‘ગુજરાતધારા’ પાક્ષિકના એકવીસ વર્ષ અવસરે ઓનલાઇન ગોષ્ઠિ સમારોહ

નવી દિલ્હી: “આજે અંગ્રેજી ભાષાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે ત્યારે ગુજરાતી ભાષાને વરેલાં સંસ્કારનિષ્ઠ સામયિકો માતૃભાષા જતન સંવર્ધનની દિશામાં દીવાદાંડી સમાન બની રહયાં છે. દુર્ભાગ્યે એવાં સામયિકોની સંખ્યા બહુ જૂજ રહી ગઈ છે પરંતુ બિનગુજરાતી પ્રદેશમાં વસતા ગુજરાતીઓ માટે આવું સામાયિક તેઓને ભાષા-સંસ્કૃતિને તાણેવાણે સાંકળી રાખવાનું સબળ માધ્યમ બની રહે છે. પાછલાં એકવીસ વર્ષથી દિલ્હીમાં પ્રકાશિત થતું પાક્ષિક ‘ગુજરાતધારા’ આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.” પીઠ ગુજરાતી સાહિત્યકાર અને પ્રખર વિચારક ડો. કેશુભાઈ દેસાઈએ એક ઓનલાઇન ગોષ્ઠીસભામાં આ ઉદગાર વ્યક્ત કર્યા.  ડો. દેસાઈના સાન્નિધ્યમાં તંત્રી-પ્રકાશક વિરાટ શાહ સાથે મુલાકાતના વિશેષ કાર્યક્રમ રવિવારે ઝૂમ મીટિંગ્સ પર યોજાયો હતો.

જાણીતા પત્રકાર અને પોઝિટિવ સ્ટોરી લેખનના પ્રણેતા સર્જક રમેશ તન્નાએ પ્રાસંગિક ભૂમિકામાં જણાવ્યું કે “ગુજરાતીઓ ગુજરાત બહાર જ્યાં ક્યાંય પણ વસે છે પત્રકારત્વનું ખેડાણ અવશ્ય કરે છે એના અનેક દાખલાઓ ઇતિહાસમાં છે. સાહિત્ય એક વર્ગનો વિષય છે અને પત્રકારત્વ એ લોકસમૂહનો વિષય છે. બહુ વિશાળ સંખ્યામાં સર્વપ્રકારના સમૂહ સુધી પહોંચવા અખબાર બહુ અસરકારક સાધન છે. દિલ્હીમાં ‘ગુજરાતધારા’ સામયિક શરુ કરીને એને બે દાયકા ઉપરાંત નિયમિત સતત ચલાવ્યે રાખીને વિરાટ શાહે રાજધાનીના ગુજરાતીઓને વાંચન તાંતણે જોડી રાખ્યા છે અને એક અનોખા સાહસિક પ્રકાશન ઉદ્યમી તરીકે દિલ્હીની બહાર પણ એમના આ પ્રદાનની સુવાસ ફેલાઈ છે.”

 

નવી દિલ્હીથી ઓનલાઇન સાપ્તાહિક ઉપક્રમ ‘મારી ભાષા ગુજરાતી’ અંતર્ગત આ ગોષ્ઠી યોજાઈ હતી. આ પ્રસંગે પ્રકાશક-તંત્રી વિરાટ શાહે ‘ગુજરાતધારા’નું અનેક અડચણો, અવરોધો અને મશ્કેલીઓ વચ્ચે પણ તેમના સામયિકનું પ્રકાશન શી રીતે શરુ થયેલું અને પછી કેવી પરિસ્થિતિમાં એની વિકાસયાત્રા નિરંતર રહી એનો ચિતાર આપ્યો.