માતાપિતા ચેતજોઃ બાળકોની તસવીરો પોસ્ટ કરતાં પહેલાં જાણી લો…

નવી દિલ્હી– આજના સમયમાં તસવીરો સાથે ચેડાં કરવાના બનાવ અવારનવાર બનતાં હોય છે, અને તસવીરોનો અનેક પ્રકારે દુરુપયોગ થઈ શકે છે ત્યારે સોશિઅલ મીડિયા પર બાળકોની તસવીરો પોસ્ટ કરતાં પહેલાં માતાપિતા સાવધાન થઈ જાય એ જરૂરી છે. માત્ર મિત્રો સાથે આનંદ વહેંચવાની લાગણીમાં આવી જઈ બાળકની જાતજાતની તસવીરો મોબાઈલ દ્વારા સોશિઅલ મીડિયામાં ન મૂકવાની સલાહ તો જાણકારો આપતા હોય છે છતાં અવારનવાર અણધાર્યા બનાવો બનતાં હોય છે.

માટે નિષ્ણાતો દ્વારા માતાપિતા માટે બાળકોની ખાસ દસ પ્રકારની તસવીરો તો સોશિઅલ મીડિયા પર મૂકવાની બિલકુલ મનાઈ કરે છે. એ દસ ચેતવણી આ રહી…

  1. સ્તનપાન કરાવતી તસવીરોઃ આજના સમયમાં (બ્રેસ્ટ-ફીડિંગ) સ્તનપાન પ્રત્યેની જાગૃતિ અનેકગણી વધી હોવા છતાં લોકોને પ્રેરિત કરવા કે એવા કોઈ ઉદ્દેશથી બાળકને સ્તનપાન કરાવતી તસવીરો સોશિયલ મિડિયામાં પોસ્ટ કરવાની લાલચથી દૂર રહેવું. આવી તસવીરોનો ખરાબ વિડિયો બનાવવા માટે ઉપયોગ પણ થઈ શકે છે.

  1. બાળકની નિર્વસ્ત્ર તસવીરોઃ નાનાં બાળક વસ્ત્ર વગર પણ ખૂબ વહાલાં લાગતા હોય છે. વસ્ત્ર વગરનાં બાળકો ન્હાતાં કે સૂતાં જોઈ સામાન્યરીતે આપણે વહાલની લાગણી થાય, પરંતુ બાળકની આવી તસવીરો પોસ્ટ કરવી સલાહભરી નથી. સ્વાભાવિક રીતે જ આવી તસવીરોનો દુરુપયોગ થવાની શક્યતા ખૂબ વધારે છે. અને બાળકો પણ મોટા થઈને જ્યારે એ તસવીરો જુએ ત્યારે એ શરમ અનુભવે છે.

  1. આંતરવસ્ત્ર દેખાતી હોય એવી તસવીરોઃ બાળકો તો મુક્તમને રમવા ટેવાયેલા હોય એટલે ગાર્ડનમાં રમવા મળે ત્યારે તેઓ ઊડતાં વસ્ત્રોની ચિંતા કર્યા વગર કૂદાકૂદ કરવા લાગે. એવા સમયે તસવીરો લેવામાં ઘણીવાર ખરાબ લાગતી તસવીર પણ ખેંચાઈ જાય છે, જેમાં બાળકોનાં આંતરવસ્ત્રોને સંપૂર્ણ જાંઘ દેખાતા હોય, ખાસ કરીને લસરપટ્ટી કે હિંચકે હિંચવામાં વસ્ત્રો ઊંચાં ઊડવાથી આમ બનતું હોય છે. આવી તસવીરો સોશિઅલ મીડિયામાં મૂકવાની ભૂલ બિલકુલ ન કરવી.

 

  1. તરુણાવસ્થાની ઉજવણીની તસવીરોઃ ભારતમાં, ખાસ કરીને દક્ષિણ ભારતમાં તરુણાવસ્થામાં પ્રવેશને દમામ સાથે ઉજવાય છે. આવા પ્રસંગે તરુણીના શરીરની તસવીરો લેવાતી હોય છે. માતાપિતાએ ખાસ ધ્યાન રાખવું કે તરુણીના શરીરને અયોગ્ય રીતે દર્શાવી શકે એવી તસવીરો ન લેવાય. આવી તસવીરોનો ઓનલાઈન લોભામણી સામગ્રી તરીકે ઉપયોગ થઈ શકે છે.

  1. ન્હાતાં બાળકની તસવીરોઃ બાળકને મસ્તી સાથે ન્હાતાં જોવો એક લ્હાવો હોય છે, પણ આવી મસ્તીભરી ક્ષણોને તસવીરમાં કેદ કરવાની કે એવી તસવીરોને અન્ય સાથે વહેંચવાની ભૂલ ન કરવી.

  1. અર્ધવસ્ત્રોમાંની તસવીરોઃ નાનાં બાળકો કે તરુણ બાળકોની અડધા વસ્ત્રોમાં કે માત્ર આંતરવસ્ત્રોમાં તસવીર લેવાની લાલચ ન કરવી, એવી તસવીરો કોઈએ ખેંચી હોય તો પણ એને અન્ય કોઈ સાથે વહેંચવી નહીં ને બને તો ડિલિટ કરાવી દેવી.

  1. સૂતાં બાળકની તસવીરઃ બાળકની સૂતી તસવીરો સાથે પણ સરળતાથી ચેડાં થઈ શકે છે એટલે એવી તસવીરો પણ સોશિઅલ મીડિયા પર વહેતી ન મૂકવી.

  1. બાથરૂમની તસવીરોઃ બાળકની શૌચક્રિયા કે બાથરૂમમાંની મસ્તી વખતે તસવીરો લેવાની લાલચ થઈ આવે તો પણ આવી તસવીરો લોકો સાથે વહેંચવાની ને બને તો ખેંચવાની જ ભૂલ ન કરવી.

  1. વસ્ત્રો સાથે અડપલાં કરતી તસવીરોઃ બાળક વસ્ત્રો પહેરતાં કે કાઢતાં ઘણી મસ્તી કરતા હોય છે એવા સમયે અડધા ઊઘાડાં ને અડધાં ઢાંકેલા શરીરની તસવીરો આપણને લાડભરી લાગે પણ એનો સહજતાથી દૂરુપયોગ થઈ શકે છે એ વાત ન ભૂલવી.

  1. બાળકોને ન ગમતીઃ ઘણીવાર બાળક પોતે તસવીર ખેંચાવવા ન માગતું હોય એ બાબત ધ્યાનમાં રાખવી ને બાળકની ઈચ્છાને માન આપવું. બાળકને જ્યારે એની તસવીર ખેંચાય એ ન ગમતું હોય ત્યારે એની તસવીરો ન ખેંચવી.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]