વડોદરા: ગણેશ ચતુર્થીએ કરો “બડા ગણેશ”ના દર્શન

ગણેશ ચતુર્થીના શુભ દિવસે શ્રદ્ધાળુઓ આન બાન અને શાનથી શ્રીજીની સ્થાપના કરવા તૈયાર હોય છે. વર્ષોથી તંત્ર દ્વારા પર્યાવરણની જાળવણીના હેતુથી ગણેશની ફક્ત માટીની મૂર્તિની સ્થાપના કરવા જાહેર અપીલ કરવામાં આવે છે, પણ તો ય લોકો પ્લાસ્ટર ઓફ પેરિસ અને અન્ય મટિરીયલમાંથી મૂર્તિ બનાવતા હોય છે.

જો કે આ વર્ષની વાત કાંઇક જૂદી જ છે. કારણ છે કોરોના.

હા, આ વરસે કોરોનાને કારણે ગણેશ મંડળવાળા દૂંદાળા દેવની મસમોટી મૂર્તિની સ્થાપના કરવાના નથી. શ્રદ્ધાળુઓએ પણ મન બનાવી લીધું છે કે તંત્રની અપીલને માન આપીને ફક્ત બે કે ત્રણ ફૂટની મૂર્તિની જ સ્થાપના કરવી જેથી ઘરમેળે વિસર્જન કરી શકાય. આ વખતે જાહેરમાં ગણપતિ વિસર્જન કરવાની મનાઇ પણ છે.

પણ આમ છતાં ય જો તમને દૂંદાળા દેવની મોટી મૂર્તિના દર્શન કરવાની ઇચ્છા થાય તો તમારે આ ગણેશ મહોત્સવ દરમિયાન વડોદરાની મુલાકાત લેવી પડે. વડોદરાના કલાલી વિસ્તારમાં જાગનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અતિ જાણીતું છે. આ મંદિરના પરિસરમાં મહાકાય ગણેશ (બડા ગણેશ) નું મંદિર પણ આવેલું છે.  મસમોટા આરસના પથ્થરમાંથી તૈયાર કરવામાં આવેલી ગણેશની આ મૂર્તિની ઊંચાઈ 11 ફૂટ અને વજન 28 ટન છે. વડોદરાની સત્યમ શિવમ સુંદરમ સંસ્થા દ્વારા આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.

આ સંસ્થાના વડા અને રાજ્યના નર્મદા વિકાસ મંત્રી યોગેશ પટેલનો દાવો છે કે ભગવાન ગણેશની આટલી મોટા કદની આરસની મૂર્તિ દુનિયામાં બીજે ક્યાંય નથી. આ અર્થમાં આરસના પથ્થરમાંથી બનેલા આ સૌથી મોટા ગણપતિ છે.

 

યોગેશભાઈ પોતે આમ તો સાવલી ગામના સ્વામીજી અને પ્રમુખ સ્વામીના પરમ ભક્ત. એ કહે છે કે સ્વામીજીએ એમને ત્રણ સંકલ્પ લેવડાવેલા. એક, શિવજીની વિરાટ મૂર્તિ, બે, નંદી પર શિવજીનો પરિવાર અને ત્રીજો સંકલ્પ એટલે ગણેશનું આ મંદિર. પહેલા બે સંકલ્પ પૂરા થયા પછી આ ત્રીજો સંકલ્પ બાકી હતો. સંસ્થાના સભ્યોની ઈચ્છા હતી કે ગણેશની એવી મૂર્તિની સ્થાપના કરવી કે એ કદમાં સૌથી મોટી હોય અને ભવ્ય હોય. આ માટે યોગેશભાઇ સહિત સંસ્થાના સભ્યો સતત છ વર્ષ સુધી એવા મોટા પથ્થરની શોધમાં રાજસ્થાનના ચક્કર મારતા રહ્યા. એ સમયે માંડ આઠથી દસ ટનનો પથ્થર મળતો. એમાંથી તો માંડ પાંચ સાત ફૂટની મૂર્તિ બને એટલે શોધખોળ ચાલુ રહી. વળી, એ સમયે વધુ વજનવાળા મોટા પથ્થર જમીનમાંથી કાઢવાની મશીનરી કે ક્રેન પણ ઉપલબ્ધ નહોતી.

સંસ્થાના સભ્યોએ થાક્યા વિના રાજસ્થાન જવાનું ચાલુ જ રાખ્યું. છેવટે એક દિવસ જાણે ખુદ ભગવાન ગણપતિએ જ જાણે એમને સાદ પાડયો. જયપુરથી 120 કિલોમીટર દૂર આવેલા ગોલાકપાસ ગામમાં 28 ટનનો આરસપહાણનો પથ્થર મળ્યો હતો.

પણ આટલો મોટો પથ્થર ઊંચકીને અન્ય સ્થળે લઇ જવાનું કપરું તો હતું, પણ વાંધો ન આવ્યો. મોટી ક્રેન પણ હવે સહેલાઇથી મળતી હતી. આ એક જ પથ્થરમાંથી બડા ગણેશની મૂર્તિ તૈયાર કરવાનો ઓર્ડર અપાયો. બીજી બાજુ, વડોદરામાં મંદિરના પાયા સુધીનું ચણતર શરૂ થયું. આ મૂર્તિ મૂકવા પ્લેટફોર્મ તૈયાર કરાવ્યું, કેમ કે મૂર્તિ સ્થાપિત કર્યા વિના મંદિર બાંધવાનું શક્ય નહોતું. એકવાર મંદિર તૈયાર થાય, પણ પછી મૂર્તિ અંદર કેવી રીત લઇ જવી? એટલે પહેલા ગણેશજીની સ્થાપના કરવામાં આવી અને પછી મંદિરનું બહારનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું.

આજે 11 ફૂટની ગણેશજીની વિરાટ મૂર્તિ મૂર્તિના દર્શન કરવા લોકોની લાંબી લાઇનો લાગે છે. ખાસ કરીને ગણેશ મહોત્સવમાં તો શ્રધ્ધાળુઓ અહીં દર્શન કરવા ઉમટી પડે છે. આ વખતે જો કે કોરોનાના કારણે મર્યાદા છે, આમ છતાં તંત્રની ગાઈડ લાઈન મુજબ લોકોને દર્શન કરવા દેવામાં આવશે એમ સંસ્થાના અગ્રણીઓ કહે છે.

અહેવાલઃ ગોપાલ પંડયા (વડોદરા)

(તસવીરોઃ મનીષ વ્યાસ-ગોપાલ પંડયા)