એક પૂર્ણ જીવન માટે શું જરુરી છે?

જીવન રહસ્યપૂર્ણ છે અને એ રહસ્યોમાનું એક અદ્ભૂત રહસ્ય છે સમય! સમય એક વાર્તાકાર છે અને તેની સાથે સાથે એક સાક્ષી પણ છે. સમય એક એવું નિરપેક્ષ સત્ય છે જે બાહ્ય જગતમાં પ્રત્યેક માટે, સાતત્યપૂર્ણ છે, એકસમાન ગતિથી વહે છે પણ સાથે સાથે તેની ગતિ પ્રત્યેક વ્યક્તિનાં મનની સ્થિતિ ઉપર પણ આધારિત છે, કોઈ વ્યક્તિ માટે સમય ઝડપથી વહે છે અને કોઈ અન્ય વ્યક્તિ માટે જાણે તેની ખૂબ મંદ ગતિ છે. બે ઘટનાઓની વચ્ચેનું અંતર એટલે સમય! એક પરિપ્રેક્ષ્ય પ્રમાણે પ્રતિ ક્ષણ સઘળું પરિવર્તન પામી રહ્યું છે જયારે અન્ય એક પરિપ્રેક્ષ્ય પ્રમાણે કંઈ પણ બદલાતું નથી, સઘળું સ્થિર અને નિશ્ચલ છે. સામાન્ય તર્કશાસ્ત્ર કહેશે કે આ બંને માંથી એક જ સંભવ હોય, ક્યાં તો જગતમાં બધું પરિવર્તન પામે છે ક્યાં તો બધું નિશ્ચલ છે. પરંતુ વાસ્તવમાં જોઈએ તો આ બંને સત્ય છે. નિર્વિવાદ સત્ય છે.
સમય, મન અને ઘટનાઓ આ ત્રણેય જોડાયેલાં છે, એક જટિલ કહી શકાય તેવો સંબંધ તેમની વચ્ચે છે. ઘટનાઓ જેમ મન ઉપર અસર કરે છે તેમ સમય પણ મન ઉપર અસર કરે છે. મોક્ષ શું છે? જયારે આપનું મન, સમય અને ઘટનાઓ થી મુક્ત થઇ જાય તે જ મોક્ષ છે. આપની આસપાસ જે કંઈ ઘટી રહ્યું છે તેની ઉપેક્ષા આપ ન કરી શકો, પરંતુ તે ઘટનાઓ આપનાં મન પર છવાયેલી રહે તે આપના માટે યોગ્ય નથી.

સામાન્યતઃ ભૂતકાળમાં બની ચૂકેલી ઘટનાઓ અને આપના દ્વારા થયેલી ભૂલો, આપનાં મન ઉપર આધિપત્ય જમાવે છે. આપ પીડા અને પશ્ચાતાપની લાગણી અનુભવો છો. સમયની સાપેક્ષે, આ ઘટનાઓને સાચા દ્રષ્ટિકોણથી મૂલવશો તો આપનું મન આ ઘટનાઓમાંથી ઉચિત બોધ પાઠ લઈને, ઘટનાઓની સ્મૃતિથી મુક્ત થઇ જશે. જયારે આપ ગત વર્ષની ઘટનાઓમાંથી બોધપાઠ લઈને, ઘટનાઓને જતી કરો છો ત્યારે નૂતન વર્ષ એક ઉત્સવ બની જાય છે.

નવ વર્ષનું આગમન થાય છે ત્યારે સાથે સાથે નવી ફેશન, નવા ટ્રેન્ડ પણ પ્રચલિત થાય છે. પ્રતિ વર્ષ ફેશન બદલાતી રહે છે, નહીં? પણ, જીવનબોધ, આત્મજ્ઞાન એક એવી ફેશન છે જે નિત્ય નૂતન છે. આ ફેશન ક્યારેય જૂની થતી નથી, બદલાતી નથી. વ્યક્તિમાં મૌલિકતા, અંતર્જગતની ગહનતા, અને સંવેદનશીલતા જેવા ગુણો હંમેશા નિત્ય નૂતન રહે છે. સમયના નિરંતર વહેતા પ્રવાહની વચ્ચે, કાલાતીત તત્ત્વની અનુભૂતિ કરવી તે જ્ઞાન છે. સતત પરિવર્તન પામતી ઘટનાઓની વચ્ચે, અપરિવર્તનશીલ તત્ત્વને ઓળખવું તે જ્ઞાન છે. મનમાં ચાલતા નિરર્થક સંવાદોમાં, અમનીભાવ (મન ના હોવાની સ્થિતિ, નો માઈન્ડ સ્ટેટ) નું પ્રસ્ફુરણ અનુભવવું તે જ્ઞાન છે. કાલાતીત, અપરિવર્તનશીલ, અ-મન યુક્ત આ તત્વની અનુભૂતિ થકી આસપાસ ઘટિત થતું બધું જ અર્થપૂર્ણ લાગશે. આ પરમ તત્વની અનુભૂતિ વગર બધી ઘટનાઓ અનિર્દિષ્ટ લાગશે. આપ સમય અને ઘટનાને પરસ્પર અલગ નથી કરી શકતા પરંતુ આપ આપના મનને સમય અને ઘટનાઓ બંનેથી પૃથક- અલગ કરી શકો છો. ધ્યાન દ્વારા આપ મનને, સમય તથા ઘટનાઓથી અલિપ્ત રાખી શકો છો.
અનેકવિધ પ્રવૃત્તિઓમાં જોડાવાથી એક પ્રકારનો આનંદ પ્રાપ્ત થાય છે, પરંતુ ભીતર જઈને, સ્વયંમાં વિશ્રામ કરવાનો આનંદ પણ અનોખો છે. એક પૂર્ણ જીવન માટે આ બંને પ્રકારના આનંદની ઉપસ્થિતિ હોય તે આવશ્યક છે. અને આ એક કેન્દ્રસ્થ – સ્વયંસ્થિત વ્યક્તિ જ કરી શકશે. કોણ કહે છે કે આધ્યાત્મિકતા કંટાળાજનક છે? જીવનમાં વિરોધાભાસી મૂલ્યોની તલવારની ધાર પર રચાતું સુંદર નૃત્ય એ આધ્યાત્મિકતા છે. આપ એ સ્થિતિમાં છો જયારે “હા” અને “ના” બંને એક સાથે જ, એક જ  સમય પર, આપના માટે સત્ય છે, ત્યારે આપના જીવનમાં, અનંત શક્યતાઓનાં પ્રકટીકરણનું , એક નવું જ પરિમાણ ઉદિત થાય છે.
 અબજો વર્ષો આવીને ગયાં છે. અસંખ્ય ઘટનાઓ અને અસંખ્ય લોકો આવ્યાં છે અને ગયાં છે. આપ પણ આવ્યા છો અને જશો. જાગો! જે નિદ્રામાં છે તે ઉત્સવ નહિ મનાવી શકે. કહેવાય છે કે સમય કોઈના માટે રોકાતો નથી. પરંતુ જે જીવનની અનંતતા, શાશ્વતતા અને નિત્યતા પ્રતિ જાગૃત થઇ ચૂકેલ છે તેના માટે સમય બિલકુલ સ્થિર છે.
જયારે મન અનંતતાનો અનુભવ કરે છે ત્યારે તે વિસ્મય પામે છે. જયારે આપણે આશ્ચર્યમાં હોઈએ છીએ ત્યારે આપણે જગતને વિશિષ્ટ દ્રષ્ટિથી જોઈએ છીએ, આપણી અવલોકન શક્તિ તીવ્ર બને છે. આશ્ચર્યની આ લાગણી આપણને વર્તમાન ક્ષણમાં લાવે છે, ભૂતકાળ અને ભવિષ્યકાળ થી આપણું મન મુક્ત બની જાય છે. વિસ્મય આપણી અંદર એક જાગૃતતા ઉત્પન્ન કરે છે અને આ વિસ્મયપૂર્ણ જાગૃતિની અવસ્થામાં આપણે જોઈએ છીએ કે આખું જગત અનેક આશ્ચર્યોથી ભરેલું છે. સૃષ્ટિની ભવ્યતા થી જો કોઈ આશ્ચર્યચકિત નથી થતું તો તેમની આંખો હજુ ખૂલી નથી. આ જાગૃતિની અવસ્થામાં, જયારે વિસ્મયપૂર્વક આંખો બંધ થઇ જાય છે ત્યારે ધ્યાન ઘટિત થાય છે.

 

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]