નોટ આઉટ @94: ચંદ્રિકાબહેન મશરૂવાલા

અમદાવાદના X-મેયર પ્રેમચંદભાઈ શાહના પુત્રી ચંદ્રિકાબહેને ૨૦ વર્ષની ઉંમરે 1949ની સાલમાં સામેના ઘરમાં રહેતા પોપટલાલ(પ્રેમેશ) સાથે પ્રેમલગ્ન કર્યા! ચંદ્રિકા-પોપટલાલ એટલે “ચંપો”ના હુલામણા નામે ઓળખાતા યુગલે લાંબુ,સુખી અને પ્રેમાળ દાંપત્ય જીવન ભોગવ્યું! ચંદ્રિકાબહેનની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :

ચંદ્રિકાબહેનનો  જન્મ અમદાવાદ,ધનાસુથારની પોળમાં.પિતા એડવોકેટ, ગવર્મેન્ટ-પ્લીડર અને અમદાવાદના એક વખતના મેયર.  સુખી, સંસ્કારી કુટુંબ. ચંદ્રિકાબહેન  સાંકડીશેરીમાં આવેલી Girls’ Own Highschoolમાં ભણ્યાં. 2010માં પતિનું અવસાન થયું. પતિને વેપારમાં તકલીફ આવી ત્યારે બંગલો વેચી બેંકનું દેવું ભર્યું. લગભગ 50 વર્ષથી સોનુ પહેરવાનું છોડી દીધું છે! એક દીકરો(અમેરિકા) અને બે દીકરીઓ(વડોદરા, મુંબઈ) છે. દીકરીઓ-જમાઈ અને દીકરો-વહુ બહુ ધ્યાન રાખે છે. અમદાવાદમાં હોય ત્યારે ભાઈ પણ ધ્યાન રાખે અને બહેન રોજ મળવા આવે!

નિવૃત્તિની પ્રવૃત્તિ :

સવારે વહેલાં ઊઠી, નાહી-ધોઈને માળા ફેરવે, ભગવાનનું નામ લે. સંસ્કાર ટીવીમાં દર્શન કરે અને પછી છાપુ હાથમાં લે. ચશ્મા વગર છાપુ અને પૂર્તિ આખે-આખા વાંચી જાય! કોઈ મંદિર લઈ જાય તો દર્શન કરવા જાય. જમીને થોડો આરામ કરે. પછી લાઈટ નાસ્તો કરે. ચા પીતાં નથી પણ કોફીનો શોખ છે. પછી જનકલ્યાણ કે બીજાં પુસ્તકો વાંચે. રાત્રે ટીવી પર “તારક મહેતા” અને “સાંઈબાબા” જેવી ગમતી સિરીયલો જુએ.

શોખના વિષયો :   

ગાંધીવાદી કુટુંબમાં ઉછર્યાં છે, લગ્ન સુધી ખાદી જ પહેરતાં. નવરા હોય તો વાંચે, ભગવાનનું નામ લે પણ ગામ-પંચાતમાં સમય બગાડે નહીં. સાસરીમાં અને પિયરમાં બંને ઠેકાણે મોટાં, વળી સ્વભાવ જ એવો કે બધાં માન આપે!. પહેલા ફરવાનો શોખ હતો,ચારધામની જાત્રા કરી છે. પતિ શીઘ્ર-કવિ હતા. વડીલોની “ઉમંગ” સંસ્થામાં વર્ષો સુધી એક્ટિવ હતા. નાટકો ભજવતા. રાજ કપૂર, જોની વોકર અને “ખિલોના”ના  સંજીવ કપૂરનું પાત્ર તેમણે ભજવ્યું હતું. પતિને રાજ કપૂરના ગીત “બરસાતમેં તુમસે મિલે હમ” માટે ચંદ્રિકાબહેને નરગીસ બનીને, છત્રી લઈને સાથ આપ્યો હતો! પોપટભાઈની કવિતા ગણગણે છે:

નિજ છતાં એ દૂર છે, પિયાનો એ વાસ,

કરે પ્રીતમ એ વિચાર, જાઉં કેમ પાસ?

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

તબિયત સારી છે. મનોબળ મજબૂત છે, દરેક વાતમાં ચોક્કસ! ઘરમાં સફાઈ જોઈએ! દાંત નથી, પણ બધું ખવાય છે. ગળ્યું ખાવાનું ભાવે છે. ખાવા-પીવામાં બહુ સાચવે છે. બીપીની સામાન્ય દવા લે છે. વર્ષોથી રોજ સવારે પલાળેલી મેથી લે છે અને શિયાળામાં ગુંદરની પેઠ ખાસ ખાય છે. એક ઘૂંટણનું ઓપરેશન કર્યું છે, પણ ઘરમાં સરસ રીતે ચાલી શકે છે, દાદર ચડી શકે છે. બંને આંખે મોતિયા ઊતરાવી લીધા છે. સાંભળવાની થોડી તકલીફ છે. વાળ કાળા છે અને ક્યારેય કલર કરતા નથી!

યાદગાર પ્રસંગો :

પતિ-પત્ની એકવાર સ્કૂટર પરથી લપસી ગયાં. ચંદ્રિકાબહેનને ઘણું વાગ્યું, જયારે પોપટભાઈને થોડુંક જ વાગ્યું હતું, પણ પોપટભાઈએ બૂમાબૂમ કરી મૂકી! ઘેર આવીને ચંદ્રિકાબહેનને પોપટભાઈની જ સેવા કરવી પડી! મિત્ર બાબુભાઈ તેમને “પકોડી પહેલવાન” કહી મશ્કરી કરે!

મહાગુજરાતની ચળવળ વખતે બળવાખોરોનું  એક મોટું ટોળું ધનાસુથારની પોળના ઘેર આવ્યું અને ઘરનો બધો સામાન બહાર કાઢીને સળગાવી દીધો! ચંદ્રિકાબહેનને તે ઘટના હજુ યાદ છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

નવી ટેકનોલોજી ખાસ વાપરતાં નથી. ટીવી જોવાનું ગમે છે. દેશ-વિદેશમાં રહેતાં પુત્ર-પુત્રીઓ તથા પૌત્ર-પૌત્રીઓ સાથે ફોનથી(ફેસટાઈમથી) વાત કરે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?  

જૂનો અને નવો બંને જમાનો ભોગવ્યો છે તેનો તેમને આનંદ છે. પહેલાના લોકો શાંત, માયાળુ અને જતું કરે તેવા હતા. અત્યારના લોકો તુમાખીવાળા હોય છે, કઈ જતું કરે નહીં, પોતાનો જ કક્કો ખરો કરે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?

નાની દીકરીને ઘેર હોય ત્યારે ચાર પેઢી સાથે રહે છે! પુત્રી-જમાઈ-દોહિત્રો-દોહિત્ર-વધૂઓ-બાળકો તેમને સરસ રીતે રાખે છે. મોટી દીકરીને ઘેર દીકરી-જમાઈ પણ બહુ સાચવે છે. કુટુંબનાં યુવાનો, દીકરા-દીકરીનાં મિત્રો વગેરે સાથે સારું ફાવે છે. મહેમાનની આગતાસ્વાગતા કરવી ગમે. તેઓ યુવાનોને ક્યારેય સલાહ આપતા નથી તેથી યુવાનોને તેમની સાથે ફાવે છે.

સંદેશો :

“ચાલશે” “ફાવશે” “ભાવશે” અને “ગમશે” આ ચાર જાદુઈ મંત્રોથી  જીવનમાં સુખી થશો! કોઈને કંઈ કહેવું નહીં. જેમ કરવું હોય તેમ કરવા દેવું. આપણે કોઈની આંતરડી ઠારી હોય તો ભગવાન આપણી આંતરડી ઠારે!