ચોમાસાની ઋતુમાં મહારાષ્ટ્રમાં ફરવાલાયક સ્થળો…

ચોમાસાની મોસમ શરૂ ચૂકી છે. મહારાષ્ટ્રમાં સમુદ્રકિનારાના વિસ્તારોમાં અને પહાડી વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી દીધી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદની ઋતુમાં મહારાષ્ટ્રના અમુક સ્થળોએ વરસાદી-કુદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું છે. એવા અમુક સ્થળોનો ઉલ્લેખ કરવો પડે જ્યાંની મુલાકાત લઈને ફરવાના શોખીનો આનંદ માણી શકે છે.

માલશેજ ઘાટ (વોટરફોલ્સ)

મુંબઈ નજીક સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. ટ્રેકિંગ, હાઈકિંગ, બર્ડ વોચિંગ માટેનું સ્થળ.

લોનાવલા અને ખંડાલા

મુંબઈ નજીકના આ ટ્વિન હિલ સ્ટેશન્સ છે. ભુશી ડેમ સહિત નાના-મોટા ઘણા ધોધ અને ઝરણાંમાં નાહવાની મજા કંઈક ઓર જ છે.

મહાબળેશ્વર-પંચગની

લોકપ્રિય ગિરિમથક છે. સહ્યાદ્રી પર્વતમાળામાં વસેલા આ સ્થળને કુદરતે ભરપૂર સૌંદર્ય આપ્યું છે. મહાબળેશ્વરથી 20 કિ.મી. દૂર આવેલા પંચગનીમાં ખીણ અને પહાડોનાં દ્રશ્યો આનંદદાયક છે.

ભીમાશંકર – પુણે

સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલા આ સ્થળે ચોમાસું બેસતાં જ એનું કુદરતી સૌંદર્ય અનેકગણું ખીલી ઊઠે છે. પરિવારોમાં આ સ્થળ લોકપ્રિય છે.

લોહાગઢ કિલ્લો

પુણે શહેરથી નજીક છે. ખાસ કરીને ચોમાસામાં લોકો ટ્રેકિંગ માટે આ સ્થળની ખાસ મુલાકાતે આવતાં હોય છે.

મુલશી ડેમ – પુણે

મુંબઈથી લગભગ ત્રણેક કલાક મોટરમાર્ગે જઈ શકાય છે. મૂળા નદી પર બાંધવામાં આવેલા ડેમ અને તેની આસપાસનાં દ્રશ્યોથી લોકો આકર્ષિત થાય છે.

કર્નાલા

મુંબઈથી લગભગ 80 કિ.મી. દૂર આવેલા આ સ્થળે અનેક ધોધ અને લીલીછમ હરિયાળી લોકોને ચોમાસામાં અહીં મોજમજા કરવા ખેંચી લાવે છે.

ઠોસેઘર ફોલ્સ

મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં આવેલા ઠોસેઘર ગામ નજીક કેટલાક ધોધ આવેલા છે જ્યાં પાણી 20 મીટરથી લઈને 500 મીટરની ઊંચાઈએથી નીચે ખાબકે છે.

ભંડારદારા

પશ્ચિમી ઘાટમાં સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું આ ખૂબ જ શાંતિવાળું હોલીડે રીસોર્ટ સ્થળ છે. અહીંના આર્થર લેક અને રંધા ધોધ પર્યટકોમાં ખૂબ જાણીતા છે.

માથેરાન

મુંબઈની ખૂબ નજીકમાં આવેલું છે અને બળતણવાળા વાહનો ચલાવવાની અહીં મનાઈ હોવાથી પરિવારસહ આ સ્થળનો આનંદ માણવા લોકો અવારનવાર આવે છે. ચોમાસામાં વરસાદી વાદળોથી આ સ્થળ છવાયેલું રહે છે. શાર્લોટ લેક સહિત અહીં 30થી પણ વધુ જોવાલાયક સ્થળો છે.

દુરશેત – ખોપોલી

સહ્યાદ્રી પર્વતમાળાની વચ્ચે આવેલા આ સ્થળે જંગલમાંથી અંબા નદી ખળખળ વહેતી જોવા મળે. ચોમાસામાં આ સ્થળે હરિયાળી છવાઈ જતી હોય છે. રીવર ક્રોસિંગ, રોક ક્લાઈમ્બિંગનાં શોખીનો અહીં આકર્ષિત થાય છે.

કોલાડ

મુંબઈ-ગોવા હાઈવે પર આવેલું છે. કુંડલિકા નદીને કારણે સ્થળના કુદરતી સૌંદર્યને ચાર ચાંદ લાગ્યા છે. નદીમાં વ્હાઈટ વોટર રીવર રાફ્ટિંગની સુવિધા છે.

તાપોલા

મહારાષ્ટ્ર હિલસ્ટેશનથી 25 કિ.મી. દૂર આવેલું સેટેલાઈટ ગામ તાપોલા મિનિ કશ્મીર તરીકે ઓળખાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]