અમેરિકાએ ભારત સાથે યોજાનારી ‘2+2’ ચર્ચા સ્થગિત કરી

વોશિંગ્ટન- અમેરિકાએ ભારત સાથે યોજાનારી પ્રથમ 2+2 વાટાઘાટોને અનિવાર્ય કારણોસર સ્થગિત કરી છે. અને આ માટે અમેરિકાએ ભારત સમક્ષ દિલગીરી પણ વ્યક્ત કરી છે.આપને જણાવી દઈએ કે, આગામી 6 જુલાઈના રોજ ભારત-અમેરિકા વચ્ચે 2+2 વાટાઘાટો યોજાવાની હતી. જેમાં ભારત તરફથી વિદેશપ્રધાન સુષમા સ્વરાજ અને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ ભાગ લેવાના હતા. અને તેમના અમેરિકી સમકક્ષ માઈકલ પોમ્પીયો અને અમેરિકાના સંરક્ષણ સચિવ જેમ્સ મેટીસ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરવાના હતા.

એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, આ વાટાઘાટો દરમિયાન ટર્મિનલ હાઈ એલ્ટિટ્યૂડ એરિયા ડિફેન્સ (THAAD) સિસ્ટમ અંગે ચર્ચા કરવામાં આવશે અને રશિયા સાથે ભારતના આશરે 39 હજાર કરોડ રુપિયાના S-400 ડિફેન્સ સિસ્ટમના સોદાને રોકવા અમેરિકા ભારતને પોસાય તેવી કીમતે પોતાના બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા મનાવવા પ્રયાસ કરશે.

આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘અમેરિકાના વિદેશપ્રધાન માઈકલ પોમ્પેયોએ ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજ સાથે વાત કરી હતી અને અમેરિકા દ્વારા અનિવાર્ય કારણોસર 2+2 વાટાઘાટોને સ્થગિત કરવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો’.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુ એક ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘અમેરિકાના વિદેશપ્રધાન માઈકલ પોમ્પીયોએ ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજની સંમતિ માગી છે અને તેઓ ભારત અથવા અમેરિકામાં જલદી વાટાઘાટો યોજવા અનુકુળ તારીખ શોધવા સંમત થયા છે’.

શું છે 2+2 ચર્ચા?

વિદેશપ્રધાન સુષમા સ્વરાજ અને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ અમેરિકાના વિદેશપ્રાધાન માઈકલ પોમ્પિયો અને સંરક્ષણ સચિવ જેમ્સ મેટીસ સાથેની બેઠક માટે અમેરિકા જવાના હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂન-2017માં અમેરિકા ગયા ત્યારે તે સમયે બંને દેશો વચ્ચે સંવાદના આ નવા પ્રકાર પર સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી.

ત્યારબાદ બન્ને દેશોએ અનેક વખત 2+2 ચર્ચા માટે કાર્યક્રમ નક્કી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બન્ને દેશો વચ્ચે સર્જાયેલા ટ્રેડવૉરના વાતાવરણને કારણે અમેરિકાએ અચાનક જ અનિવાર્ય કારણોનું બહાનું જણાવી મંત્રણાને મોકૂફ રાખી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]