પ્રવાસ પ્લાનિંગ કરવામાં મદદ કરશે આ ઍપ!

આમ તો વેકેશન પૂરું થયું તેની સાથે જ ફરવાની ઋતુ ચાલી ગઈ. પરંતુ આપણે જો પર્યટનમાં મદદ થાય તેવી ઍપની વાત કરવાના હોઈએ તો પ્રાસંગિક છે કારણકે ઉનાળુ વેકશનમાં ફરવાની ઋતુ ભલે ચાલી ગઈ, પરંતુ દિવાળીના વેકેશનનું આયોજન હવે ચાલુ થશે. આવો જોઈએ આવી કેટલીક ઍપ.citymapper

સિટીમેપર ખરેખર ખૂબ જ ઉપયોગી ઍપ છે. તે અનેક શહેરોને આવરી લે છે, તેમની વચ્ચેના માર્ગો પણ તે બતાવે છે. તે ગૂગલ મેપ કરતાં વધુ સારી છે તેમ કહેવાય છે. તેના કારણે તે અનિવાર્ય એવી ઍપ પ્રવાસીઓ માટે બની ગઈ છે. અનેક શહેરોમાં તે તમને કઈ રીતે મુસાફરી કરવી તે જ નહીં કહે, પરંતુ ખર્ચ કેટલો થશે તે પણ કહે છે.

WeTravelSolo

વીટ્રાવેલસૉલો એ એકલા પ્રવાસ ખેડતા પ્રવાસીઓ માટે શ્રેષ્ઠ ભારતીય પ્રવાસ ઍપ છે તેમ કહી શકાય. તમામ ઍન્ડ્રૉઇડ આધારિત ફૉનમાં તેને તમે ડાઉનલૉડ કરી શકો છો. તેમાં ઘણા વિકલ્પો પણ છે, જેમ કે ‘યાત્રા કરો’, ‘યાત્રાના અદ્વિતીય વિચારો’, ‘તમારા જીવનસાથી શોધો’. આ ઍપ દ્વારા એકલા પ્રવાસીઓ તેમના જેવા જ વિચારોવાળા પ્રવાસીઓને મળી શકે છે. તમે એકલા પ્રવાસીઓના નેટવર્કમાં જોડાઈ શકો છો. તેમની તમે માહિતી તપાસી શકો છો.Triposo

ટ્રિપૉસો એ હાથવગી પ્રવાસ માર્ગદર્શિકા ઍપ છે જે ‘ગાઇડ’ના રાજુ ગાઇડની જેમ ભારતીય શહેરોમાં પ્રવાસમાં શું કરવું અને શું જોવું તેની સલાહ પણ આપશે. તમારે પ્રવાસને લગતાં ભારે ભારે પુસ્તકો સાથે લઈ જવાની જરૂર નથી. ટ્રિપૉસોની વપરાશકારની રૂચિ મુજબની ઍપ પ્રવાસીની તમામ પ્રાથમિક પૃચ્છાના જવાબ આપે છે; જેમ કે ક્યાં ખાવું, ક્યાં રોકાવું, ક્યાં આરામ કરવો, શું ખરીદવું, શું જમવું…વગેરે. આ ઍપ ઑનલાઇન કામ કરે છે. તે ભારતીય શહેરોનો નકશો અને હવામાન વિગતો પણ આપે છે.

IRCTC Connect

તમે ભારતની અંદર પ્રવાસ કરશો તો બનતા સુધી રેલવેમાં જ જવાના, સિવાય કે તમને ફ્લાઇટ ભાડું પોસાતું હોય. રેલવે યાત્રીઓ માટે આ ઍપ સારી છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટુરિઝમ કૉર્પોરેશન લિમિટેડ (આઈઆરસીટીસી)ની આ ઍપ છે જેમાં પ્રવાસીઓ ટિકિટ બુક કરાવી શકે છે, ટ્રેનના સમયપત્રકને જોઈ શકે છે, આરક્ષણમાં પોતાની શું સ્થિતિ છે તે જોઈ શકે છે.

Trip planner

તમારે જે શહેરોનો પ્રવાસ કરવો હોય તે ભારતીય શહેરોની માહિતી આ ઍપમાંથી મળશે.  ઍપ તમને ભારતમાં સૌથી લોકપ્રિય અને પ્રમાણમાં ઓછા જાણીતાં પર્યટન સ્થળો કયાં છે તેની પણ માહિતી આપશે. આ ઍપ વડે તમે તમારા પ્રવાસ સ્થળોએ શ્રેષ્ઠ હૉટલ અને રૅસ્ટૉરન્ટ શોધી શકશો. તે તમને તમારી યાત્રામાં આનંદ આવે તેવી કઈ કઈ ચીજ તમે કરી શકશો તે પણ કહેશે.

AudioCompass

ઑડિયોકમ્પાસ એ ભારતના પર્યટન મંત્રાલય સાથે બનાવાયેલી ઍપ છે. તે ભારતભરનાં અનેક સ્થળો માટેની બોલતી માર્ગદર્શિકા છે. આ ઍપની સારી બાબત એ છે કે તે ઑફલાઇન પણ કામ કરે છે. આથી જેમને ગાઇડ નથી ગમતા તેમના માટે આ ઍપ સારી છે. આ ઉપરાંત વિદેશીઓ કે જેમને ભારતીય ગાઇડની વાતો નથી સમજાતી તેમના માટે પણ આ ઍપ સારી છે.

Tripigator

તે ભારત સરકાર દ્વારા બનાવાયેલી પ્રવાસીમિત્ર જેવી ઍપ છે. તે પર્યટકોને ભારતભરમાં તેમના રસ્તાઓ માટે માર્ગદર્શન આપે છે. આ ઍપ વાપરવામાં ખૂબ જ સરળ છે. તેમાં ટ્રાવેલ સર્ચ એન્જિન પણ છે જે તમારા રસના આધારે માહિતી લઈ આવે છે, પર્યટન સ્થળો અને તમારા અંદાજપત્રને અનુસાર તમને સ્થળોની માહિતી આપે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]