧૮ વર્ષની વયે વજુ કોટક સાથે પરણ્યાં ત્યારે વજુભાઈએ હજુ ‘ચિત્રલેખા’ શરૂ કર્યું નહોતું. એ અન્ય સામયિક સાથે સંકળાયેલા હતા. અગાઉ કહ્યું એમ, મધુબહેન એમને સતત જાતજાતના પ્રશ્ર્નો પૂછે. વજુભાઈ ધીરજથી એ દરેકના જવાબ આપે. પત્ની એક કાચો હીરો છે અને પોતે એને પહેલ પાડવાના છે એ વાત વજુભાઈ બહુ જલદી સમજી ગયેલા. મુંબઈના માટુંગા જીઆઈપી (કિંગ્સ સર્કલ) પાસે બે ઓરડાના ઘરમાં દામ્પત્યજીવન શરૂ કરેલું. વજુભાઈ ઘેર આવે એટલે પત્નીને તાલીમ આપવા માંડે. માત્ર બે રૂમમાં એક રૂમની બારી પર કાળો પરદો નાખીને ડાર્કરૂમ બનાવે. કૅમેરામાં ઝડપેલી તસવીરોનો રોલ ધોવાનો અને પ્રિન્ટ કાઢવાની. આ બધી પ્રોસેસ મધુબહેન શીખે. ધીમે ધીમે મધુબહેન પોતે પણ રોલ ડેવલપ કરતાં શીખી ગયાં. આજે ડિજિટલ કૅમેરા અને મોબાઈલ ફોનના જમાનાની યુવા પેઢીને ખયાલ સુદ્ધાં નહીં આવે કે એ કામ કેટલું અઘરું હતું.

મધુબહેનને એ આવડત કેવી કામ આવી એ જુઓ. ૧૯૬૩-૬૪માં એક ફિલ્મી પ્રદર્શનના ઉદઘાટન માટે વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ મુંબઈ આવેલા. ડઝનબંધ વિવિધભાષી અખબારો-સામયિકોના ફોટોગ્રાફર્સ વચ્ચે મધુબહેનને જોઈને પંડિતજી એકાદ ક્ષણ ઊભા રહી ગયેલા. ગૌરવર્ણ, તપખીરી આંખો અને મધ્યમ કદકાઠી ધરાવતાં મધુબહેનને જોઈને પંડિતજી છક થઈ ગયેલા. એ દિવસોમાં મહિલાઓ પ્રેસ ફોટોગ્રાફર હોય એ વાત માની શકાતી નહોતી.

એક એવી સન્નારીની કલ્પના કરો, જે માત્ર ત્રીસ વર્ષની વયે પતિની છત્રછાયા ગુમાવી દે અને છ સંતાનોને ઉછેરવાની હિમાલય જેવી જવાબદારી માથા પર આવી પડે. મોટો પુત્ર મૌલિક ત્યારે નવ વર્ષનો. બીજો પુત્ર બિપિન આઠ વર્ષનો અને પુત્રી રોનક માત્ર ચાર વર્ષની. બીજી બાજુ, માનસ સંતાનો જેવાં ત્રણ પ્રકાશનો- ‘ચિત્રલેખા’, રીડર્સ ડાયજેસ્ટ જેવું પણ એકેય જાહેરખબર વિનાનું માસિક ‘બીજ’ અને ફિલ્મ સામયિક ‘જી’. એકલે હાથે આ બધું સંભાળવાનું અને ત્રણે સામયિકની જબરદસ્ત પ્રગતિ કરવાના પતિના સપનાને સાકાર કરવાનું. અગાઉ કહ્યું એમ, અખૂટ ધીરજ અને ખંતથી મધુબહેન ઘર અને કાર્યાલયની જવાબદારી સંભાળતાં. ‘જી’ માટે સતત જે-તે ફિલ્મના સેટ પર જવાનું. કલાકારોના ફોટા પાડવાના, એમની મુલાકાતો લેવાની અને થોડીક ખટમીઠી વાતો ઉમેરવાની. ત્રણે સામયિકો સમયસર પ્રગટ થાય અને એમનું વિતરણ થાય એ કસોટી પણ જેવી-તેવી ન ગણાય. પાછળથી મેટ્રો સિનેમાની પાછળ પ્રસિદ્ધ લેખિકા વર્ષા અડાલજા અને પીઢ પત્રકાર મોહનલાલ મહેતા ‘સોપાન’નાં પડોશી થયાં. આ સર્જકો પણ મધુબહેનની કાર્યશૈલીનાં ચાહક બનેલાં.

સદ્દભાગ્યે એમને વજુભાઈની અકાળ વિદાય પછી વજુભાઈના જિગરજાન દોસ્તો વિજયગુપ્ત મૌર્ય, વેણીભાઈ પુરોહિત, જિતુભાઈ મહેતા, ગગનવિહારી મહેતા, કાર્ટૂનિસ્ટ રૂપમ, અનિવાર્ય જેવા સાથી બની ગયેલા ચંદુભાઈ લાખાણી અને ફોટોગ્રાફર પૂનમ મહેતાનો ખૂબ સાથ હતો. ૧૯૬૫-૬૬ની આસપાસ હરકિસન મહેતા પણ ‘ચિત્રલેખા’ પરિવારમાં જોડાયા. સામયિકોમાં નામ મધુરી કોટક પ્રગટ થાય, પરંતુ ‘ચિત્રલેખા’ પરિવારના સભ્યો એમને ‘મધુબહેન’ કહીને સંબોધતા.

અહીં એક રસપ્રદ વાત નોંધવા જેવી છે. વેણીભાઈ પુરોહિત અને હરકિસન મહેતા પંજાબની એક જેલમાં આજીવન કારાવાસ ભોગવી રહેલા જગ્ગા ડાકુ (જગતસિંહ)નો ઈન્ટરવ્યૂ લેવા ગયેલા. ખાસ્સો લાંબો એ ઈન્ટરવ્યૂ લઈને આવ્યા પછી હરકિસનભાઈ સહજપણે બોલેલા કે આ માણસના જીવન પરથી તો એક થ્રિલર જેવી નવલકથા લખી શકાય. એમની એ વાત પકડી લઈને મધુબહેને હરકિસનભાઈને નવલકથા જ લખવાનો આગ્રહ કર્યો અને સતત પ્રોત્સાહિત કર્યા કે ‘લખો, લખો, લખો… નવલકથા જ લખો.’

જગ્ગા ડાકુના જીવન પરથી નવલકથા લખવાની પ્રેરણા હરકિસનભાઈ મહેતાને મધુબહેને જ આપી હતી.

મધુબહેનના એ પ્રેમાગ્રહે ગુજરાતી સાહિત્યને એક અજોડ નવલકથાકાર આપ્યો: હરકિસન મહેતા!

એક રમૂજી વાત કહું. ઘણા વાચકોને ખયાલ સુદ્ધાં નહોતો કે મધુરી નામ કોઈ મહિલાનું છે. ઘણા પુરુષોનાં નામ મહિલા જેવાં હોય છે એટલે કેટલાક વાચકો પત્ર લખે ત્યારે માનનીય મધુરીભાઈ એવું સંબોધન કરતા. અમે સૌ એવા પત્રો વાંચીને હસીએ. આવા વાચકોનું મધુબહેન ખોટું ન લગાડે.

હરકિસન મહેતાની જેમ કાન્તિ ભટ્ટ, મનહર ડી. શાહ, નરેન્દ્ર ઉપાધ્યાય, જ્યોતિ વ્યંકટેશ તથા આ લખનાર સહિત ઘણા ઊગતા લેખકોને એમણે સતત પ્રોત્સાહિત કર્યા અને ઘડ્યા. સાથોસાથ ‘બીજ’ અને ‘જી’માં નિતનવી સામગ્રી પીરસીને એક આખી વાચકપેઢીને ઘડી. પોતે સતત વાંચતાં. નવા નવા વિષયો શોધીને કોની પાસે કયો લેખ લખાવવો એની સૂઝબૂઝ એમણે કામ કરતાં કરતાં વિકસાવી. એ પોતે પણ સરસ લખતાં.

મધુબહેન કદી કોઈથી અંજાયાં નહીં કે કદી પોતે એક પ્રકાશન સંસ્થાના સર્વેસર્વા છે એવો અહંકાર સેવ્યો નહીં. વ્યાવસાયિક સંબંધો હોવા છતાં પત્રકારોને પોતાનાં સંતાન કે સ્વજન જેવાં માનીને એમનું ધ્યાન રાખતાં.

કોટક-દંપતીનાં ત્રણ સંતાન બિપિન-રોનક અને મૌલિક… ત્રણ પ્રકાશન ‘ચિત્રલેખા’, ‘બીજ’ અને ‘જી’ પણ એમનાં સંતાન સમાં જ!

કાન્તિ ભટ્ટ બીમાર પડ્યા અને હૉસ્પિટલમાં હતા ત્યારે રોજ મધુબહેન પુત્ર મૌલિક જોડે કાન્તિભાઈને ટિફિન મોકલાવતાં. એમનું વ્યક્તિત્વ એટલું સૌમ્ય કે ‘ચિત્રલેખા’ના સ્ટાફના કર્મચારીઓ પોતાની મૂંઝવણ-મુશ્કેલી મધુબહેનને બેશક કહી શકે. મધુબહેન પાસે કોઈ પણ કર્મચારી ગમે ત્યારે બેધડક જઈ શકે અને વાત કરી શકે. જમણો હાથ આપે તો ડાબા હાથને ખબર સુદ્ધાં ન પડે એ રીતે મધુબહેને ઘણાને નાની-મોટી સહાય કરેલી. કોઈ પણ કર્મચારીને એમનામાં મા કે મોટી બહેનનું રૂપ દેખાય એવું એમનું વ્યક્તિત્વ હતું અને એવું જ એમનું વર્તન હતું.

મધુબહેનની નમ્રતાનો એક દાખલો નોંધ્યા વિના રહેવાતું નથી. ૧૯૮૦માં એમને ૫૦ વર્ષ પૂરાં થતાં હતાં. ‘ચિત્રલેખા’ પરિવારના કેટલાક મિત્રો-શુભેચ્છકોએ મધુબહેનનો જન્મદિન ઊજવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. મધુબહેને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી કે ‘હું મારી જાતને કોઈ સેલિબ્રિટી માનતી નથી. મને આવા આડંબર કે ડોળ-દમામમાં રસ નથી.’ એ જ અરસામાં ‘જન્મભૂમિ’ જૂથના રાજકોટથી પ્રગટ થતા વર્તમાનપત્ર ‘ફૂલછાબ’ને ૬૦ વર્ષ થતાં હતાં. ‘ફૂલછાબ’ના તંત્રી હરસુખ સાંગાણીએ મધુબહેનનો એક ઈન્ટરવ્યૂ માગ્યો. મધુબહેને એની પણ સાફ ના પાડી દીધી. ખૂબ વિનવણી અને સમજાવટ પછી એ ઈન્ટરવ્યૂ આપવા તૈયાર થયાં. આ લખનાર પર ઈન્ટરવ્યૂ લેવાની જવાબદારી આવી. કોઈ પત્રકારને ઈન્ટરવ્યૂ આપવાનો મધુબહેન માટે આ પહેલો અને કદાચ છેલ્લો પ્રસંગ હતો!

ટોચના ફિલ્મ સ્ટાર્સ સાથે સારોએવો ઘરોબો છતાં કોઈ સ્ટાર ક્યારેક સેટ પર અણછાજતું વર્તન કરે તો સંબંધની શરમ રાખ્યા વિના મધુબહેન એને ઝાટકી નાખે. દાદામુનિ અશોક કુમાર તો મધુબહેનને ખૂબ માન આપતા. એવો જ પ્રેમ સંજીવ કુમાર, અભિનેતા ફિલ્મસર્જક કૃષ્ણકાંત, વાર્તાકાર વિઠ્ઠલ પંડ્યા, સારંગ બારોટ, ચંદુલાલ સેલારકા, વગેરે મધુબહેન પર રાખતા. મધુબહેનની કાર્યક્ષમતા જોઈને ટોચના સાહિત્યકારો પણ એમને ખૂબ બિરદાવતા. જો કે મધુબહેન નમ્રતાથી વાતને બીજી તરફ વાળી લેતાં. પોતાનાં વખાણ સાંભળવાનું એમને ગમતું નહોતું.

આવરદાના નવમા દાયકામાં નાજુક તબિયત છતાં લગભગ રોજ બે-ત્રણ કલાક કાર્યાલયમાં આવવાનો આગ્રહ રાખતાં. વજુ કોટક માર્ગ  (જૂનું નામ કારવાર સ્ટ્રીટ)થી અંધેરી વીરા દેસાઈ રોડ પર ‘ચિત્રલેખા’ કાર્યાલય ખસેડાયું એ દરમિયાન ઘણી લીલીસૂકી મધુબહેને જોઈ, પરંતુ કદી અકળાયાં નહીં, કદી રઘવાયાં થયાં નહીં. ભગવદ ગીતામાં વર્ણવાયેલા અનાસક્ત યોગની જેમ નિર્લેપ રહીને એ સતત પોતાનું કામ કરતાં રહ્યાં. એમની બરાબરીની અન્ય મહિલા પત્રકાર મળવી દુર્લભ છે. એમની વિદાય સાથે ગુજરાતી પત્રકારત્વનો એક યુગ વિલીન થયો.

મારા તરફથી મધુબહેનને આ શબ્દાંજલિ નથી, સ્નેહાંજલિ છે.

(અજિત પોપટ)

(લેખક ‘ગુજરાત સમાચાર’ના વરિષ્ઠ પત્રકાર છે. અગાઉ એ આશરે ત્રણ દાયકા સુધી ‘ચિત્રલેખા’, ‘બીજ’ અને ‘જી’ સાથે સંકળાયેલા હતા.)