નોટ આઉટ@ 87: બિમલાબેન

યુવતીઓને શરમાવે એટલી તાજગીથી સમાજસેવાનું કામ કરતાં ૮૭ વર્ષનાં જાજરમાન ગુજરાતી-પંજાબી મહિલા બિમલાબેનની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

પંજાબથી સ્થળાંતર કરી, કચરિયા પોળમાં, સ્થિર થયેલા વણિક કુટુંબમાં જન્મ. પાંચ બહેનો, તેઓ સૌથી મોટાં. અમદાવાદ કોન્વેન્ટમાં શાળાનો અભ્યાસ. બાળપણથી સાહસ અને સમાજસેવા ગમે. કિશોર ઉંમરે બાળ-પુસ્તકાલય શરૂ કર્યું! બિમલાબેનને કોલેજમાં ભણવું હતું. પિતા ભણેલા નહીં, પણ કોઠાસૂઝ ઘણી. પિતાની જાતજાતની શરતો સ્વીકારી બિમલાબેને ગુજરાત કૉલેજમાંથી બી.એ., ફરીવાર બી.એ., એમ.એ. અને આગળ ઘણો અભ્યાસ કર્યો.

બે-વર્ષની બેબીને કુટુંબ પાસે મુકીને એક્સપેરિમેન્ટલ ઇન્ટરનેશનલ લિવિંગમાં બે મહિના અમેરિકા ગયાં! પરફોર્મન્સ જોઈ તેમને અહીંની વીંગના અધ્યક્ષ બનાવ્યાં! પોતાને બે દીકરી, એક દીકરો. વિકાસગૃહની ભાઈ વિનાની  દીકરીઓ પાસે 14 વર્ષ પોતાના દીકરાને રાખડી બંધાવી! અમદાવાદની પ્રતિષ્ઠિત મહિલાઓ સંચાલિત  ગુજરાત સારવાર મંડળ અને  ભગિની-સંસ્થા અમદાવાદ સારવાર મંડળમાં જોડાયાં. ૮૧ વર્ષે તમને આ સંસ્થાના પ્રેસિડેન્ટ બનાવ્યાં. સમૂહ-લગ્નો, ઘરડાં-ઘર, અનાથાશ્રમ, ગાંડાની  હોસ્પિટલ, રક્તપિતની હોસ્પિટલ, અંધશાળા….. જ્યાં જાય ત્યાં ગીતો ગાતાં, આનંદ કરાવતાં કામ કરે! “મારે ઘેર આવો કાન્હજી, મીઠી મીઠી બંસી બજાઓ કાન્હજી!” સમાજ-સેવાનું કોઈ ક્ષેત્ર છોડ્યું નથી!

નિવૃત્તિની પ્રવૃત્તિ :

રાત્રે નવ વાગે સૂઈ સવારે પાંચ વાગે ઊઠે. રામદેવના યોગ કરે. વાંચન-પૂજા (અંબાજીનાં ભક્ત) કલાકેક ચાલે. વહેલા જમી લે. આરામ કરી નીચલા-વર્ગનાં બાળકોને ભણાવે. એકવાગ્યે ફળ ખાઈ આરામ કરે. સાડા-ત્રણે હળવી કસરત કરી ચાર-વાગ્યે ડ્રાઇવર સાથે બહાર નીકળે. શાકભાજી, ફ્રુટ્સ,જરૂરી વસ્તુઓ લાવે. બાગમાં જાય, મિત્રોને મળે. સાતેક વાગ્યે પાછાં આવી  ટીવી ઉપર ન્યુઝ જોતાંજોતાં હળવું ભોજન લે.

કોરોનાના સમયમાં એક દિવસ ઘેર બેઠાં નથી! સારા કામમાં ભગવાન સાથે આપે! હોસ્પીટલમાં એક મહિલા સુવાવડ માટે આવી,  ખાવા માટે કંઈ નહીં! ઘી-ગોળ-લોટ-બદામનું પેકેટ તેમણે પહોંચાડ્યું. વિચાર્યું કે આવા 40 પેકેટ સુવાવડી મહિલાઓને પહોંચાડે. મિત્રોને ફોન કર્યા, અગિયારસો રૂપિયાના પેકેટ માટે મદદની ટહેલ નાખી.  40ની સામે 140 પેકેટ માટે પૈસા મળ્યા! ખોરજ ગામમાંથી  140 સુવાવડી યુવતીઓની માહિતી મળી એટલે એમ્બ્યુલન્સ કરી પેકેટ આપવા જતાં. નજીક હોય તો ધારાસભ્યોની મંજૂરીથી રીક્ષા કરીને જતાં! સરકારનો દોષ કેમ કઢાય? સમાજસેવા તો સમાજમાં રહેતા માણસોએ જ કરવી પડશે!

શોખના વિષયો :

ભરત-ગૂંથણ, વાંચન, સંગીત, ગરબા-ડાન્સ ગમે, પહેરવા-ઓઢવાનો શોખ, અપર્ણા-ફેશનના નામે 30 વર્ષ ધંધો કર્યો.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

તબિયત એકદમ સારી, કોઈપણ જાતની તકલીફ નથી. અચાનક 79મા વર્ષે બ્રેસ્ટ-કેન્સર થયું!  હિંમતથી સંજોગો પાર પાડ્યા. આજે કાઉન્સેલિંગ માટે જાય છે. મનમાં પોઝિટીવ એટીટ્યુડ રાખીએ તો ભલભલા રોગ મટી જાય! મગજ પર શાંતિ અને ભાષા એકદમ મીઠી રાખવી!

યાદગાર પ્રસંગો :

એકવાર મુંબઈ ગયાં હતાં. બોટમાં બેસતાં પાછળ આવતો કિશોર લપસીને દરિયામાં પડી ગયો. બિમલાબેને શર્ટથી પકડી તેને ખેંચી લીધો, છોકરો બચી ગયો! એનાં માતા-પિતાએ બિમલાબેનનો ખૂબ-ખૂબ આભાર માન્યો! સેવાનું સન્માન એમને માટે યાદગાર પ્રસંગ! 84 વર્ષની ઉંમરે ગવર્નર તરફથી શાલ સાથે એવોર્ડ! ‘ઉશટાટે’ નામની પારસીઓની સંસ્થા તરફથી બે વાર એવોર્ડ! સદવિચાર પરિવાર તરફથી એવોર્ડ!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?: 

લેપટોપ, મોબાઈલ, ઈ-કોમર્સ, whatsappનો ઉપયોગ કરે છે! પૌત્રને ગુરુ બનાવી ઘણું શીખ્યાં છે! કંઈક નવું શીખે ત્યારે ‘પેરીપોના’ કહી તેનો આભાર માને છે! ટેક્નોલોજી સારી છે પણ તેનો મિસ-યુઝ ઘણો થઈ રહ્યો છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?: 

હા.અંગ્રેજી ઉપર કાબુ અને સમાજસેવાનું કામ કરેલું એટલે યુવાનોને ગમે. યુવાનો કહે “બા આવે એટલે બેટરી ચાર્જ થઈ જાય!” તેમને ગમે ત્યાં સુધી સાથે બેસવું, ઉપેક્ષા થતી લાગે તો શાંતિથી સરકી જવું! યુવાનોને જે કરવું હોય તે કરવા દેવાનું. ‘પટેલ’ થવાનું નહીં! તેઓ ધારેલું કરવાના જ છે, આપણે શું કામ મોઢું બગાડવાનું? પણ વડીલોનું ડેડીકેશન યુવાનો કરતાં ઘણું વધારે છે. અમારા સાસુ-વહુના સંબંધો બહુ સરસ છે. દીકરો તો શ્રવણ છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

હું જૂની રીત-રસમોમાં સુધારા-વધારા કરું છું. અમારે ત્યાં પહેલા શ્રાદ્ધ વખતે બ્રાહ્મણને ખાટલો કરતા. હું સુવાવડીને અથવા શ્રમજીવીને જરૂરી વસ્તુઓ સાથે ખાટલો ભેટ આપું છું.

સંદેશો :

ક્યારેય નવરા બેસવું નહીં. તમારી જાતને પૂછતા  રહો કે તમે નવું શું શીખ્યા? કાયમ નવું શીખતા રહો, પ્રવૃત્તિ કરતા રહો! વહેતા પ્રવાહમાં આગળ વધતા રહો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]