રામમંદિરઃ 9 નવેમ્બરની તારીખ કેમ અગત્યની બની ગઈ?

રામમંદિરનો ચુકાદો ધારણા કરતાં થોડા દિવસ અગાઉ આવી ગયો. 9 નવેમ્બરે શનિવાર હતો છતાં સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ ચુકાદો જાહેર કરીને રામમંદિર બનાવવા માટેની મંજૂરી આપી દીધી. 9 નવેમ્બરે પંજાબમાં પણ અગત્યનો કાર્યક્રમ હતો. કરતારપુર કોરિડોરના દરવાજા પણ તે દિવસે ખોલવામાં આવ્યા. પાકિસ્તાનની હદમાં આવેલા કરતારપુર સાહિબ ગુરુદ્વારા જવા માટે પંજાબ-ભારતની સરહદથી આઠ કિલોમિટરનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે તેને ખુલ્લો કરવામાં આવ્યો.


એ ઘટના પણ ઐતિહાસિક જ છે, કેમ કે વિભાજનના કારણે શીખો માટે પવિત્ર એવા કેટલાક ધાર્મિક સ્થાનો પાકિસ્તાની-પંજાબમાં રહી ગયા. તેના દર્શન કરવા જવા માટે વીઝા અને લાંબી મુસાફરી કરવી પડતી હતી. બંને દેશો વચ્ચે સમજૂતિને કારણે સરહદથી સીધી જ વીઝા વિના મુસાફરી કરી શકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદમાં આ ઐતિહાસિક ઘટનાનો ઉલ્લેખ પણ સંબોધનમાં કર્યો હતો. કરતારપુર કોરિડોર ઉપરાંત 9 નવેમ્બરે જર્મનીના બર્લિન શહેરની વચ્ચે રહેલી દિવાલ પણ લોકોએ તોડી નાખી હતી તેનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. બર્લિનની દિવાલ તૂટી પડી તે પછી પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ થઈ શક્યું હતું.


એ જ રીતે 9 નવેમ્બરે રામમંદિરના નિર્માણ માટે માર્ગ મોકળો કરી આવતો ચુકાદો આવ્યો. પણ રામભક્તો અને અયોધ્યા આંદોલન સાથે વધારે નીકટ રીતે સંકળાયેલા લોકોને એ પણ યાદ આવી ગયું કે 9 નવેમ્બર 1989ના રોજ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તે વખતે હજી ખડી હતી તે ઇમારતથી લગભગ 200 મીટર દૂર શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. રાજીવ ગાંધીની સરકારે પ્રથમ શિલાન્યાસ કરવા માટે મનાઈ કરી હતી, પણ માથે ચૂંટણી આવી રહી હતી એટલે દબાણમાં આવીને શિલાન્યાસ માટે આખરે મંજૂરી આપી દેવાઈ હતી.

છઠ્ઠી ડિસેમ્બર રામમંદિર આંદોલન સાથે જોડાયેલી તારીખ છે, અને 1949માં ઇમારતની અંદર મૂર્તિઓ રાખી દેવામાં આવી હતી ત્યારે પણ ડિસેમ્બર મહિનો હતો. પરંતુ 9 નવેમ્બરને વધારે મહત્ત્વ આપવામાં આવે છે, કેમ કે શિલાન્યાસ વિધિવત કરવામાં આવ્યો હતો.જનસંઘ કટોકટી પછી જનતા દળમાં જોડાયો હતો. 1980માં તેનું નામકરણ ભારતીય જનતા પક્ષ કરવામાં આવ્યું. 1984માં પણ રામમંદિર માટેનું આંદોલન કરાયું હતું અને એક પ્રકારની રથયાત્રા કાઢવામાં આવી હતી, પણ ઇન્દિરા ગાંધીની હત્યાને કારણે સ્થિતિ બદલાઈ. દિલ્હીમાં વિશાળ સભાનું આયોજન કરાયું હતું તે રદ થયું હતું. રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા અને ચૂંટણીઓ થઈ તેમાં સહાનુભૂતિનું મોજું કોંગ્રેસ તરફી હતું.


તેથી 1989ની લોકસભાની ચૂંટણી આવી ત્યારે પ્રથમવાર ભાજપ માટે રામમંદિરનો મુદ્દો ફરી પ્રબળ બન્યો હતો. 1989માં શિલાન્યાસ પણ થયો, પણ તે પહેલાં 1986થી હલચલ તેજ થઈ ગઈ હતી. રામલલ્લાની મૂર્તિઓની પૂજા માટે તાળા ખોલવાની મંજૂરી અદાલતમાંથી આપી દેવામાં આવી હતી. આ બધી રાજકીય હલચલ હતી. બીજી બાજુ બૌદ્ધિક ચર્ચાઓએ પણ વેગ પકડ્યો હતો. ભારતમાં ડાબેરી તરફી લેખકો અને તંત્રીઓ, જમણેરી વિચારસરણીને મહત્ત્વ આપતા નથી તેવી ફરિયાદ જમણેરી વિચારકોની હતી. પરંતુ હવે જમણેરી લેખકો અને તંત્રીઓ પણ પૂરા જોશથી રામમંદિર માટે માહોલ ઊભા કરવા લાગ્યા હતા. અરુણ શૌરી મૂળ તો અર્થશાસ્ત્રી હતા અને વિશ્વ બેન્કમાં કામ કરીને આવ્યા પછી ભારતમાં આયોજન પંચમાં પણ જોડાયા હતા.

1975માં કટોકટી વખતે તેમણે નાગરિક સ્વાતંત્ર્યના ભંગના વિરોધમાં ઇન્ડિયન એક્સપ્રેસમાં લખવાનું શરૂ કર્યું હતું. રામનાથ ગોએન્કા તેમને 1979માં ઇન્ડિયન એક્સપ્રેસમાં તંત્રી બનાવી દીધા અને તેમને છુટ્ટો દોર આપ્યો હતો. જોકે 1982માં, એવું કહેવાય છે કે સરકારના દબાણના કારણે તેમણે શૌરીને તંત્રીપદેથી હટાવવા પડ્યા હતા. દરમિયાન 1986માં અરૂણ શૌરીને ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં એક્ઝિક્યુટિવ એડિટર તરીકે લાવવામાં આવ્યા. સમીર જૈને હવાલો સંભાળ્યો તે પછી ગીરીલાલ જૈન જેવા પાવરફૂલ તંત્રીની પાંખો કાપવાનું તેમણે શરૂ કર્યું હતું.

જોકે શૌરીને એક જ વર્ષમાં તેમણે છુટ્ટા કરવા પડ્યા, કેમ કે જૈન કરતાં શૌરી અનેકગણા જલદ હતા. શૌરીને કારણે ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં એવા લેખો છપાવા લાગ્યા હતા કે તેના વફાદારોએ મેનેજમેન્ટને ફરિયાદો શરૂ કરી. ખાસ કરીને ડાબેરી બૌદ્ધિકોના જૂથે વિરોધ શરૂ કર્યો હતો. રોમિલા થાપરને આગળ કરીને તે લોકોએ એક પત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાવ્યો. તેમાં આરોપ લગાવાયો કે તમારા કેટલાક લેખોમાં ઐતિહાસિક તથ્યોને તોડીમરોડીને રજૂ કરવામાં આવી રહ્યા છે અને તેને સાંપ્રદાયિક રંગ આપવામાં આવી રહ્યો છે. ઈશારો સ્પષ્ટપણે અરૂણ શૌરીએ શરૂ કરાવેલા કેટલાક લેખો અને લેખકો તરફ હતો. સીતા રામ ગોયલ નામના લેખકે રોમિલા થાપરની વાત ખોટી છે એવો ખુલાસો કરતો પત્ર પણ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને લખવામાં આવ્યો. પરંતુ તે લેખ છપાયો નહિ અને થોડા જ વખતમાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં ફેરફારો થયા. દિલીપ પાંડગાવકરને તંત્રી બનાવી દેવાયા. અરૂણ શૌરીને રામથાન ગોએન્કા ફરી ઇન્ડિયન એક્સપ્રેસમાં લઈ આવ્યા, જ્યાં તેઓ 1990 સુધી રહ્યા. છેલ્લે છેલ્લે તેમનું ભાજપતરફી વલણ બહુ સ્પષ્ટ થઈ ગયું હતું. અત્યાર સુધી તેઓ જમણેરી વિચારસરણીને પ્રબળ રીતે પ્રગટ કરતાં રહ્યા હતા. ઇન્ડિયન એક્સપ્રેસમાં પણ જમણેરી લખાણોને પૂરતું સ્થાન મળતું હતું, પણ હવે આખરે તેમણે તંત્રીપદ છોડીને રાજકારણ તરફ આગળ વધવાનું નક્કી કરી લીધું હતું.

પરંતુ આ વચ્ચેના સમયગાળામાં 1986માં રામલલ્લા માટે તાળું ખૂલ્યું ત્યારથી 1989માં શિલાન્યાસ થયો ત્યાં સુધી ભરપુર બૌદ્ધિક ચર્ચાઓ ચાલી હતી. સામસામે છાવણીઓ ગોઠવાઈ ગઈ હતી અને બિનસાંપ્રદાયિકતા અને કોમવાદની શાબ્દિક લડાઈઓ ચાલી હતી. એક તરફ રોમિલા થાપર અને સૈયદ શાહબુદ્દિન સહિતના લોકો હતો અને તેની સામે એક્સપ્રેસમાં હવે શૌરી પોતે ઉપરાંત સીતા રામ ગોયલ, રામ સ્વરૂપ, હર્ષ નારાયણ, જય દુભાષી, આભાસ ચેટરજી વગેરે લેખકો જમણેરી મુદ્દાઓ તાર્કિક રીતે રજૂ કરવા લાગ્યા હતા. મજાની વાત એ છે કે સીતા રામ ગોયલ મૂળભૂત રીતે માર્ક્સવાદી હતા. 1942ના આંદોલન વખતે હવે ભારતમાં પણ છાવણીઓ પડવા લાગી હતી. ગોયલે પણ હવે છાવણી બદલી હતી અને તેઓ ડાબેરી વિચારસરણી સામે પડ્યા હતા. ઇસ્લામ અને ખ્રિસ્તીની વટાળપ્રવૃત્તિઓને કારણે ભારતીય સંસ્કૃતિના જોખમ સામે તેઓ લખતા થયા હતા.


સીતા રામ ગોયલે ભારતીય મંદિરોને કેવી રીતે આક્રમણખોરોએ તોડી પાડ્યા હતા તેના પર સંશોધન શરૂ કર્યું હતું. ભારતીય લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર હોય તેવા મહત્ત્વના ધાર્મિકસ્થાનોને તોડી પાડીને તેના પર મસ્જિદ ચણી દેવાતી હતી. 1989માં શૌરીએ પણ આવો લેખ લખ્યો હતો. તેમણે ડાબેરી લેખકોની પદ્ધતિએ જ દસ્તાવેજો ટાંકીને વાત મૂકી હતી. તેમણે લખનૌની નદવાતુલ ઉલેમાના વડાએ અરબીમાં લખેલા પુસ્તકને ટાંક્યું હતું. પુસ્તકમાં એવું લખાયેલું હતું કે ભારતમાં અનેક એવી મસ્જિદો છે, જે મંદિરો તોડીને તેના પર ચણવામાં આવી હતી. તે પછી સીતા રામ ગોયલે પણ આ પ્રકારના પોતાના લેખો એક્સપ્રેસમાં આપ્યા હતા.

રામમંદિર માટે એક તરફ ભાજપનું રાજકીય આંદોલન ચાલતું થયું હતું, તે વખતે અખબારી માધ્યમોમાં આ બૌદ્ધિક આંદોલન પણ વેગવંતું બન્યું હતું. અંગ્રેજી અખબારી જગતમાં પણ જમણેરી વિચારસરણીના લેખો પ્રગટ થવા લાગ્યા હતા. સીતા રામ ગોયલે બાદમાં આ અને બીજા લેખોનું સંપાદન કરીને એપ્રિલ 1990માં બે ભાગમાં પુસ્તક તૈયાર કર્યું હતું – હિન્દુ ટેમ્પલ્સઃ વૉટ હેપન્ડ ટુ ધેમ.

અરૂણ શૌરીના લેખો, ઇન્ડિયન એક્સપ્રેસના લેખો ઉપરાંત ઓર્ગેનાઇઝર સહિતના પ્રકાશનોના લેખોનો સમાવેશ પણ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકના પ્રથમ ભાગમાં બહુ રસપ્રદ એવા ત્રણ પ્રકરણો છે. રામમંદિરનો ચુકાદો 12થી 15 તારીખ વચ્ચે આવશે તેવી ધારણા વચ્ચે 8 નવેમ્બરે રાત્રે લગભગ 9 વાગ્યે સમાચાર ફેલાવા લાગ્યા કે 9 નવેમ્બરે સાડા દસ વાગ્યે ચુકાદો આપવામાં આવશે. તે રીતે 9 નવેમ્બરે પાંચેય ન્યાયાધીશો સુપ્રીમ કોર્ટમાં આવ્યા અને એકમતે ચુકાદો જાહેર કર્યો. બંધારણીય બેન્ચમાં એકથી વધુ ન્યાયાધીશો હોય ત્યારે કેટલીકવાર તેમાં એકાદ જજની વિપરિત નોંધ, અલગ અભિપ્રાય પણ હોય છે. પાંચેય ન્યાયાધીશોએ પોતપોતાની રીતે ચુકાદો લખ્યો હોય તેવું પણ બનતું હોય છે. પરંતુ અહીં પાંચેય ન્યાયાધીશોએ સહમતીથી એકસમાન ચુકાદો લખ્યો હતો.
સમગ્ર રીતે આ ચુકાદો ઐતિહાસિક બની રહ્યો અને 9 નવેમ્બર પણ વધુ એક ઐતિહાસિક ઘટનાની સાક્ષી બની. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપર જણાવ્યું છે તે પ્રમાણે 9 નવેમ્બરની બે ઐતિહાસિક ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો. કરતારપુર કોરિડોરના દરવાજા ખુલ્યા અને બર્લિનની દિવાલ તૂટી.

આ પુસ્તકના પ્રકરણ સાતનું હેડિંગમાં સંકેત છે – ચેપ્ટર 7, નવેમ્બર 9 વીલ ચેન્જ હિસ્ટ્રી (નવમી નવેમ્બર ઇતિહાસ બદલશે), જય દુભાષી.
પ્રકરણ આઠનું હેડિંગ જુઓ – ચેપ્ટર 8, ફ્રોમ શિલાન્યાસ ટુ બર્લિન વૉલ (શિલાન્યાસથી બર્લિન દિવાલ સુધી), જય દુભાષી.
પ્રકરણ નવનું હેડિંગ વાંચો – ચેપ્ટર 9, રામ-જન્મભૂમિ ટેમ્પલ મુસ્લિમ ટેસ્ટિમની (રામ-જન્મભૂમિ મંદિરમાં મુસ્લિમોની ગવાહી), હર્ષ નારાયણ.
પ્રકરણ દસનું હેડિંગ સૌથી અગત્યનું છે, જેમાં મંદિરો તોડીને મસ્જિદો બની હોય તેની લાંબી યાદી છે – ચેપ્ટર ટેન, લેટ ધ મ્યુટ વિટનેસીઝ સ્પીક (મૌન સાક્ષીઓને બોલવા દો), સીતા રામ ગોયલ.

અહીં મૌન સાક્ષીઓને બોલવા દોનો અર્થ એ છે કે મસ્જિદો અને તેની આસપાસના સ્થાપત્યની તપાસ કરવામાં આવે કે નીચે ખોદકામ કરવામાં આવે ત્યારે તેમાંથી ભગ્ન મંદિરોના અવશેષો મળી આવે છે તે સાક્ષી પૂરે છે કે અહીં મંદિરો હતા. આ જ પુસ્તકમાં ગુજરાતના સિદ્ધપુર સહિતના આવા સ્થળોનો ઉલ્લેખ છે. સિદ્ધપુરની જામી મસ્જિદમાં દિવાલ તોડી અને થોડું ખોદકામ થયું ત્યારે આવા પુરાવા મળ્યા હતા અને તેનો વિવાદ લાંબો ચાલ્યો હતો તેનો પણ ઉલ્લેખ છે.

જય દુભાષીએ લખ્યું હતું કે 9 નવેમ્બરે શિલાન્યાસ થયો તે સાથે ઇતિહાસ બદલાવાની શરૂઆત થઈ છે. તેમણે ઇન્ડિયન લૉ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટરને ઉપેન્દ્ર બક્ષીને એમ કહેતાં ટાંક્યા છે કે “રામમંદિરનો પાયો અયોધ્યામાં નખાશે ત્યારે તે નિર્ણાયક રીતે ભારતનો ઇતિહાસ બદલી નાખશે.” ઉપેન્દ્ર બક્ષીની વાત સાચી છે અને રામ જન્મભૂમિ આંદોલનનો સમગ્ર હેતુ ભારતનો ઇતિહાસ બદલી નાખવા માટે જ છે, નથિંગ લેસ, નથિંગ મોર એમ જય દુભાષીએ 19 નવેમ્બર, 1989ના રોજ ઓર્ગેનાઇઝરમાં લખ્યું હતું.

તે પછીનો લેખ પણ જય દુભાષીનો જ છે અને તેમાં બર્લિનની દિવાલ સાથે શિલાન્યાસની ઘટનાની સરખામણી કરવામાં આવી છે. શિલાન્યાસ કરીને ભવિષ્યના રામમંદિરની ઈંટ મૂકવામાં આવી ત્યારે તે જ દિવસે, 9 નવેમ્બરે બર્લિનના લોકોએ સામ્યવાદી શાસકોએ ઊભી કરેલી દિવાલની એક એક ઈંટ તોડવાની શરૂઆત કરી હતી એ વાત પોતાને યાદ આવી ગઈ તેમ લખે છે. અયોધ્યામાં મંદિરનું ચણતર શરૂ થઈ રહ્યું હતું, તે જ દિવસે બર્લિનમાં સામ્યવાદી મંદિરની ઈમારત તૂટવાની શરૂઆત થઈ હતી. બર્લિનની દિવાલ 9 નવેમ્બર, 1989ના રોજ તૂટવાની શરૂઆત થઈ હતી. લાખો લોકો એકઠા થઈ ગયા હતા અને ટોળાંને કાબૂમાં નહિ કરી શકાય તેવું લાગતા પૂર્વ જર્મનીની પોલીસ આડેથી હટી હતી અને લોકોએ દિવાલ તોડવાનું શરૂ કરી દીધું હતું.

પેલું થયું ત્યારે તમે ક્યાં હતા, ફલાણું થયેલું ત્યારે તેમ કેમ ના બોલેલા, એવી જમણેરી દલીલપ્રથા ત્યારથી જ શરૂ થઈ ગઈ હતી. દુભાષીએ ભારતના ડાબેરીઓને લલકાર્યા કે ક્યાં છો તમે? કેરલના બૌદ્ધિકો વાતેવાતે કોમવાદથી થનારી હાની માટે હિન્દુઓને સાવચેત કરે છે તે ક્યાં છે? હરકિસન સિંહ સૂરજિતે શું સામ્યવાદ હવે છોડી દીધો છે? આ સામ્યવાદીઓના એકમેવ સાથી વી. પી. સિંહ કેમ બર્લિનની દિવાલ વિશે એક શબ્દ નથી બોલ્યા? (ડાબેરી દરેક ઘટના પછી કે વડાપ્રધાન મૌન છે એવું કહે તેના જેવું આ છે. ટૂંકમાં જનતા માટે બંને સરખા છે.) હાલના સોશ્યલ મીડિયા જેવી આ ભાષા સાથે દુભાષીએ લખ્યું હતું કે અયોધ્યા અને બર્લિનની બે ઘટના એવી બે ઘટના છે, જે આઇન્સ્ટાઇનની રિલેટિવીટીની થિયરીને બે ઘટનાઓ જેવી હોય છે, જે બંને એકબીજાથી જુદી દેખાય, પણ હોય નહિ.
જન્મસ્થાન ગણાતું હતું તેની ઉપર જ બનેલી મસ્જિદ ગેરકાયદે હતી અને તેને તોડી પડાઈ તે પણ ગેરકાયદે કાર્ય હતું તેવી ટીપ્પણી સુપ્રીમ કોર્ટે કરી છે, પણ આખરે તેના પર રામમંદિર બનાવવા માટે ચુકાદો પણ આપ્યો, એટલે 1528, 1822, 1853, 1855, 1885, 1887, 1936, 1949, 1986, 1989, 1992, 2019ના વર્ષમાં અને નવેમ્બર-ડિસેમ્બર જેવા અંતિમ મહિનાઓમાં મોટા ભાગે બનેલી ઇતિહાસની ઘટનાઓને નવેસરથી જોવાશે તે વાત સાવ અસ્થાને પણ નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]