લોક મેળાના આકર્ષણ, સાહસનું કેન્દ્ર એટલે ‘મોતનો કૂવો’

‘રસરંગ લોકમેળા’માં મોતના કૂવામાં દિલઘડક કરતબ કરનાર કાર રેસલર અને બાઇક રાઇડરની રાજકોટમાં એન્ટ્રી

*****

ઉત્તર પ્રદેશના બે કારચાલક અને ત્રણ બાઇકચાલકના ખુલ્લા હાથની, એક સાથે ડ્રાઈવિંગના કરતબ લોકોને કરશે રોમાંચિતઃ મહિલા બાઇકચાલકની સાહસિકતા પણ અનન્ય આકર્ષણ

*****

‘રાજકોટનો મેળો દેશભરમાં સર્વશ્રેષ્ઠ” કહે છે, યુ.પી.ના કાર રેસલર અબ્દુલ રહેમાન અંસારી


રાજકોટના ‘રસરંગ લોકમેળા’માં મોતના કૂવામાં દિલઘડક કરતબ કરનાર વાહનચાલકોની એન્ટ્રી થઇ ચૂકી છે. યુ.પી.ના બે કાર ચાલકો અને ત્રણ બાઇક ચાલકોના ખુલ્લા હાથની એક હાથે કરાનારી ડ્રાઈવિંગના કરતબ લોકોને રોમાંચિત કરશે. તો તે પૈકીની મહિલા બાઇકરાઇડર પૂજા ચૌહાણ પણ સાહસિકતાથી સૌરાષ્ટ્રવાસીઓને અચંબિત કરી દેશે.

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી આવેલા ૪૫ વર્ષીય કારચાલક અબ્દુલ રહેમાન અન્સારી છેલ્લા બાર વર્ષથી રાજકોટના લોકમેળામાં તેમનું હુન્નર મોતના કૂવામાં રજૂ કરી લાખો લોકોને મંત્રમુગ્ધ કરતાં હોય છે. તેઓ કહે છે કે, “લોકોને અચંબિત કરી દેવાનું ઝનૂન જ અમને સાહસ કરવા માટે પ્રેરે છે. આમ તો અમારે ખેતીવાડી છે પરંતુ મારા પિતા, ભાઇ, કાકા, મામા બધા જ મારી જેમ કાર રેસલર જ છે. શરૂઆતમાં અમે મોતના કૂવામાં સાઈકલ ચલાવતા હતા, પછી બાઇક અને હવે કાર ચલાવીએ છીએ. એટલે આ અમારું ચાલીસેક વર્ષ જૂનું ખાનદાની વારસાઇ કામ છે. નાનપણથી અમે મોતના કૂવામાં બાઇક કાર ચલાવાના કરતબ કરીએ છીએ.”

કાર રેસલર અબ્દુલભાઇ કહે છે કે, “અમે તામિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ સહિતના તમામ રાજયોના મેળામાં ફરીએ છીએ પરંતુ અમે રાજકોટ જેટલો શ્રેષ્ઠ ચિક્કાર જનમેદની ધરાવતો મેળો અમે ક્યારેય જોયો નથી. અહીં કમાણી તો થાય જ છે પણ સાથોસાથ અમારા સાહસના કૌશલ્યનો બહોળો લોક પ્રતિસાદ અમારા સાહસને પ્રોત્સાહન આપે છે. લોકમેળામાં અમને સૌને સારી એવી આવક થાય છે. ગુજરાન ચાલે છે. આ મેળો અમારા જેવા તમામ કારીગરોને રોજગારીની તક પૂરી પાડે છે. આ મોતના કૂવા માટે ભારતના અલગ અલગ રાજ્યો જેવા કે યુપી, બિહારથી સ્કૂટર ચાલક અને ગાડી ચાલકો આવશે. અને પોતાનું હુન્નર લોકોને દર્શાવશે.”

આ મોતના કૂવાના ‘વંદેમાતરમ’ ટીમના માલિક વાંકાનેરના ઝાકીરભાઇ બ્લોચ છે. તેઓ વર્ષોથી રાજકોટના મેળામાં મોતના કૂવા ચલાવે છે. તેઓ સમગ્ર ગુજરાત અને ભારતભરમાં યોજાતા મેળાઓમાં પણ મોતના કૂવા યોજે છે.

આ મોતના કૂવા માટે બારથી પંદર કારીગરો પણ તે યુપી, રાજસ્થાનથી બોલાવે છે. તેની પૂર્વ તૈયારી માટે રાજસ્થાનના અજમેરથી આવેલ આશિકભાઈ શેખ કહે છે કે, ‘હું છેલ્લા બાર વર્ષથી લોકમેળામાં મોતના કૂવાની પૂર્વ તૈયારીમાં સહભાગી બની રહ્યો છું. મોતના કૂવાને તૈયાર થતા પાંચથી સાત દિવસ થાય છે. એ તૈયાર થાય એ પૂર્વે સરસ રીતે રંગરોગન કરવામાં આવી રહ્યા છે. રાઈડ્સમાં રંગરોગાન કરવાથી લોકો માટે તે આકર્ષણનું કેન્દ્ર બને છે. તેના કારણે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ આ મેળો જોવા આવે છે. મોતના કૂવા સહિતની રાઇડ્સનો સામાન લઈને આવીએ છીએ. અહીં અમને કામ અને રોજગારી બંને મળે છે.’

(પારૂલ આડેસરા, દેવ મહેતા)