ડૉલર સામે રૂપિયો તૂટ્યોઃ ચિંતાનું કારણ છે કે નહીં?

ડૉલર સામે રૂપિયો તૂટે એટલે ચિંતાજનક સ્થિતિ કહી શકાય. દેશની આર્થિક સ્થિતિ સારી નથી, એમ પણ કહી શકાય. ભારતીય રૂપિયાનું અવમૂલ્યન થાય તો તેની વેપારધંધા અને આયાતનિકાસ પર વિપરીત અસરો પડે છે. જેથી ડૉલર સામે રૂપિયો તૂટતો અટકાવવો જ જોઈએ. ભારત આર્થિક સુધારા કરીને વિકસતો જતો દેશ છે, અને જો રૂપિયો તૂટે તો તેના માટે બરોબર નથી. જો કે આરબીઆઈ રૂપિયો તૂટે નહીં તે માટે ઈન્ટરવેશન કરી રહી છે, અને રૂપિયો સ્થિર રહે તે માટે આરબીઆઈ અને ભારતીય નાણાં મંત્રાલય વધુ સજાગ છે.

વીતેલા સપ્તાહના ગુરુવારે ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલી વાર 69ની સપાટી પાર કરી ગયો હતો, અન 69.10ની ઑલ ટાઈમ લોની સપાટી બનાવી હતી. પણ આરબીઆઈના ઈન્ટરવેન્શનથી રૂપિયો 68.79 બંધ રહ્યો હતો. જે પછી શુક્રવારની ટ્રેડિંગ સેશનમાં રૂપિયો 33 પૈસા વધીને 68.46 બંધ રહ્યો હતો. ચાર ટ્રેડિંગ સેશનમાં ઘટ્યા પછી શુક્રવારે જ રૂપિયો મજબૂત થયો હતો.

રૂપિયો તૂટવા પાછળના કારણો પર નજર કરીએ તો…

–      આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા છે.

–      કરંટ એકાઉન્ટની ડેફીસીટ વધી છે.

–      રીટેઈલ અને હોલસેલ મોંઘવારી દર પણ વધ્યા છે.

–      ભારતીય સ્ટોક માર્કેટમાં એફઆઈઆઈ સતત સેલર રહી છે. 2018ના વર્ષમાં અત્યાર સુધીમાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 46,000 કરોડનું વેચાણ કર્યું છે અને પોતાના દેશમાં તે નાણા લઈ ગયા છે.

–      અમેરિકાએ ભારતને ઈરાનમાંથી ક્રૂડની આયાત બંધ કરવા બંધ કરવા કહ્યું છે, જેથી ક્રૂડના ભાવ વધવાની ભીતિ સેવાઈ રહી છે.

–      રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેના બીજા માસિક ફાયનાન્સિયલ સ્ટેબિલીટી રીપોર્ટમાં બેંકિંગ સેકટરનું ધૂંધળુ ચિત્ર રજૂ કર્યું છે.

–      ઓપેક દ્વારા દૈનિક 10 લાખ બેરલ ક્રૂડનો સપ્લાય વધારવાનો નિર્ણય લીધો છે, તેમ છતાં ક્રૂડના ભાવ સતત વધ્યા છે.

–      ક્રૂડની આયાત ડૉલરમાં થાય છે, જેથી દુનિયાભરમાં ડૉલરની ડિમાન્ડ વધે છે, અને તેને કારણે ડૉલર ઈન્ડેક્સ મજબૂત થાય છે, તેથી રૂપિયો નબળો પડે છે.

–      બોન્ડ માર્કેટમાં પણ યીલ્ડ વધ્યું છે, તેની રૂપિયા પર નેગેટિવ અસર પડી છે.

–      10 વર્ષના બેન્ચમાર્ક બોન્ડનું યીલ્ડ 7.83 ટકાથી વધી 7.87 ટકા થયું છે.

–      અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર છે, જેથી ભવિષ્યમાં ગ્લોબલ ટ્રેડને લઈને ચિંતાઓ વ્યકત થઈ રહી છે.

–      આમ તમામ ફેકટર નેગેટિવ થતાં ફોરેક્સ માર્કેટમાં ભારે ગભરાટનું વાતાવરણ છવાયું હતું.

વીતેલા વર્ષે ડૉલર સામે રૂપિયો 5.96 ટકા મજબૂત થયો હતો. પણ ચાલુ 2018ના વર્ષમાં 7 ટકાથી વધુ રૂપિયો તૂટી ચુક્યો છે.

ગુરુવારે જ્યારે ડૉલર સામે રૂપિયો તૂટ્યો ત્યારે નાણાંપ્રધાન  પીયૂષ ગોયલે કહ્યું હતું કે વધુ ચિંતા કરવાની જરૂર નથી, જરૂર પડશે તો રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જરૂરી પગલા ભરશે. બીજી તરફ વિરોધ પક્ષોએ મોદી સરકારની આર્થિક નીતિની ઝાટકણી કાઢી હતી. પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમબરમે કહ્યું હતું કે આના પછી પણ હજી અચ્છે દિનની રાહ જોવાય છે.

જો કે આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે પોતાના રીપોર્ટમાં ટાંકયું છે કે અમેરિકાનો ડૉલર મજબૂત થતાં વિશ્વની કરન્સી પર પ્રેશર વધ્યું છે, પણ ભારત આવા પાંચ દેશોની યાદીમાં સામેલ છે, જેની કરન્સીને સૌથી ઓછુ નુકશાન થયું છે. મૂડીઝે સ્પષ્ટ જ કહ્યું છે કે ડૉલરની મજબૂતીથી ભારતની ઈકોનોમીએ ચિંતા કરવાની જરૂર નથી. ભારત મોટી બચત દ્વારા સ્થાનિક સ્તર પર ભારતની ઈકોનોમી સારુ પ્રદર્શન કરી રહી છે.

પણ ફોરેક્સ માર્કેટના નિષ્ણાતોના મતે જુલાઈમાં ડૉલર સામે રૂપિયો વધુ તૂટીને 72 સુધી જઈ શકે છે. જો આગામી મહિનામાં એફઆઈઆઈની ભારતીય શેરબજારમાં વેચવાલી ચાલુ રહેશે તો, તેમજ જિઓ પોલિટિકલ ટેન્શન ચાલુ રહેશે તો ડૉલર વધુ મજબૂત થઈ શકે છે. બીજી તરફ ભારતમાં જીએસટી કલેક્શન ધારણા કરતાં ઓછુ થશે તો રૂપિયામાં નબળાઈ આવી શકે છે. બધુ જો અને તો પર છે, પણ રૂપિયો તૂટે તો આઈટી અને ફાર્મા કંપનીઓને ફાયદો થાય છે. અને આયાત કરતાં સેકટરને નુકશાન થાય છે.

ભારત નિકાસ કરતાં આયાત વધુ કરે છે, જેથી રૂપિયાની નબળાઈની અસર ભારતની ઈકોનોમી પર પડે તે સ્વભાવિક છે. તેમ છતાં સરકાર કહી રહી છે કે ‘સબ સલામત’ છે. પણ રૂપિયો તૂટે તે ભારત માટે ચિંતાજનક તો છે જ. આગામી દિવસોમાં આરબીઆઈએ વધુ સતર્કતા રાખવાની જરૂર છે.