વડાપ્રધાનની સભાઓની સંખ્યા મર્યાદિત કેમ થઈ ગઈ?

પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂરી થવાની તૈયારીમાં છે. બે રાજ્યો બાકી રહ્યા છે, ત્રણ પૂરા થઈ ગયા છે. મધ્ય પ્રદેશમાં ત્રણ ટકા જેટલું મતદાન વધ્યું અને 75.05 ટકા થયું. સ્થાનિક વિશ્લેષકોનું કહેવું છે કે બપોર સુધી સામાન્ય મતદાન હતું. બપોર પછી વધ્યું છે, તેના કારણે જુદા જુદા અનુમાનો લગાવાઈ રહ્યા છે. મિઝોરમમાં મતદાનમાં મોટો ઘટાડો થયો છે. નાનું રાજ્ય હોવાથી ત્યાં વધુ મતદાન થાય છે, ગત બે ચૂંટણીમાં 82 અને 83 ટકા મતદાન થયું હતું, પણ આ વખતે માત્ર 75 ટકા જ થયું છે. મિઝોરમમાં ભાજપ સાથી પક્ષ એમએનએફ જીતી જાય તે માટે ભારે ઉત્સાહમાં છે. ઈશાન ભારતમાં કોંગ્રેસ પાસેનું આ છેલ્લું અને એક માત્ર રાજ્ય છે, ત્યાંથી પણ તેને હટાવવા માટે ભાજપ તત્પર છે. પરંતુ ઓછું મતદાન યથાસ્થિતિ બતાવતું હોય છે. વધારે મતદાન થયા ત્યારે સત્તા પરિવર્તનની ચિંતા થતી હોય છે.
ભાજપની ઇલેક્શન મશીનરી સતત કામ કરતી રહે છે. પરિણામ જે પણ આવે, પ્રચારનો ધમધમાટ ભાજપ ધીમો પડવા ન દે. તેના કારણે જ આ વખતે કેટલાકનું ધ્યાન ખેંચાયું છે કે નરેન્દ્ર મોદીની સભાની સંખ્યામાં ઘટાડો થયો છે. ભાજપ માટે નરેન્દ્ર મોદી ખરા અર્થમાં સ્ટાર પ્રચારક સાબિત થતા આવ્યા છે. ભાજપના કાર્યકરોને આશા હોય છે કે છેલ્લા દિવસોમાં નરેન્દ્ર મોદીની જંગી સભા થશે અને તેમની લોકપ્રિયતાને કારણે માહોલ બદલાઈ જશે. ગુજરાતની ચૂંટણી એક વર્ષ પહેલાં જ થઈ હતી. યાદ છેને? છેલ્લા દિવસોમાં નરેન્દ્ર મોદીની સભાઓ વધી હતી અને બીજા તબક્કાના મતદાનમાં તેમણે હવા ફેરવી નાખી તેવું મોટા ભાગના માને છે.

ગુજરાતમાં વિકાસ ગાંડો થયો છે એ સૂત્ર સાથે થયેલી ચૂંટણીમાં કોંગ્રેસે ભારે જોર કર્યું હતું. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં પોતે ફાવી છે એવા ઉત્સાહ સાથે બીજા તબક્કાની તૈયારીમાં લાગી હતી, પણ બીજા તબક્કામાં નરેન્દ્ર મોદીએ મણીશંકર ઐયરે તેમને ‘નીચ’ કહ્યા હતા તે શબ્દ પકડીને ગુજરાતના અપમાનનો મુદ્દો ચગાવ્યો હતો. ત્રીજી અને ચોથી ડિસેમ્બરે બે દિવસમાં તેમની સાત સભાઓ યોજાઈ હતી. ભાજપના લોકો માને છે કે બીજા તબક્કામાં આ ભારે પ્રચારને કારણે જ બેઠકો બચાવી શકાય હતી અને સરકાર બચાવી શકાય હતી. ગુજરાતમાં કુલ 34 સભાઓ યોજાઈ હતી. તે પછી થોડા

મહિના પહેલા યોજાયેલી કર્ણાટકની ચૂંટણીમાં પણ મુખ્ય આકર્ષણ નરેન્દ્ર મોદીની સભાઓનું જ હતું. કર્ણાટકમાં જીતવા માટે મદાર યેદીયુરપ્પા પર હતો, પણ પરંતુ શહેરી અને યુવાન મતદારોને આકર્ષવા માટે વધુમાં વધુ સભાઓ નરેન્દ્ર મોદીની યોજાઈ હતી. કર્ણાટકની જનતા માટે હિન્દી સમજવું મુશ્કેલ હોવા છતાં વડાપ્રધાનના જોશીલા ભાષણની અસર થઈ હતી તેમ સ્થાનિક ભાજપના નેતાઓ કહેતા હતા.

રાજસ્થાન અને તેલંગણા બે રાજ્યોમાં મતદાન હવે બાકી છે. તેલંગણામાં ભાજપની ખાસ કોઈ હાજરી નથી. કર્ણાટકની જેમ તેલંગણામાં પણ હિન્દી સમજવું જનતા માટે મુશ્કેલ છે. તેથી કદાચ ત્યાં ઓછી સભા થાય તો સમજી શકાય, પણ રાજસ્થાનમાં કેટલી સભાઓ થશે? રાજસ્થાનમાં ભાજપ ભીંસમાં પણ છે. પાંચેય રાજ્યોમાંથી આ એક રાજ્યમાં મોટા ભાગના લોકોને સ્પષ્ટપણે સત્તા પરિવર્તન દેખાય છે. ગત વિધાનસભાની ચૂંટણી વખતે પણ નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં ખાસ્સો પ્રચાર કર્યો હતો. આ વખતે વસુંધરા રાજેની સરકારને બચાવવા કેટલો પ્રયાસ થશે?
રાજસ્થાનમાં પણ હાલમાં 10 સભાઓનું આયોજન થયું છે. વધારે સભાઓ થાય તેમ લાગતું નથી. મધ્ય પ્રદેશ વધારે મોટું રાજ્ય હતું, ત્યાં પણ ફક્ત 10 સભાઓ યોજવામાં આવી હતી. શું નરેન્દ્ર મોદીનો જાદુ ઓસરી રહ્યો છે? વિરોધીઓ ઉત્સાહમાં આવીને આવો સવાલ પૂછવા લાગ્યા છે.
મધ્ય પ્રદેશમાં પરિસ્થિતિ પલટાતી રહી હતી. શરૂઆતમાં કોંગ્રેસ મજબૂત લાગી, પણ ટિકિટ વહેંચણી સુધીમાં સ્થિતિ બગડી હતી. મધ્ય પ્રદેશ મોટું રાજ્ય છે અને લોકસભા વખતે પણ અગત્યનું સાબિત થવાનું હતું. માત્ર શિવરાજસિંહના નામે આ નહિ તરી જવાય તેમ લાગતું હતું. તેમ છતાં નરેન્દ્ર મોદીની વધારે સભાઓનું આયોજન થયું નહોતું. છત્તીસગઢમાં નરેન્દ્ર મોદીની ફક્ત ચાર જ સભાઓ યોજવામાં આવી હતી. છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એકથી બે ટકા મતોનો જ ફરક રહેતો આવ્યો છે. આ વખતે અજિત જોગી અને માયાવતીએ જોડાણ કરીને કોંગ્રેસની મુશ્કેલી વધારી હતી, પણ સાથે જ ચૂંટણી પછી આ બંને કોંગ્રેસને ટેકો નહિ આપે તેની કઈ ખાતરી નથી. તેથી અહીં પણ શહેરી વિસ્તારોમાં મોદીના નામે વધારે પ્રચાર થશે તેવી અપેક્ષા હતી પાર ઉતરી નથી.
છત્તીસગઢ જેટલું જ નાનું રાજ્ય હરિયાણાનું હોવા છતાં ઑક્ટોબર 2014માં ચૂંટણી વખતે વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીની 10 સભાઓ યોજાઈ હતી. હરિયાણામાં ભાજપને જોરદાર બહુમતી પણ મળી ગઈ હતી. દિલ્હીમાં નવી નવી સત્તા મળી હતી અને સીતારો ચમકી રહ્યો હતો. નરેન્દ્ર મોદીને સાંભળવાનું આકર્ષણ હતું. હવે શું પરિસ્થિતિ બદલાઈ છે ખરી?
હરિયાણાની જેમ જ ફક્ત 10 લોકસભા બેઠકો છત્તીસગઢમાં છે, પણ 2019માં દરેક બેઠક ઉપયોગી થવાની છે. કદાચ એવી પણ ગણતરી હશે કે રાજ્યની ચૂંટણીમાં કરિશ્માનો ઉપયોગ કરવાના બદલે લોકસભા માટે બાકી રાખવો. છત્તીસગઢમાં 12થી 20 નવેમ્બર દરમિયાન ફક્ત ચાર સભાઓ કરીને પ્રચાર પૂર્ણ કરી દેવાયો હતો.
તેલંગાણામાં વધુ સભાઓ યોજીને કોઈ ફાયદો નથી, પરંતુ રાજસ્થાનમાં ભાજપ છેલ્લી ઘડીનું જોર અજમાવી છે કે કેમ તે જોવાનું રહ્યું. રકાસ ના થાય અને સન્માનજનક હાર મળે તે માટે શું છેલ્લી ઘડીએ નરેન્દ્ર મોદીની સભાઓ વધારવામાં આવશે ખરી? કર્ણાટકની ચૂંટણી વખતે એવું થયું હતું. કર્ણાટકમાં મૂળ આયોજન પ્રમાણે નરેન્દ્ર મોદીની 15 સભાઓ યોજાવાની હતી. હિન્દી ભાષા અસરકારક સાબિત થવાની ના હોવા છતાં વડાપ્રધાનની હાજરી દર્શાવવા માટે પણ વધારે સભાઓ યોજાઈ હતી. તેની સામે હિન્દીભાષી રાજ્યો અને જ્યાં ભાજપની સત્તા છે ત્યાં માત્ર 10 – 10 સભાઓ યોજાઈ.
કર્ણાટકમાં સ્થિતિ બદલતી ગઈ તે પ્રમાણે સભાઓની સંખ્યા હકીકતમાં વધારેવામાં આવી હતી. હિન્દી ભાષા સમજાતી ના હોવા છતાં નરેન્દ્ર મોદીની સભામાં યુવાનોને રસ પડતો હતો, તે જોઈને તેમની સભાઓની સંખ્યા વધારીને 21ની કરવામાં આવી હતી. તો પછી રાજસ્થાનમાં શા માટે સભાઓની સંખ્યા વધારવામાં નહિ આવે?
એક કારણ એ છે કે પરિણામો પછી એવું એનેલિસિસ પણ થતું હોય છે કે મોટા નેતાઓ કરેલી સભાઓમાં પક્ષ ક્યાં જીત્યો, ક્યાં હાર્યો. નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધીની સભાઓ જે વિસ્તારમાં થાય તે વિસ્તારના પરિણામોને અલગથી જોવામાં આવે છે. રાહુલ ગાંધીની સભાઓ છતાં કોંગ્રેસ હારી જતી હોય ત્યારે કહેવાતું હોય છે કે તેમની સભાથી કશો ફેર પડતો નથી. નરેન્દ્ર મોદીએ સભા સંબોધી હોય તે જિલ્લાની બેઠકોમાં ભાજપ કેટલું જીત્યું તેની પણ ગણતરી થતી હોય છે.
શું એ કારણ છે કે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં પણ ભાજપની સ્થિતિ નબળી પડવાના અણસાર મળ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત ઇમેજને અસર ના થાય તે માટે સભાઓ ઓછી કરી? કે પછી તેઓ છ મહિના પછી યોજાનારી લોકસભાની ચૂંટણીઓ વખતે પ્રચારનો સપાટો બોલાવવા માગે છે? 2014ની લોકસભા ચૂંટણી પહેલાં જ તેમણે તૈયારીઓ કરી લીધી હતી. 2012ની ગુજરાતની ચૂંટણીમાં જીત મળી તે સાથે જ આયોજન થઈ ગયું હતું. સૌપ્રથમ તો દેશભરમાં કોલેજોમાં તેમની મુલાકાતોનું આયોજન થવા લાગ્યું. તેઓ સતત ગુજરાત બહાર પ્રવાસ કરતા રહ્યા હતા.
થોડો સમય ભાજપના પીએમપદના દાવેદાર બનવા માટેની આંતરિક લડાઈ ચાલી. તે પછી ભાજપની પ્રચાર સમિતિના અધ્યક્ષ બન્યા પછી તરત જ મોટા પાયે ઇમેજ બિલ્ડિંગ શરૂ થઈ ગઈ હતી. સોશ્યલ મીડિયાથી માંડીને દેશભરમાં સભાઓનું આયોજન થઈ ગયું હતું. તેમણે 400થી વધુ સભાઓ ગજવી હતી અને તેનું પરિણામ પણ દેખાયું હતું. વર્ષો પછી કોઈ એક પક્ષને એકલે હાથે સત્તા મળે તેટલી, 283 બેઠકો મળી ગઈ હતી.
તો આ પાંચ રાજ્યોમાં તેમની ઓછી સભાઓ થઈ તેની પાછળનું કારણ શું હશે? શું તેમની સભાઓની અસરકારકાતા ઓછી થઈ છે? 11 ડિસેમ્બરે જ તેનો જવાબ મળશે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]