ટી.એન.શેષનઃ અસાધારણ બ્યૂરોક્રેટ, અસાધારણ ચૂંટણી કમિશ્નર

નવી દિલ્હી: તિરુનેલે નારાયણ અય્યર એટલે કે, ટી. એન. શેષનને 10 નવેમ્બરે રાત્રે 9.30 વાગ્યે ચેન્નઈ ખાતેના પોતાના નિવાસ સ્થાને 86 વર્ષની જઈફ વયે અંતિમશ્વાસ લીધા. 1955 બૅંચના આઈએએસ અધિકારી ટી. એન. શેષન 12 ડિસેમ્બર, 1990ના રોજ ભારતના 10મા મુખ્ય ચૂંટણી કમિશ્નર બન્યા હતા. 12 ડિસેમ્બર 1990થી 11 ડિસેમ્બર 1996 સુધી ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નરના પદ પર રહ્યા. દેશની ચૂંટણી વ્યવસ્થામાં વ્યાપક સુધારા કરવાનો શ્રેય ટી. એન. શેષનને આપવામાં આવે છે. શેષનને ચૂંટણીમાં પાર્દિર્શિતા અને નિષ્પક્ષતાને પ્રોત્સાહન આપવા માટે હંમેશા યાદ કરવામાં આવશે જેના માટે તત્કાલિન સરકાર અને નેતાઓ સાથે અનેક વખત શેષનની ટક્કર પણ થયેલી.

ટીએન શેષન ભારતના 18માં કેબિનેટ સચિવના રૂપમાં 27 માર્ચ 1989થી 23 ડિસેમ્બર 1989 સુધી સેવા આપી. સરકારી સેવાઓ માટે તેમને વર્ષ 1996માં રોમન મેગ્સેસે એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતાં. વર્ષ 1997માં ટી.એન.શેષને રાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડી હતી, પણ આમા તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. નિવૃતિ પછી ટી.એન.શેષને દેશભક્ત ટ્રસ્ટની સ્થાપના કરી અને સમાજ સુધારમાં સક્રિય ભૂમિકા નિભાવતા રહ્યાં.

આચારસંહિતાનું કડક પાલન:

શેષન ચૂંટણી કમિશનર બન્યા તે પહેલા આચારસંહિતા માત્ર કાગળ પર હતી, તેમણે આ કડક રીતે લાગુ પાડી. પહેલા ચૂંટણી પ્રચારને લઈને નિયમોનું પાલન નહોતું થતું. જેના પરિણામે ઉમેદવાર ભારે ખર્ચો કરતા હતા. આચારસંહિતા લાગુ થયા બાદ પંચની પ્રચાર પર નજર રહેતી હતી. રાત્રે 10 બાદ પ્રચાર પર રોક લગાવવામાં આવી. ઉમેદવાર માટે ચૂંટણી ખર્ચનો હિસાબ પ્રચાર દરમિયાન નિયમિત આપવાનું અનિવાર્ય કરવામાં આવ્યું અને ખોટા ખર્ચા પર કાપ મૂકવામાં આવ્યો. દળો અને ઉમેદવારની મનમાની રોકવા માટે સુપરવાઈઝર રાખવાની પ્રક્રિયાને શેષને શિસ્તબદ્ધ દાખલ કરી. જેના કારણે નોકરશાહીને કામ કરવાની આઝાદી મળી અને હિંસા રોકાઈ. 1995માં બિહારની ચૂંટણીને આ કારણે યાદ કરવામાં આવે છે. આ ચૂંટણીમાં મતદાન બૂથ લૂંટવા જેવી ઘટના ઓછી જોવા મળી.

જોકે એ વાત ઓછી જાણીતી છે કે શેષનની આપખુદી સામે પણ ભારે વિરોધ થયો હતો. તેઓ એવી રીતે વર્તવા લાગ્યા હતા કે સરકારે તેમને પદચ્યુત કરવાનું વિચાર્યું હતું. જોકે તે શક્ય ના બન્યું ત્યારે સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો અને બીજા બે ચૂંટણી કમિશ્નરો નિમાયા હતા. તેના કારણે જ આજે ચૂંટણી પંચમાં ત્રણ કમિશ્નર હોય છે અને ત્રણેયનો દરજ્જો સમાન ગણાય છે. તેમણે કોઈ પણ નિર્ણય સામુહિક અને સર્વસંમતિથી લેવાનો હોય છે.

ડિસેમ્બર 1990માં ટી. એન. શેષનની નિમણૂક વડાપ્રધાન ચંદ્રશેખરે ચૂંટણી કમિશ્નર તરીકે કરી હતી. તેમનો કાર્યકાળ છ વર્ષ જેટલો લાંબો ચાલવાનો હતો. સરકારી નિયમોના સારા જાણકાર શેષનને ખ્યાલ આવી ગયો હતો કે તે ચૂંટણી કમિશ્નર તરીકે તેમની પાસે વિશાળ સત્તાઓ છે. બંધારણમાં ચૂંટણી પંચની કામગીરીને સ્વાયત્ત રાખવા માટે પૂરતો પ્રબંધ કરવામાં આવ્યો હતો, પણ તેનો ઉપયોગ ભાગ્યે જ થતો હતો.

ચૂંટણી ઓળખપત્ર:

શેષને જ ચૂંટણીમાં મત આપવા માટે ઓળખપત્ર આવશ્યક બનાવી દીધો હતો. નેતાઓએ આ વાતનો વિરોધ કર્યો અને કહ્યું કે ભારત જેવા દેશ માટે આ યોજના અતિ ખર્ચાળ સાબિત થશે. તેમના વિરોધનો જવાબ આપતા શેષને એ સમયે કહ્યું હતું કે જો મતદાર ઓળખપત્રો નહી બનાવાય તો 1 જાન્યુઆરી, 1995 બાદ ભારતમાં કોઈ ચૂંટણી નહીં કરાવવામાં આવે. ઘણી ચૂંટણીઓ માત્ર એટલા માટે સ્થગિત કરી દેવાઈ, કારણ કે એ રાજ્યના મતદારોના ઓળખપત્રો તૈયાર નહોતા.

તેમની અન્ય ઉપલબ્ધિ એ હતી કે તેમણે ઉમેદવારોના ચૂંટણીખર્ચમાં ઘટાડો કરી દીધો હતો. તેમને એક વાર એક પત્રકારે પૂછ્યું હતું કે, “તમે હંમેશાં ચાબુકનો ઉપયોગ કેમ કરવા માગો છો?” શેષને આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, “હું એ જ કરી રહ્યો છું જે કાયદા દ્વારા અપેક્ષિત છે. તેનાથી કશું ઓછું કે વધારે હું નથી કરી રહ્યો. જો તમને કાયદો ન ગમતો હોય તો તેને બદલી નાખો, પરંતુ જ્યાં સુધી એ કાયદો છે હું તેને તૂટવા નહીં દઉં.”

શેષને મદ્રાસની ક્રિશ્ચિયન કોલેજમાંથી ગ્રેજ્યુએટનો અભ્યાસ કર્યો હતો અને એ જ કોલેજમાં તેઓ થોડા સમય માટે લેક્ચરર પણ રહ્યાં. ટી.એન શેષને ઉર્જા મંત્રાલયના ડાયરેક્ટર, અંતરિક્ષ વિભાગના સંયુક્ત સચિવ, કૃષિ વિભાગના સચિવ, ઓએનજીસીના સભ્ય સહિત અન્ય પદો પર પોતાની સેવાઓ આપી છે. ભારતીય નોકરશાહીનાં લગભગ તમામ પદો પર કામ કરવા છતાં તેઓ ચેન્નઈમાં વાહનવ્યવહાર કમિશનર તરીકે વીતાવેલાં 2 વર્ષોને પોતાની કારકિર્દીનો સોનેરી સમય માનતા હતા.

એ પોસ્ટિંગ સમયે 3 હજાર બસ અને 40 હજાર કર્મચારી તેમના નિયંત્રણમાં હતાં. એક વખત એક ડ્રાઇવરે શેષનને પૂછ્યું હતું કે ‘જો તમે બસના એન્જિન વિશે નથી જાણતા અને એ પણ નથી જાણતા કે બસ કઈ રીતે ચલાવવી તો તમે ડ્રાઇવરોની સમસ્યાને કઈ રીતે સમજશો?’ શેષને આ વાત એક પડકાર માનીને સ્વીકારી લીધી. તેઓ ન માત્ર બસ ડ્રાઇવ કરતા શીખ્યા, પરંતુ બસ વર્કશોપમાં પણ ઘણો સમય પસાર કર્યો. તેઓ કહેતા, “હું બસમાંથી એન્જિન કાઢીને ફરીથી તેમાં ફીટ કરી શકતો હતો.” એક વાર તેમણે રસ્તા વચ્ચે એક બસડ્રાઇવરના સ્થાને જાતે મુસાફરોથી ભરેલી બસ 80 કિલોમિટર સુધી ચલાવી હતી.

પોતાની આત્મકથા લખી ચૂક્યા છે શેષન

શેષન પોતાની આત્મકથા લખી ચૂક્યા છે, પરંતુ તેઓ તે છપાવવા માટે તૈયાર નહોતા. કારણ કે તેમનું માનવું હતું કે આવું કરવાથી ઘણા લોકો મુશ્કેલીમાં મુકાઈ જશે. તેમનું કહેવું હતું કે, “મેં આ આત્મકથા માત્ર મારા સંતોષ માટે જ લખી છે.”

હેલી કે. એસ્મેરોમ અને એલિસા પી. રીસ દ્વારા સંપાદિત પુસ્તક ડેમોક્રેટાઈઝેશન એન્ડ બ્યૂરોક્રેટિક ન્યૂટ્રેલિટીમાં ટી.એન.શેષન ના સંઘર્ષની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તકના પેજ નંબર 275 પર લખ્યું છે કે, 1962માં ટી.એન.શેષનનું એક જ દિવસમાં સવારે 10.30થી સાંજ સુધીમાં 6 વાર ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. ટી.એન.શેષને એક ગ્રામીણ ઓફિસરને 3000 રૂપિયાની લાંચ લેતા રોક્યો હતો, જેના માટે ટ્રાન્સફર થયું હતું. એટલું જ નહીં, એક વખત રેવેન્યૂ મંત્રીની વાત ન માનવા પર ટી.એન.શેષનને તમિલનાડુમાં મંત્રીએ પોતાની ગાડીમાંથી એક સુમસાન વિસ્તારમાં ઉતારી દીધા હતાં.