ગૂગલને તમારો પીછો કરતાં આ રીતે રોકો

સ્માર્ટફૉનના ફાયદા ઘણાં છે. સેટેલાઇટ સાથે જોડાયેલો હોવાથી તમે લૉકેશન ઑન કરીને ક્યાંય જવું હોય તો ગૂગલમેપમાં સ્થળ શોધી શકો છો. આ જ રીતે, તમે ટૅક્સી પણ બોલાવી શકો છો. તે ટૅક્સી તમારું લૉકેશન જે બતાવે ત્યાં આવી શકે છે. પરંતુ આ એક બેધારી તલવાર છે. જ્યારે તમારે બહાર જવું હોય ત્યારે તમારું લૉકેશન ચાલુ હોય તે બરાબર છે પરંતુ શું તમે ઘરે બેઠા ‘શ્રીકૃષ્ણ’ જોઈ રહ્યા હો ત્યારે શું તમે તમારું લૉકેશન કોઈ ઍપ જાણે તે તમને પસંદ છે?

આ ઍપમાં ગૂગલ સૌથી ચબરાક છે. તે તમારી ભાળ સતત રાખતું રહે છે. તેનું કારણ છે કે તમે જ્યારે સ્માર્ટફૉન લો છો ત્યારે સૌથી પહેલું કામ તમે પ્લેસ્ટૉરમાં કે બીજા બધા માટે ગૂગલના એકાઉન્ટમાં સાઇન ઇન કરવાનું કરો છો. આથી જ્યારે તમે ગૂગલમાં ખાંખાખોળા કરો છો કે ગૂગલ મેપમાં કોઈ સ્થળ શોધો છો ત્યારે તમારી પર સતત તેની નજર રહે છે.

જોકે આ કંપનીએ જ તાજેતરમાં એક નવી લાક્ષણિકતા જાહેર કરી છે. જો તમે ઈચ્છો તો તમે તેણે તમારા વિશે એકત્ર કરેલો ડેટા ડિલીટ ઑટોમેટિક કરી શકો છો. ગૂગલે કહ્યું છે કે આગામી સપ્તાહોમાં આ લાક્ષણિકતા આવી જશે. જો બધા માટે આ વિકલ્પ આવનારા સમયમાં આવી જાય તો તમારે તે ચોક્કસ સ્વીકારવો જોઈએ. આના લીધે તમારા વિશેની દરેક માહિતી, તમારી દરેક હિલચાલનો ડેટા ડિલીટ થઈ જશે.

તમે કહેશો કે તમે ક્યાં નરેન્દ્ર મોદી છો કે તમારી હિલચાલની માહિતી રેકૉર્ડ થાય તો તકલીફ પડવાની છે? આવું નથી. આ માહિતી તમારા બૅન્ક એકાઉન્ટથી માંડીને તમે શું-શું ખાંખાખોળા (સર્ચ) કરો છો, કઈ ફિલ્મ જુઓ છો, કયા પ્રકારનાં રાજકીય વિચારો ધરાવો છો. કેટલી ચીજો ઑનલાઇન ખરીદો છો તે બધું ગૂગલથી લઈને ઘણી કંપનીઓ ધ્યાનમાં લેતી હોય છે.

એસોસિએટેડ પ્રેસનો એક લેખ ગયા વર્ષે આવ્યો ત્યારે ઘણો હોબાળો મચી ગયો હતો. તેમાં એવું જણાવાયું હતું કે જો તમારો “લૉકેશન હિસ્ટરી” સ્વિચ્ડ ઑફ હોય તો પણ ગૂગલ તમારી શારીરિક હાજરી ક્યાં છે તેની વિગતો મેળવી શકો છો. તેનું કારણ એ છે કે ‘web & app activity’ નામના અન્ય ફિલ્ડમાં સેટિંગ છે.

તમારી ‘web & app activity’નો તમારો ડેટા તમારા વિશેની તમામ માહિતી જાહેર કરી દે છે, પછી ભલે તમે તમારું લૉકેશન ચાલુ રાખ્યું હોય કે બંધ હોય. દા.ત. જો તમે તમારા ગૂગલએકાઉન્ટમાંલૉગ ઇન થાય અને તમે આ ફિલ્ડમાંહિસ્ટરીમાંથી ચેક આઉટ કરે તો પણ તમારા વિસ્તાર, તમે જે કંઈ સર્ચ કરો, ગૂગલન્યૂઝમાં તમે જે લેખો, સમાચાર વાંચ્યા હો તે બધો ડેટા ભેગો થાય જ છે.

આ ડેટાને જોવા આવા ફિલ્ડમાં ટ્રેકિંગને તમે મેન્યુઅલી ઑન કે ઑફ કરી જુઓ અને પછી નવી ઑટોડિલીટ લાક્ષણિકતા (ફીચર) માટે જુઓ. આના માટે તમે પહેલાં તમારા ગૂગલ એકાઉન્ટમાં જાવ. પછી “Data & personalization” તમારા ફિલ્ડને જુઓ. પછી ‘Web & App Activity’ અને ‘Location History’ તમને દેખાશે. જ્યારે વિકલ્પ પ્રાપ્ય હોય ત્યારે તમે આ ડેટા ઑટોમેટિકલી ડિલીટ કરવાનો વિકલ્પ જોશો અને તમે એ પણ પસંદ કરી શકો છો કે તે કેટલી વાર થવાનું તમને પસંદ છે.

દરમિયાનમાં, જ્યારે તમે આમાંથી ચૂપચાપ ખસી જાવ છો ત્યારે તમે માહિતી એકત્ર કરવાને ‘પૉઝ’ કરી શકો છો. જો તમે આ લૉકેશન હિસ્ટરીમાં કરશો ત્યારે તમે એક ચેતવણી જોશો કે તેને પૉઝ કરવાથી ગૂગલ સર્વિસનો અંગત અનુભવ મર્યાદિત અથવા ડિસેબલ થઈ જશે. ઑટો ડિલીટનો વિકલ્પ પસંદ કરવો તે સારો વિચાર છે.

આઈ ફૉન પર સેટિંગ્સમાં જાવ, પછી પ્રાઇવસીમાં જાવ. પછી લૉકેશન સર્વિસમાં જાવ. એપલ iOS વપરાશકારોને Never, Always અને While using the Appના વિકલ્પો આપે છે. છેલ્લો વિકલ્પ સારો છે.

શું તમને નથી પસંદ કે ગૂગલમેપ જાણી શકે કે તમે ક્યાં છો? તો તમે આ ઍપ માટે “Never”નો વિકલ્પ પસંદ કરી શકો છો. બની શકે કે તેનાથી તમે નજીકના સ્થળે રેસ્ટોરન્ટ શોધવા માગતા હો તો સાચા વિકલ્પો નહીં મળે. જો તમે તમારા ગૂગલ એકાઉન્ટમાં લૉકેશન હિસ્ટરી ટર્ન ઑફ કર્યું હશે તો તમે તમારા સેટિંગ્સમાં ગૂગલ ઍપ અને અન્ય ઍપને કેટલી અનુમતિ-કેટલા સ્તરની અનુમતિ આપી છે તે તપાસી શકો છો.

ઍન્ડ્રૉઇડમાં ઍન્ડ્રૉઇડ ૯ ચલાવતા પિક્સેલ ૩ તરફથી આ નિર્દેશો આવે છે. આ માટે સેટિંગ્સ ખોલો, security & location ખોલો, પછી location પર જાવ. પછી app level permission જુઓ. ત્યાં તમે કઈ ઍપને તમારા લૉકેશનનો વપરાશ કરવા દીધો છે તેમાં ફેરફાર કરી શકો છો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]