૯૨મા જન્મદિવસે બક્ષીબાબુને એમના ‘યાર બાદશાહો’ નું નજરાણું…

સાંસ્કૃતિક ઘર ‘બક્ષીનામા’ નો આગાઝ : ગુજરાતી સાહિત્યના બેમિસાલ બક્ષીબાબુને કોઈ જ પ્રકારની સરકારી કે કોર્પોરેટ સહાય વિના ‘યાર બાદશાહોનું” પ્રેમભર્યું નજરાણું

ભારતમાં પ્રથમ વાર બનવા જઈ રહેલી એવી ઘટના કે જેમાં લેખકના ચાહકો – વાચકો આજદિન સુધી ના થયેલા કાર્યનું બીડું ઝડપ્યું છે.આ અદ્ભુત કામમાં નાનામાં નાના કામદારથી લઈને તમામ વર્ગ,સમુદાયના પ્રેમ,લાગણી,ચાહના થાકી શક્ય બન્યું છે. બક્ષીબાબુ પ્રત્યેનો તેમના ચાહકો-વાચકોનો પ્રેમ બેમિસાલ છે.

વાચકો પોતાના પ્રિય લેખકના માન,સન્માન અને આદર માટે સાંસ્કૃતિક ઘરનો જીર્ણોદ્ધાર કરી તમામ માટે ખુલ્લુ મૂકી રહ્યા છે, જેમાં કોઈ જ પ્રકારની કોર્પોરેટ એડ સંસ્થાઓ કે સરકારી સહાય કે સહકાર લેવામાં નથી આવ્યો. માત્ર અને માત્ર વાચકો થકી જ આખું અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે.

હા વાત છે પાલનપુર (બનાસકાંઠા) ના વતની એવા આપણા સહુના યાર બાદશાહ ચંદ્રકાંત બક્ષીની. જેઓએ બાળપણ જે ઘરમાં ગાળ્યું અને ઉછેર્યા. જે ઘર સાથે એમના પરિવારની યાદો જોડાયેલી છે. ૧૫૦ ઉપર પુસ્તકો લખી સાહિત્યની અને પાઠકોની સાચા અર્થમાં સેવા કરી છે. એક ઊંચા ગજાના લેખક કે જે કોઈ જ પ્રકારની તુલના કે ઈલ્કાબોનો મોહતાજ નથી. લેખકના લેખનને કોઈ જ જાતિ,ધર્મ,સંપ્રદાય સાથે લેવાદેવા નથી હોતું, લેખક લેખક જ હોય છે તે સાચા અર્થમાં બક્ષીબાબુએ પુરવાર કરી બતાવ્યું છે. આ સહિયારી મુહિમમાં જે વાચકોનો અપ્રતિમ સહયોગ અને સાથ આપી અત્યંત આધુનિક બાંધકામ સાથે બક્ષીબાબુના સાહિત્યથી માંડી યાદગાર વસ્તુઓ અને ઘણુંબધું ટેકનોલોજી સાથે જોડાણ કરવાનું આયોજન ખરેખર સરાહનીય છે.

આ સફરની શરુઆત કેવી રીતે થઈ તેની જલક હિતેશભાઈ પટેલના શબ્દોથી રુબરુ થઈએ…

ખોડો લીમડો, આ શબ્દ વાંચતાની સાથે જ ચંદ્રકાન્ત બક્ષીને વાંચનાર વાચકના મગજમાં બક્ષીનામા માં કરવામાં આવેલ બક્ષી સાહેબના બાળપણની યાદો તાજી થઈ જાય. મારા માટે પણ એવું જ કંઈક થયું. વાત છે વર્ષ ૨૦૧૮ ની સ૨કા૨ી નોકરીના કા૨ણે પાલનપુર પોસ્ટીંગ થયું. સ્કૂલ સમયે અને કોલેજ સમયે બક્ષીસાહેબને મે વાંચેલા અને આજ પર્યંત સાહેબને વાંચવાનો ક્રમ જળવાયેલો છે. હવે તો પુસ્તકોનું પુનરાવર્તન કે પરીક્ષાના સંદર્ભમાં કહીએ તો રિવિઝન થઈ રહ્યું છે. પરંતુ ૨૦૧૮ માં પાલનપુર જતા જ ચંદ્રકાન્ત બક્ષી નામ મગજમાં સતત ચમકયા કરતું હતું. બક્ષીનામા માં ખોડા લીમડામાં આવેલ તેમના મકાનના વર્ણનનું શબ્દ ચિત્ર મગજમાં જીવંત હતું. મારા સ્ટાફમાં રહેલા સહ કર્મચા૨ીઓને બક્ષીસાહેબ અને ખોડા લીમડા વિશે અવાર નવાર પૂછતો અને બધા કહેતા કે હા બક્ષી સાહેબનું મકાન ખોડા લીમડા વિસ્તારમાં આવેલું છે. પરંતુ કામની વ્યવસ્થતાને કા૨ણે જઈ શકાયું નહીં. અચાનક એક દિવસ રાત્રે એક મિત્ર સાથે પાલનપુરમાં વાત થતાં તેમને બક્ષી સાહેબના ચાહક એવા શ્રી હિદાયતભાઈની મુલાકાત કરાવી અને ત્યાંથી આ આખી સફરની શરૂઆત થઈ. રાત્રે ફોન ઉપર વાત થઈ બીજા દિવસે સવારે જ હિદાયતભાઈના બાઈક ઉ૫૨ જુના નવાબી પાલનપુ૨ની સફરે અમે નીકળ્યા અને પહોંચ્યા ખોડા લીમડા વિસ્તારમાં, મારા માટે આ ક્ષણ એક રોમાંચથી ઓછી ન હતી. બક્ષીસાહેબના મકાનની તપાસ કરતાં કરતાં અમે પહોંચ્યા બક્ષીવાસમાં અને પડોશીને પૂછતાં ખબર પડી કે આ બંધ, જુનું અને તદન ખંડેર થઈ ગયેલ મકાન એ બક્ષીસાહેબનું છે. મગજ તાત્કાલિક બક્ષીનામા ના વાંચનથી મગજમાં ઉદભવેલ શબ્દચિત્ર અને સામે રહેલ વાસ્તવિક ચિત્ર વચ્ચે તા૨ મિલાવવા લાગ્યું. તરજ જ શોધખોળ ચાલુ થઈ કે આ મકાન કોનું છે, કોણ માલિક છે, સ૨કા૨ી રેકર્ડમાં કોના નામે છે, ખરેખર આજ બક્ષી સાહેબનું મકાન છે, અસંખ્ય પ્રશ્નો સામે આવી ગયા, છેવટે હાલમાં આવેલ મકાનની ઓસરીમાં પડેલ લાઈટ બીલ જેના ૫૨ નામ હતું ચં.ચી. મહેતા. પડોશીઓ સાથે પૂછપરછ થયા પછી મકાનના માલિક કોણ છે અને કયાં રહે છે તેની કોઈ જાજી માહીતી ન મળી શકી. અમો મકાનના ફોટા પાડી ત્યાંથી વિદાય લીધી. મિત્ર હિદાયતભાઈએ સોસીયલ મડીયા પર મકાનના ફોટા મૂકી બક્ષીસાહેબના મકાનની દુર્દશા વિશે વાત લખી અને જેના કારણે આવી રીવાબેનની કોમેન્ટ, ત્યારથી બક્ષીસાહેબના પુત્રી રીવાબેન સંપર્કમાં આવ્યા. રીવાબેન સાથે ટેલીફોનીક વાતમાં જાણવા મળ્યું કે આ મકાન વર્ષો પહેલાં તેમના કાકાએ વેચાણ આપી દીધેલ હતું. બક્ષીસાહેબને આ મકાનથી ખૂબ જ લગાવ હતો તેવું પણ રીવાબેને જણાવ્યું. આ મકાનની સાચવણી થાય, માવજત થાય અને તેને રીસ્ટોર કરી એક સ્મારક બનાવવું જોઈએ તેવો વિચાર મારા મનમાં ઉદભવ્યો અને તે દિશામાં કામ શરૂ કર્યું.

૨૦૧૮ પછીના વર્ષોમાં સ૨કા૨ી રેકર્ડની શોધખોળ કરી તેના મુળ માલિકની શોધખોળ આદરી અને અંતે મુંબઈ ખાતે રહેતા મકાન માલીકના ફોન નંબર અને એડ્રેસ મળ્યા તે પહેલાં આ મકાનમાં સ્મારક બનાવવા કલેકટરશ્રીને પણ મળવાનું થયું. પરંતુ ચોકકસ કઈ દીશામાં આગળ વધવું તે નકકી થઈ ના શકયું અને અંતે વિચા૨ કર્યા કે એક સ્મૃતિ ટ્રસ્ટ બનાવીએ અને ટ્રસ્ટમાં બક્ષી સાહેબના ચાહકો અને વાચકોને ટ્રસ્ટી તરીકે લઈ ટ્રસ્ટીઓના પોતાના ફંડમાંથી મકાન ખરીદી લેવું. ટ્રસ્ટના નામે મકાન ખરીદી તેનું રીસ્ટોરેશન કરી ત્યાં કાયમી માટે સાચવણી થાય અને બક્ષી સાહેબનું સ્મારક બને તેવું નકકી કર્યું.

મકાનના માલીક પાસેથી મકાન ખરીદી તેને વેચાણ લેવાની વાત ટ્રસ્ટીઓ સાથે કરી અને અંતે ‘શ્રી ચંદ્રકાન્ત બક્ષી સ્મૃતિ ટ્રસ્ટ” નામે ટ્રસ્ટની નોંધણી કરવી અને બક્ષીસાહેબ જે મકાનમાં બાળપણ પસાર કયું હતું અને જે મકાન અન્યને વેચાણ થઈ ગયેલ હતું તે પરત લઈ દસ્તાવેજ પણ કરી લીધો. આજે આ મકાન પરત મળી ગયું છે અને આગામી સમયમાં આધુનીક ટેકનોલોજી દવારા તેની જાળવણી થાય તે દિશામાં પ્રયત્નો શરૂ કર્યા છે. એક વાચક તરીકે બક્ષીસાહેબના “યાર બાદશાહ” તરીકે હું રીવાબેનનો પણ આભાર માનીશ. કેમકે ટ્રસ્ટની નોંધણી માટે બક્ષી સાહેબના વા૨સ ત૨ીકે તેઓનું એન.ઓ.સી. લેવા માટે તેમને રૂબરૂ મળવાનું થયું. રીવાબેન સાથેની એ પ્રથમ મુલાકાત હંમેશા યાદગાર રહેશે. તેઓએ તેમના ડેડીને આ મકાન માટે કેટલો પ્રેમ અને લગાવ હતો તેની પણ વાત કરી અને ખૂબ જ લાગણી થી આભાર પણ માન્યો. સ્મારકના નિર્માણ માટે પણ તેઓએ તેમના વિચાર રજૂ કર્યા છે. જે ભવિષ્યમાં રીનોવેશન પણ તેઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. રીવાબેન બક્ષી સાહેબની કેટલીક અમૂલ્ય વસ્તુઓ જેવી કે ડાયરી, પેન અને અન્ય વસ્તુઓ સ્મારકમાં મુકવાની ઈચ્છા વ્યકત કરી છે.

આ રીતે ખોડા લીમડા શબ્દથી શરૂ થયેલી સફર, શોધખોળ, પૂછપરછ અને નાના સંઘર્ષના અંતે બક્ષી સાહેબ માદરે વતન પાલનપુરના મકાનની ખરીદી થતા પૂર્ણ થઈ. રીવાબેન કહે છે તમે વાચકોએ જે કર્યું છે તેના માટે આભાર શબ્દ ખૂબ નાનો છે, પરંતુ બક્ષીસાહબે વાચકો અને ગુજરાતી સાહિત્યને જે આપ્યું છે તેની સામે આ કશું જ નથી અને અંતે કહીશ કે બીસાહેબના ”યાદબાદશાહો” તેમના માટે આટલું પણ ના કરી શકે. બાકી વિશેષ વાચક લેખકનો રૂણ સ્વિકાર ક૨વા બીજુ શું કરી શકે.

(હિતેશ પટેલ)