નોટ આઉટ @ 99 : પ્રકાશચંદ બંસલ

99 વર્ષની ઉંમર, ગૌર વાન, છ ફુટનું કસાયેલું શરીર અને ભક્તિ-ભાવમાં ડૂબેલું જીવન એટલે મુંબઈના પ્રકાશચંદ બંસલ! આવો તેમની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ આગ્રામાં. પિતાનો ટેક્સટાઇલ્સનો ધંધો. તેમને એક ભાઈ અને એક બહેન, તેઓ સૌથી નાના. 7 કાકાઓ અને પિતરાઈ ભાઈઓ સાથેના મોટા સંયુક્ત કુટુંબમાં તેઓ રહેતા. આગ્રાથી મેટ્રિક પાસ કર્યું અને તરત તેમણે હોઝીયરી-યુનિટનું કામ સંભાળ્યું. તેઓ અવારનવાર મુંબઈ માલ વેચવા આવતા. કાયમ વસવાટ માટે તેમણે મુંબઈ પસંદ કર્યું. ધંધાના કામ માટે મુંબઈ-કલકત્તા વચ્ચે વ્યવહાર ચાલુ રહ્યો.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

ધંધામાંથી 65 વર્ષે નિવૃત્તિ સ્વીકારી. ધાર્મિક સત્સંગ-પ્રવચનમાં ઘણો રસ. સાત દિવસની પૂરી ભાગવત-કથા તેમણે 50થી પણ વધુ વાર સાંભળી હશે! સવાર-સાંજ ટીવી ઉપર ધાર્મિક-પ્રોગ્રામ જુએ. ટીવી પર સત્સંગ કરે. થોડાં વર્ષો પહેલાં સુધી જાતે ડ્રાઇવ કરી સત્સંગ માટે જતા! 6:00 વાગે ઊઠે, પાંચ વાર હનુમાન-ચાલીસા કરે. બેઠા-બેઠા થોડી કસરત કરે. સાત વાગ્યે તૈયાર થઈ ચા-નાસ્તો કરે, છાપુ વાંચે અને પછી થોડો આરામ કરે. 10:00 વાગે ફરી એકવાર ચા અને ટીવીના પ્રોગ્રામ. 1:00 વાગ્યે જમે, અઢી વાગ્યા સુધી સમાચાર જોઈ અને થોડો આરામ કરે. 5:00 વાગ્યે ઊઠી અને બીજી વાર સ્નાન કરે. સૂર્યાસ્તના દર્શન કરે અને થોડી કસરત તથા પૂજા કરે. ઘરનાં માણસો સાથે વાતોચીતો કરે. 8:00 વાગે જમી અને ટીવી પર સમાચાર જોતા-જોતા 10:00 વાગે સૂઈ જાય.

શોખના વિષયો : 

ખાવાનો અને ખવડાવવાનો શોખ. પોતે સાદુ જમે. મીઠાઈ અને ચટપટી ચટણીઓ ગમે. નાની ઉંમરમાં અખાડામાં જતા, પાંચ-સાત કિલોમીટર ચાલતા એટલે તબિયત ઘણી સારી. જુવાનીમાં પિક્ચર જોતા, સેહગલના પિક્ચર વધુ ગમતા. દારાસિંગની કુસ્તી પણ જોતા! કલકત્તાના મહેમાનોને શૂટિંગ જોવા લઈ જતા! લોકોને મળવાનું બહુ ગમે. પુત્ર, પૌત્રો અને પ્રપૌત્રો યુ.એસ.એ. છે એટલે ચાર વાર ત્યાં ફરી આવ્યા છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત હવે થોડી ઢીલી થઈ છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ડાયાબિટીસ કંટ્રોલમાં છે. ઘરમાં વોકરથી ચલાય છે. બહાર જવાનું ઓછું થાય છે, પણ પહેલાંનું કસાયેલું શરીર છે એટલે કોઈ વધુ તકલીફ નથી.

યાદગાર પ્રસંગ:  

તેમનો મોટો દીકરો ભણવામાં હોશિયાર. યુ.એસ.એ. જઈ, સ્કોલરશીપ ઉપર, પી.એચ.ડી. અને એમ.બી.એ. કર્યું! ધંધાદારી કુટુંબનો મોટો દીકરો જાતે યુ.એસ.એ.જઈ આટલું ભણે એ તેમના માટે બહુ ગૌરવની વાત છે!

તેમના લગ્નજીવનના 50 વર્ષની ઉજવણી પછી થોડા સમયમાં પત્નીનું અવસાન થયું. તેમણે આ ખોટ સાહજિકતાથી લીધી. “આટલો જ સાથ હશે” તેમ કહીને તેને સ્વીકારી. પત્નીની યાદ આવે અને કમી પણ અનુભવાય, પરંતુ ક્યારેય જાહેરમાં આ વાતનું વિવરણ કરે નહીં. તેમનું સ્ટ્રેસ લેવલ ઝીરો છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

નવી ટેકનોલોજીનો બિલકુલ ઉપયોગ કરતા નથી અને હવે ઇન્ટરેસ્ટ પણ નથી. જોકે ચંદ્રયાન અને એવી બીજી ઘણી બધી ટેકનિકલ માહિતી રોજ સમાચારોમાં આવે એટલે તેમને ખબર છે, પણ ધર્મમાં રસ વધુ છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

આગ્રાથી મુંબઈ આવ્યા એ મોટો ફેર! મોટો દીકરો મુંબઈથી યુ.એસ.એ. જઈ સ્થાઈ થયો તે બીજો મોટો ફેર. એક આનામાં કેટલું બધું મળતું તે હજુ યાદ આવે છે! રોડ પર કેટલાં વાહનો થઈ ગયાં! કેટલાં ઊંચાં-ઊંચાં મકાનો! ક્યાંય મોકળાશ નહીં! પહેલા આત્મીયતા હતી, લોકોને મળવાનું થતું. હવે કોઈની પાસે સમય નથી! બધાં બીઝી છે, પણ શેમાં બીઝી છે તે કોઈને ખબર નથી!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

તેમને બે દીકરા અને એક દીકરી છે. છ પૌત્ર-પૌત્રી છે, (ચાર યુ.એસ.એ.માં) આઠ પ્રપૌત્ર-પ્રપૌત્રી છે (છ યુ.એસ.એ.માં). યુવાનો સાથે વાત કરવી તેમને ગમે છે. જૂની વાતો અને અનુભવો યાદ કરી યુવાનોને સંભળાવે. સાંભળવાની થોડી તકલીફ છે, પણ કોમ્યુનિકેશન બહુ સરસ છે. કલાકો સુધી વાત કરી શકે છે! તેમની સાથે વાત કરનારને તો બોલવાનો ચાન્સ પણ ન મળે! વિચારધારા ન મળે તો તરત વાતનો વિષય બદલી લે પણ સામેનાને ઓફેન્ડ કરે નહીં!

સંદેશો :  

આ દુનિયામાં દરેક વસ્તુ ભગવાનની મરજીથી જ થાય છે. હરિ-ઈચ્છા બળવાન છે. વિચારધારા શુદ્ધ રાખો અને કર્મ કરો. સુખમાં અને દુઃખમાં ખુશ જ રહેવું! ગમે તેટલી વિપત્તિ આવે, વિચલીત ન થવું. બધું જ સ્વિકારી લો! Just accept!!